આ જીવલેણ બૉડી-શેમિંગ આખરે ક્યારે બંધ થશે?

22 July, 2025 01:20 PM IST  |  Mumbai | Heena Patel

રંગભેદ સામે અવાજ ઉઠાવનારી જાણીતી ડાર્ક મૉડલ સૅન રેચલ ગાંધીએ આત્મહત્યા કર્યા પછીથી ફરી એક વાર બૉડી-શેમિંગનો મુદ્દો ચર્ચામાં આવ્યો છે

સૅન રેચલ ગાંધી

રંગભેદ સામે અવાજ ઉઠાવનારી જાણીતી ડાર્ક મૉડલ સૅન રેચલ ગાંધીએ આત્મહત્યા કર્યા પછીથી ફરી એક વાર બૉડી-શેમિંગનો મુદ્દો ચર્ચામાં આવ્યો છે. આજના મૉડર્ન જમાનામાં પણ વ્યક્તિનાં રંગ, રૂપ, ઊંચાઈ, જાડાઈ વગેરે બાબતોને લઈને તેમની મજાક ઉડાવવામાં આવતી હોય છે. એવામાં સમાજના ભાગરૂપે આપણી કઈ ભૂમિકા હોવી જોઈએ એ જાણીએ

હજી થોડા દિવસ પહેલાં જ રંગભેદ સામે અવાજ ઉઠાવનારી અને મૉડલિંગ ઇન્ડસ્ટ્રીમાં બ્યુટી-સ્ટાન્ડર્ડ્‍સને બદલનારી ૨૬ વર્ષની સૅન રેચલ ગાંધીએ આત્મહત્યા કરી લીધી. એવું કહેવાય છે કે તે ઘણા લાંબા સમયથી ડિપ્રેશનમાં હતી અને ઊંઘની ગોળીઓ ખાધા પછી તેની સ્થિતિ ગંભીર થઈ હતી. સૅન રેચલ એક ડાર્ક સ્કિન મૉડલ હતી. તેણે ૨૦૨૨માં મિસ પુદુચેરીનો ખિતાબ જીત્યો હતો. મૉડર્ન જમાનામાં કે જ્યાં બૉડી-પૉઝિટિવિટી અને સેલ્ફ-લવ જેવી વાતો કરવામાં આવે છે ત્યાં આજે પણ અનેક લોકો બૉડી-શેમિંગનો ભોગ બનતા હોય છે. વધુપડતા પાતળા કે વધુપડતા જાડા હોવાને લીધે, સ્કિનનો કલર કાળો હોવાને લઈને, ઠીંગણા કે વધુપડતા ઊંચા હોવાને લઈને અથવા તો તેમના દેખાવને લઈને તેમને લોકોની મજાક-મશ્કરી અને નકારાત્મક ટિપ્પણીનો સામનો કરવો પડતો હોય છે. 

ડર્મેટોલૉજિસ્ટનો સ્વાનુભવ

આપણા દેશમાં ગોરી ત્વચા પાછળ લોકો ગાંડા છે એમ જણાવતાં જીવનમાં બૉડી-શેમિંગનો શિકાર બનેલાં ડર્મેટોલૉજિસ્ટ ડૉ. મૃણાલ શાહ મોદી તેમના જીવનનો અનુભવ શૅર કરતાં કહે છે, ‘મારા પપ્પાની સ્કિન ડાર્ક હતી અને મારાં મમ્મી ગોરાં હતાં. એટલે વારસામાં મને ડાર્ક બ્રાઉન સ્કિન મળી. સ્કૂલ-કૉલેજ બધે જ મારી ડાર્ક સ્કિનને લઈને લોકો મારા પર નેગેટિવ કમેન્ટ કરતા. ટીનેજમાં આવી ત્યારે મને બહુ બધાં પિમ્પલ્સ થતાં હતાં. પિમ્પલ્સ મટી જાય તો પણ એના ડાઘ રહી જાય. એટલે ત્યારે પણ લોકો કહેતા કે તારી સ્કિન કેટલી ખરાબ લાગે છે. મારી મમ્મી પણ ઘણા ઘરગથ્થુ ઉપાયો કરતી. મારા ચહેરા પર દૂધ, બેસન, મલાઈની પેસ્ટ લગાવતી. રંગ ઊજળો કરવા માટે લોકો જે પણ ઍડ્વાઇઝ આપે એ મારી મમ્મી અજમાવતી. જોકે એને કારણે સ્કિન તો સારી નહોતી થતી ઊલટાની મને સ્કિન-ઍલર્જી થઈ જતી. તમે ટીનેજમાં હો અને તમારા દેખાવને લોકો પસંદ ન કરતા હોય તો તમારો સેલ્ફ-કૉન્ફિડન્સ ડાઉન થઈ જાય. તમારા વધારે ફ્રેન્ડ્સ ન હોય. મારી સાથે પણ એવું જ થયેલું. એ પછી લગ્ન માટે છોકરાઓ જોવાની વાત આવી. છોકરાઓને ગોરી છોકરીઓ ગમે. એ લોકો એજ્યુકેશન કે ફૅમિલી-બેકગ્રાઉન્ડ ન જુએ. મારા ડાર્ક કૉમ્પ્લેક્શનને કારણે ઘણા છોકરાઓએ મને રિજેક્ટ કરી એટલું જ નહીં, મારા હસબન્ડને પણ યુવાનીમાં જ વાળ પાતળા થઈને ખરવાનું શરૂ થઈ ગયેલું. તેમને માથામાં ટાલ પડી ગઈ હતી. તેમનાં લગ્નની વાત આવી ત્યારે અનેક છોકરીઓએ તેમને રિજેક્ટ કર્યા. તેમને મળ્યા વગર ફોટો જોઈને જ રિજેક્ટ કરી નાખતી. એટલે પછી તેમના પરિવારે તેમને હેર-ટ્રાન્સપ્લાન્ટ કરાવવા માટે ફોર્સ કર્યો. મારા હસબન્ડને એ નહોતું કરાવવું, પણ ફૅમિલીની જીદ સામે ઝૂકીને તેમણે હેર-ટ્રાન્સપ્લાન્ટ કરાવ્યું. જોકે એ સફળ ન થયું. દરમિયાન મારા હસબન્ડનનો બાયોડેટા મારી ફૅમિલી પાસે આવેલો. મેં તો તેમનો ફોટો પણ નહોતો જોયો. એ જોયા વગર જ હું તેમને મળવા ગઈ હતી. અમારી વાતો થઈ. એમાં અમે બન્નેએ એક વ્યક્તિ તરીકે એકબીજાને ઓળખવાનો પ્રયત્ન કર્યો. અમે એકબીજાના દેખાવને લઈને કોઈ વાત જ નહોતી કરી. મારા હસબન્ડે જ્યારે મને હેર-ટ્રાન્સપ્લાન્ટની વાત કરી તો મેં તેમને પૂછ્યું કે તમારે હેર-ટ્રાન્સપ્લાન્ટ કરાવવાની જરૂર જ શું હતી? એ સમયે તેમણે મને હસીને કીધું હતું કે તું પહેલી છોકરી છે જેણે મારા વાળ કે મારી ટાલ પર કોઈ કમેન્ટ નથી કરી. અમે બન્ને પતિ-પત્નીએ જીવનમાં બૉડી-શેમિંગનો સામનો કર્યો છે. અમારું બન્નેનું માનવું છે કે તમારો દેખાવ કેટલાં વર્ષ સુધી સારો રહેશે? માણસનું વ્યક્તિત્વ સારું હોવું જરૂરી છે. મારા દેખાવને લઈને હું મારી જાત પર આત્મવિશ્વાસ લાવી જ શકતી નહોતી, પણ મને કૉન્ફિડન્ટ બનાવવામાં મારા દાદા અને પિતાએ ખૂબ મદદ કરી. એ લોકો એમ જ કહેતા કે આપણે કેવા દેખાઈએ છીએ એ મહત્ત્વનું નથી, આપણું કામ જ આપણી ઓળખ છે. એટલે મેં આગળ ડર્મેટોલૉજિસ્ટ એટલે કે ત્વચાના ડૉક્ટર બનવાનું નક્કી કર્યું. આ રીતે મેં મારી લાઇફની જે સૌથી મોટી વીકનેસ હતી એને સ્ટ્રેન્ગ્થ બનાવી લીધી. એવા ઘણા લોકો છે જેણે મને બૉડી-શેમ કર્યું હતું અને આજે તેઓ મારા પેશન્ટ છે અને મારી પાસે ટ્રીટમેન્ટ લેવા માટે આવે છે. બૉડી-શેમિંગનો ભોગ બનતા લોકોને મારે એટલું જ કહેવું છે કે જે તમારું મૂલ્યાંકન તમારા દેખાવના આધારે કરે છે એ લોકો મનથી છીછરા છે. આ દુનિયામાં કોઈ પર્ફેક્ટ નથી. તમને બૉડી-શેમ કરવાવાળાઓમાં પણ ખામી છે. એટલે બીજાની નેગેટિવ કમેન્ટ્સ સાંભળીને તમારે પોતાનું મન દુખી કરવાની જરૂર નથી.’

સાઇકોલૉજિસ્ટ પાસેના કેસ

બૉડી-શેમિંગની કેવી ઊંડી અસર લોકોના જીવનમાં થતી હોય છે એનો તાગ આપતાં સાઇકોલૉજિસ્ટ અને સાઇકોથેરપિસ્ટ નિરાલી ભાટિયા તેમને ત્યાં આવતા ક્લાયન્ટનો અનુભવ શૅર કરતાં કહે છે, ‘બૉડી-શેમિંગને કારણે માનસિક રીતે ભાંગી પડેલા લોકોમાં સૌથી વધુ ટીનેજર્સ અને વીસીની શરૂઆતમાં પહોંચેલા યંગસ્ટર્સ આવે છે. મારી પાસે એક કૉલેજગોઇંગ ગર્લ આવેલી. તેનું સાઇબર-બુલિંગ થયેલું. તેણે સુસાઇડ કરવાનો પ્રયત્ન કર્યો હતો. તેના પેરન્ટ્સ તેને મારી પાસે કાઉન્સેલિંગ માટે લઈ આવેલા. એ યુવતી ખૂબ દેખાવડી હતી. જોકે તેનાં સ્તન અને નિતંબનો ગ્રોથ થયો નહોતો એટલે તેનું ફિગર એકદમ સપાટ હતું. એને લઇને તેનું ખૂબ બુલિંગ કરવામાં આવતું હતું. બૉડી-શેમિંગની અસર ફક્ત સાઇકોલૉજિકલ નથી રહી, ફિઝિયોલૉજિકલ એટલે કે શરીર પર પણ થઈ રહી છે. મારી એક ક્લાયન્ટને ફૅટ-શેમિંગની એટલી હદે ઍન્ગ્ઝાયટી થઈ ગયેલી કે સ્ટ્રેસમાં તેણે તેના વાળ ખેંચવાનું શરૂ કરી દીધું હતું. તેને માથામાં રીતસરની વાળ ખેંચી-ખેંચીને ટાલ પડી ગયેલી. ડર્મેટોલૉજિસ્ટ પાસે આ કેસ આવેલો, પણ સાઇકોલૉજિકલ પ્રૉબ્લેમને કારણે આ થતું હોવાથી મેં આ કેસ હૅન્ડલ કરેલો. મારી પાસે સ્કૂલમાં જતા એક છોકરાનો પણ એવો કેસ આવેલો કે જેને તેના ડાર્ક સ્કિન કલરને લઈને બૉડી-શેમ કરવામાં આવતો હતો. આ વાતનું તેને એટલુંબધું સ્ટ્રેસ હતું કે રીતસર બીચની સફેદ માટીને તેના ચહેરા પર રગડતો હતો. બૉડી-શેમિંગ ફક્ત કોઈની મજાક ઉડાવવા પૂરતું નથી, પણ એ વ્યક્તિને સતત અસ્વીકારિતા અને અપાત્રતાનું ભાન કરાવતું રહે છે જેને કારણે તેઓ તેમનો આત્મવિશ્વાસ ખોઈ બેસે છે. તે પોતાની બૉડીને ઍક્સેપ્ટ કરી શકતા નથી. તે પોતાની જાતમાં કૉન્ફિડન્ટ ફીલ કરી શકતા નથી. તેમને સતત એવો ભય રહેતો હોય છે કે લોકો મારા માટે વિશે શું વિચારશે? એ લોકો પોતાની જાતને મર્યાદિત કરી નાખે છે. સોશ્યલ ફંક્શનમાં જવાનું ટાળે. પોતાના દેખાવને લઈને ઍન્ગ્ઝાયટી થાય, જે લાંબો સમય સુધી રહે તો ડિપ્રેશન બની જાય છે. તેમની ખાવા-પીવાની આદતોમાં બદલાવ આવી જાય. એમાં પણ સોશ્યલ મીડિયાના જમાનામાં તો બૉડી-શેમિંગ ખૂબ વધારે થઈ ગયું છે. અગાઉ તો લોકો મળે ત્યારે નેગેટિવ કમેન્ટ કરે, પણ હવે તો સોશ્યલ મીડિયા પર તમે કંઈક મૂકો એટલે જાણીતા-અજાણીતા બધા જ લોકો કમેન્ટ કરવા તૂટી પડે. એના કારણે તો ઘણા લોકો સોશ્યલ મીડિયા પ્લૅટફૉર્મ પર તેમના ફોટોઝ, વિડિયોઝ પોસ્ટ કરવાનું ટાળતા હોય છે.’

સોશ્યલ મીડિયા પણ જવાબદાર

બૉડી-શેમિંગ પાછળ રહેલી માનસિકતા અને આ દિશામાં કઈ રીતે કામ કરવાની જરૂર છે એ વિશે માહિતી માહિતી આપતાં નિરાલી ભાટિયા કહે છે, ‘બૉડી-શેમિંગને લઈને લોકોમાં જે માનસિકતા છે એની પાછળ ઘણાં કારણો છે. સોશ્યલ મીડિયા પ્લૅટફૉર્મ્સ પર ગ્લોઇંગ સ્કિન, પર્ફેક્ટ બૉડી વગેરેનો દેખાડો કરવામાં આવે છે. બ્યુટી અને કૉસ્મેટિક્સની બ્રૅન્ડ્સ સ્કિન-લાઇટનિંગ ક્રીમ, સ્લિમિંગ પ્રોડક્ટ્સ જેવી વસ્તુઓ પ્રમોટ કરીને એ વિચારને પ્રોત્સાહન આપે છે કે ગોરી ત્વચા, સુડોળ શરીર જ સુંદરતાની પરિભાષા છે. મૅટ્રિમોનિયલ સાઇટમાં પણ ફેર અને સ્લિમ યુવતીઓને વધુ રિસ્પૉન્સ મળે છે. સોશ્યલ મીડિયા પર એવાં ફિલ્ટર્સ આવે છે જે તમને ગોરા અને આકર્ષક બનાવી દે. આજે પણ ડાર્ક સ્કિન ધરાવતી યુવતીઓને એન્ટરટેઇનમેન્ટ ઇન્ડસ્ટ્રી, ફૅશન ઍન્ડ મૉડલિંગ ઇન્ડસ્ટ્રી, કૉર્પોરેટ ઍન્ડ હૉસ્પિટાલિટી જેવાં સેક્ટરમાં ઘણી વાર રિજેક્શનનો સામનો કરવો પડે છે. સામાન્ય રીતે બૉડી-શેમિંગનો શિકાર થયા હોય એવા લોકો પોતાના વિશે નકારાત્મક વિચારવા લાગતા હોય છે, જેથી કાઉન્સેલિંગના માધ્યમથી અમે તેમને તેમના ગુણો અને ટૅલન્ટની સુંદરતા જોવા તરફ વાળીએ છીએ. બૉડી-શેમિંગ એવી સમસ્યા છે જેના પર આપણે બધાએ સાથે મળીને કામ કરવાની જરૂર છે. ઘરોમાં અને સમાજમાં એવું વાતાવરણ ઊભું કરવાની જરૂર છે જ્યાં લોકોના શારીરિક દેખાવને બદલે વ્યક્તિના ગુણોને વધુ મહત્ત્વ આપે. ઉદાહરણ તરીકે આપણે ઘણી વાર એવું બોલતા હોઈએ કે પેલાં જાડાં સરખાં આન્ટી છેને તે આ નાસ્તો આપી ગયાં છે. એ સમયે આપણે એમ કેમ નથી બોલતાં કે કુકિંગમાં એક્સપર્ટ છે એ આન્ટી. ઘણી વાર શાળામાં પણ શિક્ષકો બોલતા હોય કે પેલા ચશ્મિશ છોકરાને બોલાવ તો. આપણે એમ કેમ નથી બોલતા કે ગણિતમાં હોશિયાર છે એ છોકરો. આપણે વ્યક્તિના ગુણોને મહત્ત્વ આપતા થઈશું ત્યારે આપોઆપ બૉડી-શેમિંગની અસર ઓછી થઈ જશે.’

columnists suicide gujarati mid day mumbai cyber crime mental health skin care