૨૦૦ વર્ષ જૂનું ટચૂકડું ઘર છે જીવતુંજાગતું મ્યુઝિયમ

02 March, 2025 05:06 PM IST  |  Itanagar | Gujarati Mid-day Correspondent

૨૪ વર્ષની લીક ચોમુ નામની યુવતીએ અરુણાચલ પ્રદેશના પશ્ચિમ કામેન્ગ જિલ્લામાં પોતાના બાપદાદાના કાચા મકાનને લિવિંગ હેરિટેજમાં તબદીલ કરી દીધું છે.

૨૪ વર્ષની લીક ચોમુએ બાપદાદાના ઘરને મ્યુઝિયમ બનાવ્યું છે અને હવે મોનપા કલ્ચરલ ટૂરિઝમ ડેવલપ કરવા માગે છે.

૨૪ વર્ષની લીક ચોમુ નામની યુવતીએ અરુણાચલ પ્રદેશના પશ્ચિમ કામેન્ગ જિલ્લામાં પોતાના બાપદાદાના કાચા મકાનને લિવિંગ હેરિટેજમાં તબદીલ કરી દીધું છે. અહીંની સ્થાનિક બુદ્ધિસ્ટ મોનપા કમ્યુનિટીને મૉડર્નાઇઝેશનની ઝાળ લાગવા માંડી છે ત્યારે આ યુવતીએ પોતાની કૃષિપ્રધાન સંસ્કૃતિના સદીઓ જૂના સંસ્કારોને સાચવી રાખ્યા છે. અંતરિયાળ ગામમાં ખોબા જેવડા ઘરમાં બનેલું અનોખું મ્યુઝિયમ સહેલાણીઓ અને સંશોધકો માટે તો આશ્ચર્યજનક છે જ, પણ આજની મૉડર્ન મોનપા જનરેશનને પણ એમનાં મૂળ સાથે જોડનારું બન્યું છે

ભારતમાં ૨૦૦૦થી વધુ જનજાતિ સમુદાયો છે અને દર બાર ગાઉએ બોલી બદલાય છે. ઉત્તર, દક્ષિણ, પશ્ચિમ હોય કે પૂર્વ; ભારતના દરેક ખૂણે આગવી સંસ્કૃતિઓ હતી. હતી એટલા માટે કહેવું પડે એમ છે કેમ કે પશ્ચિમીકરણના વાયરામાં અને મોબાઇલ યુગમાં હવે બધું જ પોતાની ઓરિજિનલિટી ગુમાવી રહ્યું છે. એકમેકની સંસ્કૃતિ જાણીને સમૃદ્ધ થવાનું હોય એને બદલે સંસ્કૃતિને પોતાની અંદર સમાવી બેઠેલાં ગામો અને કસબાઓને પણ બીબાઢાળ શહેરીકરણની અસર થવા લાગી છે. સંસ્કૃતિઓ ભૂતકાળ બની ગઈ છે અને હવે તો એ સાવ લુપ્ત ન થઈ જાય એ માટે કમર કસવી પડે એવા દિવસો આવી ગયા છે. અરુણાચલ પ્રદેશના મોનપા સમુદાયની પણ આગવી સંસ્કૃતિ વીસરાવાના આરે આવી છે ત્યારે ૨૪ વર્ષની લીક ચોમુ નામની યુવતીએ આ સંસ્કૃતિનું અનોખું મ્યુઝિયમ બનાવ્યું છે. આ મ્યુઝિયમમાં શું છે એ જાણતાં પહેલાં થોડુંક મોનપા કમ્યુનિટી વિશે જાણી લઈએ.

અંદરથી જાજરમાન અને બહારથી દેખાતું ટચૂકડું મ્યુઝિયમ.

કુદરતના ખોળે રહેતી પ્રજા

અરુણાચલ પ્રદેશના તવાંગ અને વેસ્ટ કામેન્ગ જિલ્લામાં ખીણપ્રદેશોમાં રહેતી આ પ્રજા સદીઓથી પોતાની અલગ જિંદગી જીવતી આવી છે. વિષમ કુદરતી પરિસ્થિતિઓને કારણે વર્ષનો મોટા ભાગનો સમય આસપાસના વિસ્તારોથી વિખૂટી રહેતી આ પ્રજા ખૂબ કુદરતી જીવન જીવવા ટેવાયેલી હતી. ખેતી તેમનો મુખ્ય વ્યવસાય છે, પરંતુ ખેતીમાંય કુદરતી ખેતી જ થતી આવી છે. એને કારણે અહીં જુવાર, મકાઈ, કુટ્ટુ અને સ્થાનિક મોટાં જાડાં ધાન્યો જ ઊગતાં. પર્વતીય વિસ્તારોના જંગલમાં આપમેળે ઊગી નીકળતાં વૃક્ષનાં ફૂલો અને ફળો પર નિર્ભર રહેતી આ પ્રજા છેક ૧૯૬૦ પછીથી ચોખા ખાતી થઈ. એકાંતમાં રહેતી હોવાથી સ્થાનીય સંસાધનો પર આત્મનિર્ભર જિંદગી જીવતી પ્રજા ૧૯૬૦ પછીના દાયકામાં રોડ-કનેક્ટિવિટીથી બાકીની દુનિયા સાથે જોડાઈ અને સરકારી સબસિડીઓ મળતી થતાં તેમને ચોખા, તેલ જેવી બેસિક ચીજોનો પરિચય થયો. ત્યાં સુધી મોનપા લોકો પ્રાણીઓના દૂધ, વનસ્પતિ તેલીબિયાંઓમાંથી કુદરતી રીતે મળતી ફૅટ અને કોઈ જ વિશેષ મહેનત વિના ઊગતાં મોટાં જાડાં ધાન્યો પર જ નિર્ભર હતા. જોકે જેવો બહારની દુનિયાનો રંગ મળ્યો કે મૂળભૂત સંસ્કૃતિ વિસરાવા લાગી. ટ્રેડિશનલ ફાર્મિંગ લગભગ બંધ થઈ ગયું. લાલ ચોખાની ખેતી થવા લાગી અને ભોજનમાં પણ ચોખાનું વર્ચસ વધી ગયું. મોનપા જનજાતિ સદીઓથી આત્મનિર્ભર હોવાથી તેમની આગવી આર્કિટેક્ચર પદ્ધતિ છે, તેમની આગવી હૅન્ડક્રાફ્ટ અને પૉટરીની વિશેષતાઓ છે. જન્મજાત સાયન્ટિસ્ટ નેચર ધરાવતી આ પ્રજાએ ૧૫૦૦ વર્ષ પહેલાં સ્થાનિક વૃક્ષોની છાલના ગરમાંથી હૅન્ડમેડ પેપર બનાવવાની પદ્ધતિ પણ વિકસાવી છે. આ પદ્ધતિ પણ હવે લગભગ મરી પરવારી છે ત્યારે એને રિવાઇવ કરવાના પ્રયત્નો પણ ચાલી રહ્યા છે. ખાનપાનમાં અતિશુદ્ધતા અને સાદગી અને નૅચરલી જ ઝીરો વેસ્ટ જીવનશૈલી ધરાવતી મોનપા સંસ્કૃતિનાં મૂળિયાંને હજી એવાં ને એવાં જ ફૉર્મમાં જાળવી રાખવાનું અને લોકો સમક્ષ લાવવાનું કામ કર્યું છે ૨૪ વર્ષની લીક ચોમુ નામની યુવતીએ. મૂળ ઍગ્રિકલ્ચર સાયન્ટિસ્ટ અને એગ્રોઇકોલૉજીમાં ગ્રૅજ્યુએટ થયેલી ચોમુએ ખેતીના કામ માટે સ્થાનિક પરંપરાઓનો અભ્યાસ કર્યો તો ખબર પડી કે પરંપરાગત રીતે થતી કુદરતી ખેતીના સ્થાને જે કમર્શિયલ ખેતી વિકસી છે એ સંસ્કૃતિને હણનારી છે. તો ઓરિજિનલ સંસ્કૃતિ શું હતી? તેણે પોતાના સમાજના વડીલોનાં લખાણો અને જીવનશૈલીની વાતો જાણીને નક્કી કર્યું કે જે મારી પોતાની સંસ્કૃતિ છે એની મને પોતાને ખબર નથી તો એ નવી પેઢીને કેવી રીતે ખબર પડશે? એમાં વળી લીક ચોમુને વર્લ્ડવાઇડ ફન્ડ ફૉર નેચર-ઇન્ડિયા નામની સ્વૈચ્છિક સંસ્થા તરફથી પ્રાથમિક પ્રેરણારૂપ ફન્ડ પણ મળ્યું અને તે લાગી પડી મોનપા સંસ્કૃતિની ખણખોદ કરીને એની જાળવણીના કામમાં. લગભગ બે વર્ષની મહેનતની ફળશ્રુતિરૂપે તૈયાર થયું મોનપા લિવિંગ મ્યુઝિયમ.

મોનપા સંસ્કૃતિનું ટ્રેડિશનલ કિચન.

શું છે મ્યુઝિયમમાં?

સામાન્ય રીતે તમે મ્યુઝિયમમાં જાઓ એ પછીથી જે-તે સંસ્કૃતિની ઓળખ ગણાતી ચીજો, મૉડલ્સ કે પુરાતત્ત્વવિદોએ શોધેલી ચીજોને કાચની ફ્રેમમાં ગોઠવેલી હોય; પણ મોનપા મ્યુઝિયમ જુદું છે. એમાં જે ઘરને મ્યુઝિયમમાં તબદીલ કરવામાં આવ્યું છે એ ખુદ જ મોનપા સંસ્કૃતિનું જીવતું-જાગતું ઉદાહરણ છે. ચોમુને બાપદાદાના વારસામાં મળેલું ૨૦૦ વર્ષ જૂનું ઘર જે પશ્ચિમ કામેન્ગ જિલ્લાની ચુગ વૅલીમાં આવેલું છે એ જ છે મોનપા મ્યુઝિયમ. માટીનો ગારો અને પથ્થરનો ઉપયોગ કરીને જે પરંપરાગત રીતે અડીખમ ઘરો બનાવવામાં આવતાં એ જ આર્ટિક્ટેચર સ્ટાઇલથી આ ઘર બન્યું છે. ખીણપ્રદેશમાં નીતરી આવતા પાણીને ઘરમાં પ્રવેશવાથી બચાવવા માટે દરવાજો થોડોક ઊંચો હોય છે એ પણ આ ઘરમાં જોવા મળે છે. જંગલમાંથી જે મળે એ ચીજોનો જ ઉપયોગ કરીને પથ્થર, માટી, લાકડું અને કુદરતી વનસ્પતિઓની ગુંદર જેવી પેસ્ટથી આ ઘરની દીવાલો ચણાઈ છે. પરંપરાગત રીતે જે રીતે એક ઘર ગોઠવાયેલું હોય એવું જ આ ઘર છે. સ્થાનિક વણાટકામથી તૈયાર થયેલાં પરંપરાગત વસ્ત્રો, ઘરવખરી, ફર્નિચર, પૉટરીવર્ક, ઝૂલો, વાસણો, લાકડાની ફર્શ એમ અદ્દલ પ૦૦ વર્ષ જૂની મોનપા સંસ્કૃતિના જીવનને એ ઘરમાં જીવંત કરવામાં આવ્યું છે. કુદરતી ખેતી માટે વપરાતાં સાધનો, ઘરની આસપાસ કઈ રીતે સેફ્ટી માટેની આડશો ઊભી કરવામાં આવતી એ પણ રીક્રીએટ કરવામાં આવ્યું છે. ચોમુ કહે છે કે ટ્રેડિશનલી જે મોનપા સંસ્કૃતિ છે એની ઑથેન્ટિક ફ્લેવર જળવાય એ માટે આ તમામ ચીજો તેણે વડીલોને ત્યાં ફરીને જે લોકોએ પોતાના ભંડકિયામાં ચડાવી દીધી હોય એ કઢાવીને એકઠી કરી છે.

પરંપરાગત વાસણો, કપડાં, કાર્પેટ, પૉટરીની ગોઠવણ.

સંસ્કૃતિનું ગૌરવ

આ મ્યુઝિયમ લોકો માટે ખુલ્લું મુકાયાને ત્રણેક મહિના થઈ ચૂક્યા છે. નવાઈની વાત એ છે કે ટૂરિસ્ટોને આ નવું કલ્ચર જાણવામાં મજા પડે જ, પણ મોનપાની નવી જનરેશન માટે પણ આમાંથી ઘણી ચીજો અજાયબી સમાન છે. ચોમુ કહે છે, ‘છેલ્લાં પચાસ વર્ષમાં કમ્યુનિટી વિસ્તારના નામે સાવ જ વિખેરાઈ ગઈ છે, પોતાનાં મૂળિયાં ભૂલી ગઈ છે. કસબાઓ છોડીને આસપાસનાં શહેરોમાં કમાવા નીકળી જતાં કુદરતી ખેતી હવે નથી થતી. લોકોએ આ મ્યુઝિયમને જે રિસ્પૉન્સ આપ્યો છે એનાથી મને બહુ પ્રોત્સાહન મળ્યું છે. હવે હું એને એક્સપાન્ડ કરવા માગું છું. આ માત્ર આવીને જોઈને જતા રહો એવું મ્યુઝિયમ બની ન રહે, પણ અહીં આવીને સહેલાણીઓ અમારી સંસ્કૃતિને જીવવાનો અનુભવ પણ લઈ શકે એવું કમ્યુનિટી સેન્ટર અહીં બનાવવું છે. મ્યુઝિયમની આસપાસમાં જ એવાં રહેણાક ઘરો બનાવવાં છે જે મોનપા કલ્ચરનું રિફ્લેક્શન હોય. લોકો એમાં આવીને રહે, અમારી પરંપરાગત પરોણાગત માણે, મિલેટ્સમાંથી બનતી વાનગીઓ ખાય અને મોનપા સંસ્કૃતિનાં કપડાંને પણ અપનાવે. ટૂરિસ્ટો અને સંશોધકો માટે આ એક્સ્પીરિયન્સ આપતી બાબત હશે અને સ્થાનિક લોકો માટે સંસ્કૃતિની જાળવણી સાથે આર્થિક ઉપાર્જનનું માધ્યમ પણ.’

મોનપા સંસ્કૃતિની વસ્તી પણ બહુ જ ઓછી છે. અરુણાચલ પ્રદેશમાં લગભગ ૫૦,૦૦૦ લોકો છે અને ચીન તેમ જ તિબેટમાં મળીને કુલ ૧૫,૦૦૦ જેટલા લોકો હશે. અત્યારે તો આ સંસ્કૃતિના સંવર્ધન માટે ચોમુને અરુણાચલ પ્રદેશ સરકાર તરફથી કોઈ આર્થિક મદદ નથી મળતી. મ્યુઝિયમ બનાવવાના કામમાં WWF-India સંસ્થાની મદદ હતી. એ પછી મ્યુઝિયમ ચલાવવાનું અને વિકસાવવાનું કામ ચોમુ એકલપંડે જ કરવાની નેમ ધરાવે છે.

arunachal pradesh culture news life and style columnists gujarati mid-day