10 November, 2024 05:39 PM IST | Mumbai | Pravin Solanki
પ્રતીકાત્મક તસવીર
આત્મા અને ઈશ્વર બન્ને એક જ અંતઃકરણરૂપે મારામાં વસે છે. ઈશ્વર જો તડકો છે તો જીવ છાંયો છે; ઈશ્વર જ્ઞાનમય પ્રકાશ છે તો જીવાત્મા જ્ઞાન અને અજ્ઞાનનું મિશ્રણ છે; આત્મા અમર છે, શરીર નાશવંત છે; આત્મા સર્વનું અધિષ્ઠાન હોવાથી સૂક્ષ્મમાં પણ સૂક્ષ્મ છે અને મહાનથી પણ મહાન છે
આ વિશ્વમાં જે કંઈ છે એ બધામાં ઈશ્વરનો આવાસ છે. હે માનવ, તારે ભોગવવું હોય તો પ્રથમ ત્યાગ કર, ત્યાગીને ભોગવ. અન્યની સંપત્તિ માટે તૃષ્ણા ન રાખ. ઈશાવાસ્યોપનિષદનો બીજરૂપ સૌપ્રથમ મંત્ર છે.
આ મંત્ર સૌપ્રથમ હું મારી શાળા ગુરુકુળમાં નવમા ધોરણમાં ભણ્યો. અમારા શિક્ષક તારકર સરે અમને બધાને પરાણે એ ગોખાવ્યો એટલું જ નહીં, ઉપનિષદોની ઋષિવાણીની વિશેષતા પણ સમજાવી.
ઉપનિષદ એટલે શું? એના ચાર અર્થ ભણાવવામાં આવ્યા. ઉપ એટલે પાસે અને નિષદ એટલે બેસવું. એટલે કે ગુરુ કે જ્ઞાની પાસે બેસીને જ્ઞાન મેળવવું. બીજો અર્થ પરમાત્માની પાસે પહોંચવાથી પ્રાપ્ત થયેલું જ્ઞાન. ત્રીજો અર્થ પરમાત્માની પાસે પહોંચવામાં જે સહાયક થાય એ ચિત્તશુદ્ધિ, મનની સ્થિરતા અને શાંતિ એ. ચોથો અર્થ બાહ્ય ભેદોને કે આવરણને દૂર કરીને આંતરિક એકતા જન્માવી વિભિન્ન પ્રકૃતિની વ્યક્તિઓને પાસે લાવવી એ.
આપણું વેદ-સાહિત્ય ચાર ભાગમાં છે : સંહિતા, બ્રાહ્મણ, આરણ્યક અને ઉપનિષદ. આપણા ઋષિઓને યજ્ઞો, દાન-ધ્યાન કે ચિંતનથી સમાધાન કે શાંતિ પ્રાપ્ત ન થઈ ત્યારે તેમણે આત્મચિંતનથી સત્યો તારવ્યાં એ ઉપનિષદ તરીકે ઓળખાયાં. ઉપનિષદો આપણો આધ્યાત્મિક વારસો છે, વેદવિદ્યાનું પ્રવેશદ્વાર છે. ઉપનિષદો લોકભોગ્ય નથી, વિદ્વત્તાભોગ્ય છે. એ વાંચવા યા સમજવા માટે ઉપલબ્ધ છે, પરંતુ સમજવામાં બહુ જ અઘરાં છે. અમને નવમા ધોરણમાં ઉપનિષદ ભણાવવાનો વારો આવતો ત્યારે અડધો ક્લાસ ખાલી થઈ જતો. તારકર સરને મારા જેવા ત્રણ-ચાર વિદ્યાર્થીઓ પ્રત્યે ખાસ લાગણી હોવાથી વ્યક્તિગત રીતે અમને ભણાવતા. જોકે સાચું કહું તો એ સમયે મને પણ ખૂબ કંટાળો આવતો; પરંતુ તારકર સરને કારણે જ મને ધીરે-ધીરે એમાં રસ પડવા માંડ્યો, ખાસ કરીને એમાં આવતી કથા-ઉપકથામાં. એમાં પણ એક દિવસ એ સમયના અમારા આચાર્ય મનુભાઈ વૈદે અમારી શાળામાં સ્વ. શ્રી કરસનદાસ માણેકનું પ્રવચન ગોઠવ્યું. મને યાદ છે ત્યાં સુધી એ સમયે માણેકજી એક મૅગેઝિન ચલાવતા. નામ હતું નચિકેતા. નચિકેતાની વાત કરસનદાસ માણેકે એટલા જ્ઞાન અને ભક્તિભાવપૂર્વક વિદ્યાર્થીઓ સામે કરી કે અમારા જેવા ભાવુક વિદ્યાર્થીઓ રસતરબોળ થઈ ગયા. આજે હું એ કઠોપનિષદમાં આવતી નચિકેતાની વાત કરવાનો છું.
મુક્તિકોપનિષદમાં ૧૦૮ ઉપનિષદોનાં નામ છે. મુખ્ય ઉપનિષદોમાં ઈશ, કેન, કઠ, પ્રશ્ન, બ્રહદારણ્ય, છાંદોગ્ય, મુંડક, માંડુક્ય, તૈત્તરીય અને કૈવલ્ય ગણાવ્યાં છે.
હું ગુરુકુળમાં ભણતો એટલે પાંચમા ધોરણથી ઉપનિષદનો પ્રારંભનો શાંતિમંત્ર અમે સૌ સમૂહમાં ગાતા...
ૐ સહ નાવવતુ।
સહ નૌ ભુનક્તુ।
સહ વીર્યં કરવાવ હૈ।
તેજસ્વી નાવધીતમસ્તુ મા વિદ્વિષાવ હૈ।
અર્થાત્ અમે બન્ને ગુરુ-શિષ્યો સાથે મળીને સંરક્ષણ કરીએ, સાથે ભોગ ભોગવીએ, સાથે મળીને શક્તિ સંપાદન કરીએ. અમારા બન્નેનું અધ્યયન સામર્થ્યવાળું બને અને પરસ્પરનો દ્વેષ ન કરીએ.
કઠોપનિષદની કથાનો નાયક નચિકેતા છે. નચિકેતાની વાત એટલે મૃત્યુના યમદેવ અને નચિકેતા વચ્ચે થયેલો સંવાદ. નચિકેતાના પિતા એટલે ઉદ્દાલક (વાજ શ્રવસ). તેમણે એક યજ્ઞ કર્યો અને યજ્ઞના અંતે ગાયરૂપી ધનનું દાન કરવા લાગ્યા. બાળક નચિકેતા આ દાનપ્રવૃત્તિને આતુરતાથી નીરખતા હતા અને જેમ-જેમ નીરખતા ગયા તેમ-તેમ દુઃખી થવા લાગ્યા. તેણે જોયું કે પિતા એ જ ગાયોનું દાન કરતા હતા જે દૂબળી, વસૂકી ગયેલી, ગર્ભધારણ કરવામાં અસમર્થ હોય અને મરવાના વાંકે જીવતી હોય. જેમ આજના જમાનામાં ધનિકો કાળું ધન દાન કરવામાં વાપરે છે એવી જ સ્થિતિ એ સમયે હતી. નચિકેતા બાળક હતો, પણ બુદ્ધિમાન હતો. પિતાના આવા કૃત્ય બદલ તે શરમ અનુભવવા લાગ્યો. આપણા કામમાં ન આવતી વસ્તુનું દાન કરવાથી પુણ્ય તો મળતું જ નથી, પણ પાપના ભાગીદાર બનાવે છે એવી લાગણી નચિકેતાને થઈ. તેણે પિતાનો સાદર વિરોધ કરતાં કહ્યું, ‘હે પિતાશ્રી, દાન તો સૌથી પ્રિય વસ્તુનું થાય. આપણને જે ખૂબ જ ઉપયોગી હોય છતાં બીજાના કામમાં આવે એ માટે એનો ત્યાગ કરીએ એનું નામ દાન. પિતાજી, મારી વાત બરાબર સાંભળજો. હું આપનો ખૂબ પ્રિય છું તો મારું દાન કરીને પુણ્ય તમે કમાશો તો મને સર્વાધિક આનંદ થશે. બોલો પિતાજી, મારું દાન કોને આપશો?’
નચિકેતાએ એકનો એક પ્રશ્ન વારંવાર દોહરાવ્યો, પણ પિતા દરેક વખતે જવાબ ટાળતા ગયા. જોકે નચિકેતાએ પ્રશ્ન ચાલુ જ રાખ્યો એટલે પિતાએ ક્રોધમાં આવીને કહ્યું, ‘જા, હું તારું દાન મૃત્યુને કરું છું, યમરાજને.’
નચિકેતાએ પિતાજીને પ્રણામ કરીને તેમના નિર્ણયને સહર્ષ સ્વીકારી લીધો. તેણે કહ્યું, ‘પિતાશ્રી, મારા અનિત્ય શરીર માટે આપનું વચન મિથ્યા ન કરશો. આપ જરા પણ સંકોચ રાખ્યા વગર આપનું વચન પૂરું કરજો, એને મિથ્યા ન કરજો.’
પિતાએ પોતાના તપોબળના પ્રતાપે નચિકેતાને યમરાજ પાસે મોકલીને પોતાનું વચન નિભાવ્યું.
નચિકેતા યમરાજ પાસે પહોંચ્યા ત્યારે તેઓ બ્રહ્મલોકમાં હતા. નચિકેતાએ ત્રણ રાત ભૂખ્યા-તરસ્યા, ઊંઘ અને આરામ વગર યમરાજના આંગણે વિતાવી.
યમદેવ પાછા આવ્યા ત્યારે નચિકેતાના આગમનની જાણ થઈ. સાત-આઠ વરસના આ બાળકને આટલી આકરી તપસ્યા કરવી પડી એનું તેમને દુઃખ થયું. બદલામાં તેમણે નચિકેતાને ત્રણ વરદાન માગવાનું કહ્યું. પહેલા વરદાનમાં નચિકેતા માગે છે કે સૌથી પહેલાં મારા પિતાને ક્રોધમુક્ત બનાવો, હું જ્યારે પણ તેમની પાસે જઉં ત્યારે મારો આદર-સત્કારથી સ્વીકાર કરે. બીજા વરદાનમાં કહે છે કે મારે અગ્નિવિદ્યા શીખવી છે. યમરાજ એ પણ સ્વીકારતાં કહે છે કે બેટા, હવે પછી લોકો અગ્નિને તારા નામથી ઓળખશે. ત્રીજા વરદાન માટે યમરાજ પહેલાં અચકાય છે. નચિકેતા માગે છે કે મૃત્યુ પછી જીવાત્માનું શું થાય છે એનું મને જ્ઞાન આપો. યમરાજે કહ્યું, ‘હે બાળક, તું આ સિવાય બીજું કંઈ પણ માગ; શતાયુ માગ, સુવર્ણમુદ્રા માગ, વિશાળ ભૂમિનું સામ્રાજ્ય માગ કે મૃત્યુલોકમાં જે સાધનોથી પણ સુલભ નથી એવી કંઈ પણ વસ્તુ માગ; પણ આ જાણવાની જીદ ન કર.’
નચિકેતા પોતાના વચન પર અડગ રહ્યો. તેણે કહ્યું, ‘જે વિદ્યા માટે દેવો પણ ઉત્સુક છે એ જ આપ જેવા ગુરુ પાસેથી મને જોઈએ છે.’
નચિકેતાની હઠ સામે યમરાજને ઝૂકવું પડે છે. નચિકેતાએ આવો જ્ઞાનમાર્ગ યમદેવ પાસેથી જાણ્યો. બન્ને વચ્ચે પ્રશ્નોત્તરી દ્વારા આત્મવિદ્યાની માહિતી મળે છે. આટલું જ્ઞાન આપ્યા પછી યમદેવ કહે છે, ‘હે વત્સ, ગુરુદેવ આટલી જ માહિતી આપી શકશે. પછીની મજલ તો સાધકે જ કાપવી પડે.’ અહીં ઉપદેશની હદ પૂરી થાય છે.
આત્મવિદ્યા ઉપરાંત શ્રેય અને પ્રેયમાર્ગની ચર્ચા પણ ઉપનિષદમાં કરવામાં આવી છે.
કઠોપનિષદનો ટૂંકસાર આ પ્રમાણે છે...
આત્મા અને ઈશ્વર બન્ને એક જ અંતઃકરણરૂપે મારામાં વસે છે. ઈશ્વર જો તડકો છે તો જીવ છાંયો છે; ઈશ્વર જ્ઞાનમય પ્રકાશ છે તો જીવાત્મા જ્ઞાન અને અજ્ઞાનનું મિશ્રણ છે; આત્મા અમર છે, શરીર નાશવંત છે; આત્મા સર્વનું અધિષ્ઠાન હોવાથી સૂક્ષ્મમાં પણ સૂક્ષ્મ છે અને મહાનથી પણ મહાન છે. બુદ્ધિમાનો આવા વ્યાપક આત્માને જાણીને શોક કરતા નથી. આત્માને રથનો સ્વામી જાણો અને શરીરને રથ જાણો. વળી બુદ્ધિ આ રથનો સ્વામી છે તો મન એની લગામ છે અને ઇન્દ્રિયો અશ્વ છે. ઈશ્વર વિના જીવનું અસ્તિત્વ નથી, પરંતુ ઈશ્વરનું અસ્તિત્વ જીવાત્મા પર નિર્ભર નથી.
શીર્ષક પંક્તિ : ઉમાશંકર જોશી