સૈગલસાબે કહ્યું, તખ્ત લાઈએ, મૈં તખ્ત પર બૈઠકર ગાતા હૂં

16 March, 2025 01:21 PM IST  |  Mumbai | Rajani Mehta

તલત મેહમૂદ, કિશોર કુમાર, મુકેશ, સી. એચ. આત્મા, સુરેન્દ્ર અને બીજા ગાયકો કુન્દનલાલ સૈગલની ગાયકીના દીવાના હતા. કારકિર્દીની શરૂઆતમાં આ કલાકારો જાણે-અજાણે તેમના જેવી ગાયકી પેશ કરીને પ્રસિ​​દ્ધિ મેળવવાના પ્રયત્નો કરતા.

કે. એલ. સૈગલ

કુન્દનલાલ સૈગલના સ્વરનો જાદુ કેવળ સામાન્ય શ્રોતાઓ સુધી સીમિત નહોતો. તલત મેહમૂદ, કિશોર કુમાર, મુકેશ, સી. એચ. આત્મા, સુરેન્દ્ર અને બીજા ગાયકો કુન્દનલાલ સૈગલની ગાયકીના દીવાના હતા. કારકિર્દીની શરૂઆતમાં આ કલાકારો જાણે-અજાણે તેમના જેવી ગાયકી પેશ કરીને પ્રસિ​​દ્ધિ મેળવવાના પ્રયત્નો કરતા.

મુકેશનું ‘દિલ જલતા હૈ તો જલને દે’ (પહેલી નઝર–અનિલ બિસ્વાસ-આહ સીતાપુરી), કિશોર કુમારનું ‘મરને કી દુઆએં ક્યૂં માંગું, જીને કી તમન્ના કૌન કરે’ (ઝિદ્દી–ખેમચંદ પ્રકાશ–પ્રો. ઝરબી), સી. એચ. આત્માનું ‘પ્રીતમ આન મિલો’ (ઓ. પી. નૈયર-સરોજ મોહિની નૈયર) જ્યારે લોકોએ સાંભળ્યા ત્યારે દરેકનો એક જ પ્રતિભાવ હતો; અરે! આ તો કે. એલ. સૈગલ જેવી ગાયકી છે.

મોહમ્મદ રફી, લતા મંગેશકર, નૌશાદ, મહેંદી હસન, સુરૈયા અને બીજા અનેક નામી કલાકારોને કે. એલ. સૈગલની ગાયકી અપ્રતિમ લાગતી. ફિલ્મ ‘પરવાના’માં સુરૈયાને તેમની સાથે કામ કરવાનો મોકો મળ્યો. એ સમયે તે કે. એલ. સૈગલની પ્રતિભાથી એટલી અંજાઈ ગઈ હતી કે તેણે તેમની સાથે ડ્યુએટ ગાવાની હિંમત ન કરી. સંગીતકાર ખુરશીદ અનવરની લાખ સમજાવટ છતાં સુરૈયા ગીત ગાવા રાજી ન થઈ.

લતા મંગેશકર એક ઇન્ટરવ્યુમાં કહે છે, ‘હું કે. એલ. સૈગલના અવાજની દીવાની હતી. નાની હતી ત્યારે એવું વિચારતી હતી કે મોટી થઈને તેમની સાથે લગ્ન કરીશ. એ દિવસોમાં અમારી આર્થિક સ્થિતિ સારી નહોતી. થોડો સમય સારો આવ્યો અને અમે નવો રેડિયો લીધો. મનમાં હતું કે હવે ધરાઈને તેમનાં ગીતો સાંભળીશ, પરંતુ ઘરે પહોંચતાં જ તેમના મૃત્યુના સમાચાર સાંભળ્યા અને હું રેડિયો પાછો આપી આવી.’

કે. એલ. સૈગલના અવાજની મહાનતાને મૂલવતાં એ વાતનું ખાસ ધ્યાન રાખવું પડે કે એ સમયે રેકૉર્ડિંગનાં જે સાધનો હતાં એ આજની સરખામણીમાં જરીપુરાણાં હતાં. આજે જે રીતે ટેક્નૉલૉજીની મદદથી ગાયકના સ્વરને સાફસૂથરો કરીને બહેતર બનાવીને રજૂ કરી શકાય છે એવું એ દિવસોમાં શક્ય નહોતું. ત્યારે ગાયક કલાકારોને કેવળ પોતાના અવાજના બલબૂતા પર જ શ્રોતાઓનું મનોરંજન કરવાનું હતું. આ જ કારણે કે. એલ. સૈગલ એક અનોખા બેજોડ કલાકાર હતા.

તેમની વાત નીકળે અને તેમનાં ગીતોને યાદ ન કરીએ તો કુંભમેળામાં ગયા હોઈએ અને ગંગામાં ડૂબકી ન મારીએ એવી વાત થઈ. તેમનાં કેટલાંક અમર ગીતોને ગણગણાવીએ જે આપણાં સમગ્ર ભાવવિશ્વને ખળભળાવી મૂકે છે.

‘ગમ દિયે મુસ્તકિલ કિતના નાઝુક હૈ દિલ યે ન જાના’ (શાહજહાં–નૌશાદ–મજરુહ સુલતાનપુરી), ‘દુનિયા રંગરંગીલી બાબા દુનિયા રંગરંગીલી’ (ધરતીમાતા-પંકજ મલિક–પંડિત સુદર્શન), ‘મૈં ક્યા જાનુ ક્યા જાદુ હૈ’ (ઝિંદગી–પંકજ મલિક–કેદાર શર્મા), ‘બાલમ આયો બસો મેરે મન મેં’ (દેવદાસ–તિમિર બર્મન–કેદાર શર્મા), ‘સો જા રાજકુમારી સો જા’ (ઝિંદગી–પંકજ મલિક–કેદાર શર્મા)

જીવનમાં અમુક પ્રશ્નોના જવાબ નથી મળતા. વ્યક્તિને સફળતા મળે તો શરાબની લત, સફળતા ન મળે તો શરાબની લત; કોણ જાણે કેમ આવું વિચિત્ર ગણિત મનુષ્યના મનમાં ઘર કરી જાય એ સામાન્ય સમજની બહાર છે. બેસુમાર સફળતા સાથે શરાબનું મિશ્રણ જ્યારે અતિ માત્રામાં થાય ત્યારે પરિણામ ઘાતક આવે છે. કે. એલ. સૈગલના જીવનમાં સફળતા સાથે શરાબની લત એક અનિવાર્ય અંગ બની ગઈ. ખુશામતખોર અને જીહજૂરિયા જેવા કહેવાતા મિત્રોએ તેમના મનમાં એવું ઠસાવી દીધું હતું કે તેમના અવાજમાં જે દર્દ છે એનું કારણ શરાબ છે. બન્યું એવું કે શરાબના અતિ સેવનને કારણે તેમની તબિયત નાની ઉંમરમાં જ લથડવા લાગી.

સંગીતકાર નૌશાદને તેમની સાથે કામ કરવાનો મોકો મળ્યો ફિલ્મ ‘શાહજહાં’માં. તેમની સાથેની મારી મુલાકાતોમાં કે. એલ. સૈગલના અનેક કિસ્સાઓ તેમણે શૅર કર્યા હતા. ‘શાહજહાં’ના ‘જબ દિલ હી તૂટ ગયા’ના રેકૉર્ડિંગ સમયનો એક કિસ્સો તેમના જ શબ્દોમાં પ્રસ્તુત છે. ‘સૈગલસાબના દિવ્ય કંઠની વિપુલ શક્યતાઓ ધ્યાનમાં રાખીને મેં ગીતો કમ્પોઝ કર્યાં હતાં. રિહર્સલ શરૂ કરવાના સમયે તેમણે કહ્યું કે હું હાર્મોનિયમ વગર ગાઈ નહીં શકું. ત્રણ-ચાર રિહર્સલ કર્યા બાદ અમે એક દિવસ સાંજે છ વાગ્યે રેકૉર્ડિંગ નક્કી કર્યું.’

‘રેકૉર્ડિંગના દિવસે તેઓ આવ્યા. બીજા ગાયકોની જેમ અમે તેમના માટે ખુરસી ગોઠવી હતી. તેમણે કહ્યું, ‘તખ્ત લાઈએ, મેં તખ્ત પર બૈઠકર ગાતા હૂં.’ અમે સ્ટેજ તૈયાર કરાવ્યું. તેમના પર બેસી તેમણે આંખો મીંચી પ્રાર્થના કરી, હાર્મોનિયમ પર આંગળીઓ ફેરવી. [તેમને હાર્મોનિયમ વિના ગાવું ફાવતું નહોતું. આ કારણે રેકૉર્ડિંગ સમયે હાર્મોનિયમની ધમણ પર સ્ટૉપર મારવામાં આવતી જેથી આંગળીઓ ફરે પણ અવાજ ન આવે.] મને એમ કે તેઓ એકાદ રિહર્સલ કરવા ઇચ્છે છે એટલે મેં એ માટે સૂચના આપી તો તેમણે ઇશારો કરી મને રોક્યો અને બાજુમાં ઊભેલા નોકર જોસેફને કહ્યું, ‘એક કાલી પાંચ દેના.’

મને નવાઈ લાગી. હાર્મોનિયમ તેમની પાસે છે તો પછી કાલી પાંચનો સૂર તેમનો નોકર કેવી રીતે આપે? ત્યાં તો જોસેફે શરાબની પ્યાલી તેમના હાથમાં આપી. સૈગલસાબ મને કહે, ‘માફ કરના, યે મેરી કાલી પાંચ હૈ. ઇસકે બગૈર મેરી આવાઝ નહીં ખૂલતી.’ તેમણે એક પેગ ચડાવ્યો. એક પછી એક આઠ રિહર્સલ થયાં અને એ આઠ પેગ પેટમાં ઉતારી ગયા. એમ કરતાં રાતે ૧૧ વાગ્યે પહેલો ટેક લેવાયો. સાજિંદાઓ કંટાળી ગયા હતા. ત્યાર બાદ ચાર-પાંચ ટેક લેવાયા. ટેક ન લેવાતો હોય ત્યારે પણ તેમનું પીવાનું ચાલુ જ હતું. આમ કરતાં રાતે બે વાગી ગયા. તેઓ લગભગ બેહોશ થઈને પડ્યા હતા. અમે કહ્યું, ‘બાકીનું કામ કાલે કરીશું.’

ઘરે પહોંચ્યો ત્યારે પરોઢના ચાર વાગ્યા હતા. મારી ઊંઘ ઊડી ગઈ હતી. હું ચિંતામાં હતો કે કે. એલ. સૈગલ સાથે કામ કરવાની તક મળી પણ તેમના મદિરાપ્રેમને કારણે એ વેડફાઈ તો નહીં જાયને? રદ થયેલું રેકૉર્ડિંગ ફિલ્મના શેડ્યુલને ખોરવી નાખશે એ બીજું નુકસાન. બીજે દિવસે મેં એ. આર. કારદારને ગઈ રાતની ઘટના જણાવી. શૂટિંગ માટે કે. એલ. સૈગલ સ્ટુડિયોમાં આવ્યા ત્યારે મેં તેમને કહ્યું, ‘આપ કે બારેમેં બહોત કુછ સુના હૈ. આપ છોટે-બડે ઝરૂરતમંદ લોગોં કી અકસર મદદ કિયા કરતે હૈ.’

આ સાંભળીને તે બોલ્યા, ‘આપ ભી કોઈ તકલીફ મેં હૈં? કહીએ, ક્યા મદદ કરું આપકી?’ તેમનો મૂડ પારખીને મેં કહ્યું, ‘આપ કાલી પાંચ બગર રેકૉ​ર્ડિંગ કિજિએ.’ તે વ્યગ્ર થઈને બોલ્યા, ‘નૌશાદ, આપ ક્યું નહીં સમજતે? કાલી પાંચ બગૈર મૈં બેસૂરા હો જાઉંગા.’ મેં કહ્યું, ‘વો ચિંતા આપ હમ પર છોડ દો.’

થોડી ક્ષણ વિચાર કર્યા બાદ તેમણે કહ્યું, ‘ઠીક છે. હું ગાઈશ પણ મારી એક શરત છે. કાલી પાંચ વિના ગાયેલું મારું બેસૂરું ગીત ફિલ્મમાં લેવાનું નહીં.’ મેં હા પડી. એ જ દિવસે સાંજે છ વાગ્યે રેકૉર્ડિંગ નક્કી કર્યું. માત્ર અડધા કલાકમાં કામ પૂરું થયું. મેં તેમને કહ્યું, ‘તમને એમ લાગતું હોય કે કાલી પાંચની મદદથી જ રેકૉર્ડિંગ સારું થશે તો ફરી શરૂ કરીએ.’ આમ ફરી પાછો કાલી પાંચ સાથેનો રેકૉર્ડિંગનો દૌર શરૂ થયો. મેં સાઉન્ડ રેકૉર્ડિંગ કરનાર ઈશાન ઘોષને આ રેકૉર્ડિંગ પર ખાસ માર્ક કરવાનું કહ્યું હતું. આઠ ટેક લેવાયા અને રાતે બે વાગ્યે અમે સૌ છૂટા પડ્યા. અગાઉ કે. એલ. સૈગલે કહ્યું હતું કે બન્ને ફાઇનલ ટેક મને કાલે સંભળાવજો.

બીજે દિવસે મેં તેમને કાલી પાંચ પીધા પછીનું રેકૉર્ડિંગ પહેલાં સંભળાવ્યું. ગીત શરૂ થતાં જ તેમના ચહેરા પર અણગમાના ભાવ આવ્યા અને બંધ કરવા કહ્યું. એ પછી કાલી પાંચ લીધા વિનાનું રેકૉર્ડિંગ સંભળાવ્યું. ખુશ થઈ તે બોલ્યા, ‘આ ગીત ફિલ્મમાં રાખજો.’ લાગ જોઈને મેં કહ્યું, ‘હમ સબ આપકી યહી આવાઝ કે દીવાને હૈ. આપકે દોસ્તોને ગલત સમઝાયા કે કાલી પાંચ ગા રહી હૈ. છોટા મુંહ ઔર બડી બાત. સૈગલસાબ, શરાબ આપકે લિયે અચ્છી નહીં હૈ, યે લોગ આપકે દોસ્ત નહીં, દુશ્મન હૈ.’

તેઓ ભાવવિભોર થઈને મને ભેટી પડ્યા. આંખમાં આંસુ સાથે તે બોલ્યા, ‘કાશ, પહલે કોઈ ઇસ તરહ સમઝાતા તો મૈં કુછ અરસા ઔર જી લેતા. મગર અબ બહોત દેર હો ગઈ હૈ.’ 

 નૌશાદને આ વાતનો વસવસો રહ્યો હશે પણ એક આશ્વાસન એટલું રહ્યું કે એક વાર તો કે. એલ. સૈગલ સાથે કામ કરવાનો મોકો મળ્યો. ‘શાહજહાં’ કે. એલ. સૈગલની અંતિમ ફિલ્મ હતી. નાનપણથી તેમને ડાયાબિટીઝ હતું, એમાં શરાબની લતે ઉમેરો કર્યો. મદિરાપાને તેમની પાસેથી જીવનની પૂરેપૂરી કિંમત વસૂલી.

‘દેવદાસ’માં હીરો પાર્વતીને વચન આપે છે કે મરતાં પહેલાં તે મળવા માટે એક વાર જરૂર માણેકપુર આવશે. કે. એલ. સૈગલ પણ આવા જ કોઈ અનામી ખેંચાણથી જાલંધર ગયા હશે; જાણે મૃત્યુ સાથેની કોઈ અપૉઇન્ટમેન્ટ ન હોય? તે વાયદાના પાક્કા હતા. ૧૯૪૬ની ૧૮ જાન્યુઆરીએ તેમણે વચન નિભાવ્યું. ફફ્ત ૪૨ વર્ષની ઉંમરે આ અમર સૂર પંચતત્ત્વમાં વિલીન થયો.

આજે જ્યારે સંખ્યા જ સફળતાનો પર્યાય બની ગઈ છે ત્યારે કેવળ ૧૪૫ ફિલ્મીગીતો સહિત ૨૦૦ જેટલાં ગીતો ગાનારા કે. એલ. સૈગલની સિ​દ્ધિ નગણ્ય ગણાય, પરંતુ તેમને સાંભળીએ ત્યારે એટલી પ્રતીતિ થાય કે તેમનું એક એક ગીત ૨૪ કૅરેટના હીરા જેવું હતું.

કે. એલ. સૈગલને સાંભળીએ ત્યારે એટલી પ્રતીતિ થાય કે તેમનું એક એક ગીત ૨૪ કૅરૅટના હીરા જેવું હતું.

bollywood bollywood news entertainment news indian music indian classical music kishore kumar mohammed rafi lata mangeshkar indian films indian cinema columnists gujarati mid-day mumbai