✕

શું ખરેખર જેન-ઝીમાં અચાનક દેશદાઝ ઊપડી છે?

05 November, 2026 04:56 PM IST  |  Mumbai | Jayesh Chitalia

શ્રીલંકા, નેપાલ વગેરેમાં યુવા આંદોલનોએ કરેલા તખતાપલટનો પાઠ પણ તાજો છે. સવાલ એ થાય છે કે અચાનક અનેક દેશોમાં લાખો યુવાનોમાં એકાએક દેશદાઝ કેવી રીતે જાગી ઊઠી છે અને આ બધાં આંદોલનોમાં જેન-ઝીની ઓળખ કેમ સૌથી વધુ ચર્ચામાં છે?

પ્રતીકાત્મક તસવીર

એક યા બીજા મુદે ભારતીય રાજનીતિમાં જેન-ઝીનો પ્રભાવ ચર્ચાનો વિષય બન્યો છે. જોકે એ વિચાર કરવો પણ જરૂરી છે કે લોકોના માનસ પર અસર કરવા જેટલું સંખ્યાબળ ધરાવતા જેન-ઝી શું વોટિંગ દ્વારા રાજકીય પરિણામોની દિશા પણ નક્કી કરી શકશે? શું તેમને ભારતના ભાગ્યવિધાતા બનવા દેવાય? કારણ કે આમાંનો મહત્તમ વર્ગ માત્ર દોરવાયેલો છે. આ સંબંધી જાગ્રત ભારતીયોએ વધુ જવાબદાર ભૂમિકા ભજવવાની આવી છે

હાલ તો ચર્ચા જામી છે યુવાનોની, યુવાનોના આક્રોશની, યુવાનો દ્વારા વિશ્વભરમાં ચાલી રહેલાં વિરોધ-પ્રદર્શનોની. ભારતે પણ એનો કડવો સ્વાદ ચાખ્યો. ફ્રાન્સ, સ્પેન, પોર્ટુગલ, આલ્બેનિયા, ઇટલી, પોલૅન્ડ, આર્જેન્ટિના અને અમેરિકામાં પણ અમુક ભાગોમાં યુવાનો વિવિધ મુદ્દે સડક પર ઊતર્યા હોવાના સમાચાર આપણે જોઈ રહ્યા છીએ. પાછલા એકાદ-બે વર્ષમાં બંગલાદેશ, શ્રીલંકા, નેપાલ વગેરેમાં યુવા આંદોલનોએ કરેલા તખતાપલટનો પાઠ પણ તાજો છે. સવાલ એ થાય છે કે અચાનક અનેક દેશોમાં લાખો યુવાનોમાં એકાએક દેશદાઝ કેવી રીતે જાગી ઊઠી છે અને આ બધાં આંદોલનોમાં જેન-ઝીની ઓળખ કેમ સૌથી વધુ ચર્ચામાં છે?

આંદોલનની આડઅસર

જેન-ઝી એ એવી પેઢી માટે વપરાતી સંજ્ઞા છે જે પેઢી

જન્મી-ઊછરી-ભણી જ છે ટેક્નૉલૉજીની વચ્ચે, જે મોટી જ થઈ છે સ્માર્ટ ગૅજેટ્સના સહવાસમાં અને સોશ્યલ મીડિયાના ઍલ્ગરિધમની સાથે. નાનપણથી જ આ પેઢી માટે સોશ્યલ મીડિયા માત્ર મનોરંજનનું માધ્યમ નહીં, જીવનનો એક ભાગ રહ્યું છે. કોઈ પણ ડિજિટલ કૅમ્પેન શરૂ કરીને, આ પેઢીને ટાર્ગેટ કરીને સડકો પર ઉતારવા માટે પ્રોત્સાહિત કરવી પ્રમાણમાં સહેલી છે એવું કેટલાક લોકોનું માનવું છે, કારણ કે સોશ્યલ મીડિયાની પ્રકૃતિ જ એવી હાઇપર રીઍક્ટિવ છે. જોકે આ પ્રકારની ડિજિટલ-સોશ્યલ મૂવમેન્ટ્સમાંથી વિશ્વભરમાં અરાજકતા પણ જોવા મળી છે. અરાજકતાના આ ભયના કારણે જ દુનિયાભરમાં જેન-ઝી આંદોલનોથી સરકારો-સત્તાઓમાં ક્યાંક ગભરાટ શરૂ થયો છે. ભારતના હિસ્સે પણ જેન-ઝી આંદોલનનો અનુભવ જુલાઈ મહિનામાં લખાયો હતો. જોકે ભારત જેવા વિશાળ દેશમાં હવે ચૂંટણી અને મતદાનમાં જેન-ઝી કેવી ભૂમિકા ભજવશે અને આવનારી લોકસભા
ચૂંટણી-૨૦૨૯ પર એની કેવી અસર પડશે એની ચર્ચા પણ ચાલી રહી છે.

એક રીતે જોઈએ તો સ્માર્ટફોનમાં રચ્યાપચ્યા રહીને સોશ્યલ મીડિયા અને વૉટ્સઍપ સ્ટેટસમાં આક્રોશ વ્યક્ત કરવો જુદી વાત છે અને મતદાનના દિવસે બૂથ પર જઈને ગમતા ઉમેદવારના નામની સામે બટન દબાવીને તેને ઇલેક્શનમાં વિજયી બનાવવામાં યોગદાન આપવું જુદી વાત છે. અત્યારનો ભારતનો રાજકીય માહોલ એવો છે કે આ બન્ને પરિસ્થિતિને ઘણા એકસમાન સમજી રહ્યા છે. હા, અત્યારે વિશ્વની સૌથી વિશાળ યુવા વસ્તી ભારતમાં છે અને ભારતના રાજકારણને સીધું પ્રભાવિત કરવાની સૌથી વધુ શક્તિ અત્યારે યુવાનોમાં જ છે, જેમાંથી ઘણો મોટો હિસ્સો તો હજી મતાધિકાર મેળવવાથી પણ ઘણો દૂર છે. ચૂંટણીપંચની ૨૦૨૪ની મતદારયાદી પ્રમાણે જોઈએ તો ૧૮થી ૨૯ વર્ષની ઉંમરના મતદારોની સંખ્યા દેશમાં ૨૨ કરોડ ૩૦ લાખ હતી. એ તમામને જેન-ઝી કહેવા મુશ્કેલ છે, પણ એમાંનો ઘણો મોટો હિસ્સો જેન-ઝી હતો.

પોતાને આ સવાલો પૂછવા રહ્યા

જેન-ઝી વર્ગને ભગવદ્ગીતાની સરળ સમજ આપવાનું અભિયાન ચલાવતા વરિષ્ઠ મિત્ર હિતેન્દ્ર ગાંધીએ તાજેતરમાં આ વિષયમાં એક સરસ વાત જણાવતાં કહ્યું કે કોઈ ઇન્ફ્લુઅન્સર કે રાજકીય અથવા ધાર્મિક વિચારધારાના પ્રભાવમાં આવીને હું મારી વિચારશક્તિ ગુમાવી તો નથી રહ્યોને? કોઈના છૂપા હેતુઓ માટે બીજાના હાથની કઠપૂતળી નથી બની રહ્યોને એવા સવાલ યુવાનોએ જાતને પૂછવા રહ્યા. જેન-ઝી પાસે આજ સુધીની કોઈ પણ પેઢી કરતાં વધુ માહિતી ઉપલબ્ધ છે, પરંતુ માહિતીની વિપુલતા આપણને ભ્રમિત થવાથી બચાવતી નથી. ક્યારેક કોઈ ઇન્ફ્લુઅન્સરની અસર અથવા કોઈ રાજકીય નેતા પ્રત્યેની વફાદારી એટલી વધી જાય છે કે એના પર પ્રશ્ન ઉઠાવવો પણ દગો લાગે છે. લોકો તેની ટીકા સાંભળવા પણ તૈયાર થતા નથી. આવી સ્થિતિમાં લોકો ક્યારેક એ પણ તપાસતા નથી કે હકીકત શું છે. કોઈ આપણને પ્રભાવિત કરવા માટે આપણી લાગણીઓનો ઉપયોગ કરી શકે છે, ભયનો ઉપયોગ કરીને આપણને નિયંત્રિત કરી શકે છે, ગુસ્સો જગાવીને બીજાઓ સામે ભડકાવી શકે છે. આવામાં જેન-ઝીએ તરત જ નિર્ણય લેવાનું ટાળવું જોઈએ અને માહિતી આપવાને નામે લાગણીઓ ઉશ્કેરતા લોકોથી બચવું જોઈએ. આનો ઉપાય છે પોતાની બુદ્ધિને જાગૃત રાખવાનો.

સાચા નાગરિકોની જવાબદારી

માની લઈએ કે આ ટેક્નૉલૉજીનું અને સોશ્યલ મીડિયાનું જોર પ્રચારમાં ચાલશે, પરંતુ શું આ યોગ્ય ગણાય? શું રાજકારણ, ઇતિહાસ અને અનુભવોથી અપરિપક્વ લોકો દેશની કમાન કોને સોંપવી એવું નક્કી કરીને ભારતના ભાગ્યવિધાતા બની શકે? શું એ ન્યાયી અને વાજબી રહેશે? કારણ કે આ વર્ગમાં મહત્તમ તો દોરવાયેલા લોકો છે. એનો દુરુપયોગ થતો હોઈ શકે અથવા એણે આવા આંદોલનને પોતાની સત્તા કે સંપત્તિ વધારવાનું માધ્યમ બનાવ્યું હોઈ શકે. આ જનરેશન ફાસ્ટ-ફૂડ અને ફાસ્ટ થૉટ્સ (વિચારોની) છે. જીવનના અનુભવોના આધારે એની દૃષ્ટિ પણ ટૂંકી હોઈ શકે. એટલે જ પરિપક્વ પ્રજાની જવાબદારી વધી છે અને વધશે. બંગલાદેશ, નેપાલ, શ્રીલંકાનું ઉદાહરણ ભારતને લાગુ થાય કે થવા દેવાય? દેશના ખરા હિતમાં આ વિચારવું અને એ મુજબ અમલ કરવો એ સાચા નાગરિકોની જવાબદારી છે.

digitally yours whatsapp social media indian politics indian institute of technology lifestyle news life and style columnists