05 January, 2026 02:08 PM IST | Mumbai | Ruchita Shah
ભગવાનજી રૈયાણી પત્ની પ્રવીણાબહેન અને ચાર દીકરીઓ સાથે
દેશમાં સર્વાધિક જનહિત યાચિકાની અરજીઓ કરીને આમ જનતાને ન્યાય અપાવવા મથેલા અને ઢગલાબંધ સંસ્થાઓ સ્થાપીને લોકકલ્યાણનાં આંદોલનોમાં અગ્રિમ ભૂમિકા ભજવનારા ૮૮ વર્ષના ભગવાનજી રૈયાણીએ બિલ્ડર તરીકે કાઠું કાઢ્યું એ જર્ની જ આપણને ઘણું શીખવી જનારી છે. આજે પણ નિયમિત વૉકિંગ અને સંતુલિત જીવનશૈલી સાથે એકદમ મસ્ત અને તંદુરસ્ત જીવન જીવતા આ વડીલની નિષ્ફળતાની વાતોમાં પણ પારાવાર દમ છે
ઉંમર હતી આઠ વર્ષની જ્યારે નાની બહેનને એક હડકાયો કૂતરો કરડ્યો. બહેનને બચાવી ન શકાઈ. બહેનના મૃત્યુએ તેમના બાળમાનસ પર ઊંડી અસર પાડી અને ભગવાનજીભાઈનો ભગવાન પરથી ભરોસો ઊઠી ગયો : ભગવાન જો હોત તો તેણે મારી બહેનને બચાવી હોત. ભગવાન તરીકે જેમને દુનિયા પૂજે છે તે છે જ નહીં એવું દૃઢતા સાથે માનતા ભગવાનજી રૈયાણી માનવતામાં બહુ જ શ્રદ્ધા ધરાવે છે. તેઓ નાસ્તિક છે અને ઈશ્વરતત્ત્વની હયાતીને ભલે નકારતા હોય પરંતુ માનવપીડામાં તેઓ પણ પીડાય છે અને તેમનાં દુઃખ દૂર કરવા માટે એકલા હાથે ઝઝૂમે છે. બ્રહ્મા, વિષ્ણુ, મહેશ બધું જ તમારી અંદર છે એવી તેમની શીખ છે. આ જ કારણ છે કે કાયદાકીય જંગમાં સપડાયેલા આમ આદમીને મદદ કરવા માટે તેમણે દેશનું એકમાત્ર ફોરમ ફૉર ફાસ્ટ જસ્ટિસ શરૂ કર્યું. આ જ કારણ છે કે માત્ર ૨૧ વર્ષની ઉંમરે ધોરાજી પાસે આવેલા સાવ નાનકડા એવા પોતાના સુપેડી નામના ગામમાં હાઈ સ્કૂલ શરૂ કરી. એ જ કારણ છે કે લોકોની સમસ્યાઓ અને દેશના હિતમાં ન હોય એવી બાબતનો કાયદાકીય વિરોધ કરવા માટે તેમણે એકલે હાથે ૧૨૦ જનહિત યાચિકા ન્યાયાલયમાં દાખલ કરી અને મુંબઈના પ્રિન્સ ઑફ PILની ઉપમા પણ મેળવી લીધી. આવી તો કંઈકેટલીયે ઉપલબ્ધિ ધરાવતા અને આજે ૮૮ વર્ષની ઉંમરે પણ અડીખમ અને અવાજમાં આત્મવિશ્વાસથી છલોછલ એવા ભગવાનજી રૈયાણીના જીવનની અનોખી અને ઘણું શીખવી જતી વાતોની દુનિયામાં લટાર મારીએ.
ધોરાજી પાસે આવેલા ગામડામાં ગરીબ ખેડૂતપરિવારમાં જન્મેલા અને ત્યાં જ ઊછરેલા ભગવાનજીભાઈ પાસે ભણવાના પૈસા નહોતા. તેઓ કહે છે, ‘એ સમયે સરકારી શાળામાં તો શિક્ષણ નિઃશુલ્ક હતું. પ્રાથમિક ભણવાનું પતાવ્યા પછી સેકન્ડરી સ્કૂલ માટે દરરોજ દસ કિલોમીટર સાઇકલ ચલાવીને ધોરાજી જતો અને પાછો આવતો. એ ભણવાનું પૂરું કર્યું. મને યાદ છે કે એ સમયે અંગ્રેજી સારું થાય એ માટે મારે ટ્યુશન રાખવું હતું અને એની મહિનાની ફી વીસ રૂપિયા હતી. મેં મારા બાપુને પૂછ્યું તો બાપુ કહે કે દીકરા, આટલાબધા પૈસા આપણી પાસે નથી. એ સમયે વીસ રૂપિયા મોટી રકમ હતી. એ પછી મેં જાતે જ જ્યાંથી શીખી શકાય ત્યાંથી શીખવાનું શરૂ કર્યું. વિવિધ સંસ્થાઓમાંથી આર્થિક મદદ લીધી તો ખૂબ સારું પરિણામ મેળવીને સ્કૉલરશિપ મેળવી. એમ કરીને સિવિલ એન્જિનિયર બની ગયો. ૧૯૬૨માં અમારા ગામનો હું પહેલો સિવિલ એન્જિનિયર બન્યો હતો.’
સિવિલ એન્જિનિયર બની ગયા એટલે હવે લાઇફ સેટ છે એવું માનતા ભગવાનજીભાઈએ જોકે એમાં પણ ખૂબ સંઘર્ષ કરવો પડ્યો. તેઓ કહે છે, ‘શરૂઆતના વીસ મહિનામાં મેં પાંચ નોકરીઓ બદલી હતી. સિવિલ એન્જિનિયર તરીકે લાગ્યો એ પહેલી કંપનીનો એક પ્રોજેક્ટ પૂરો થયો એટલે મને ના પાડી દીધી. બીજી કંપનીમાં એ લોકોને મારું કામ ન ગમ્યું એટલે ચાલતી પકડાવી. ક્યાંક મને ન ફાવ્યું. એ પછી આર્કિટેક્ટ તરીકે જર્ની આગળ વધારવાનું વિચાર્યું પણ એમાંય નિષ્ફળતા મળી. આમ બધા જ અખતરામાં ફેલ્યર મળ્યા પછી છેલ્લે બિલ્ડર તરીકે કામ કરવાની તક મળી અને એમાં હું જામી ગયો. એ કામથી સફળતા અને આર્થિક સધ્ધરતા વચ્ચે મારા પરિવારના તમામ સભ્યોને થાળે પાડવાનું કામ પણ શરૂ થયું. મારાં પણ લગ્ન મારી જ પસંદગીની છોકરી સાથે થયાં અને જીવનમાં બધું જ સરખું ચાલી રહ્યું હતું. એ દરમ્યાન ઘણા દુખી લોકોના જીવનના પડકારો તરફ નજર ગઈ એટલે તેમના માટે કંઈક ને કંઈક કર્યા કરતો. મારા માટે તો આ જીવતા માણસો જ મહત્ત્વના હતા. માણસાઈથી મોટો કોઈ ઈશ્વર કે ધર્મ નથી એ તો હું માનતો જ હતો.’
૨૦૦૭થી પોતાનો બિઝનેસ સમેટીને સંપૂર્ણ લોકસેવામાં ફોકસ કરનારા ભગવાનજીભાઈ પોતે ચાલીસ-પિસ્તાલીસ વર્ષથી જુદી-જુદી પ્રૉપર્ટી માટે ડિફેન્સ મિનિસ્ટ્રી, ગુજરાત સરકાર વગેરે સાથે કોર્ટની લડત લડી રહ્યા હતા. એના પરથી જ અઢાર વર્ષ પહેલાં તેમને ફોરમ ફૉર ફાસ્ટ જસ્ટિસનો વિચાર આવ્યો. એનો વિસ્તાર કરીને સોસાયટી ફૉર ફાસ્ટ જસ્ટિસ શરૂ કરી જેના અંતર્ગત ૨૩ રાજ્યોમાં ૧૧૫ સોસાયટીઓ ઊભી થઈ જેનું લક્ષ્ય છે ન્યાય વ્યવસ્થાની આજની સ્થિતિમાં સુધાર આવે. ન્યાયવ્યવસ્થામાં સમયમર્યાદા આવે અને એ ઝડપી બને અને ગરીબોનો ન્યાયવ્યવસ્થા પરથી ભરોસો ન ઊઠે એની જાગૃતિ માટે તેમણે પાંત્રીસ દિવસની દુનિયાની પહેલી ન્યાયયાત્રાનું આયોજન કર્યું હતું.
જુહુ સ્કીમમાં રહેતા ભગવાનજીભાઈ છેલ્લાં પંચાવન વર્ષથી જુહુ બીચ પર સાડાપાંચ કિલોમીટર જેટલું વૉકિંગ કરે છે. વાંચનનો ખૂબ શોખ છે એટલે દુનિયાભરનાં અખબારો અને મૅગેઝિન્સ તેઓ વાંચે છે. નિયમિત જીવનશૈલી સાથે જીવતા ભગવાનજીભાઈને ડાયાબિટીઝ, બ્લડપ્રેશર જેવી એકેય પ્રકારની કોઈ બીમારી ૮૮મા વર્ષે પણ નથી. તેઓ કહે છે, ‘અલબત્ત, હું મીઠાઈઓનો શોખીન છું અને દરરોજ સારાએવા પ્રમાણમાં હું અને મારી વાઇફ સ્વીટ્સ ખાઈએ છીએ. સવારે નાસ્તો, બપોરે લંચ, સાંજે કૉફી સાથે રિફ્રેશમેન્ટ અને રાતે ડિનર એમ કુલ ચાર ટાઇમ જમું છું અને બધું જ પર્ફેક્ટ છે હેલ્થમાં. ઑફિસનું કામ કરું છું અને લીગલ મૅટર્સમાં ઑફિસ આવતા લોકોની મદદ કરું છું. મને લાગે છે કે બે વસ્તુએ મારી હેલ્થને જાળવી છે. એક તો નિયમિત જીવનશૈલી અને બીજું, હિંમત રાખીને આગળ વધતા રહેવાનું. નિષ્ફળતા મળે, પછડાટ મળે કે કોઈકની ટીકા મળે... આપણે આપણું કામ કરતા રહેવાનું. મારો આ ઍટિટ્યુડ જ મારી સક્સેસનું રહસ્ય છે, ચાહે એ સક્સેસ હેલ્ધી શરીરની હોય કે જીવનની હોય.’
અહીં ઉલ્લેખનીય છે કે વિવિધ અખબારોમાં કૉલમ લખી ચૂકેલા અને ત્રણ પુસ્તકો પણ જેમના નામે પ્રકાશિત થયા છે એવા ભગવાનજીભાઈએ પોતાના વિલમાં લખ્યું છે કે માનવહિત અને રાષ્ટ્રહિત માટે જીવન જીવતા રહ્યા હોવાથી તેમના મૃત્યુને ‘મૃત્યુ મહોત્સવ’ તરીકે સેલિબ્રેટ કરવામાં આવે અને તેમનાં અસ્થિઓ તેમના સુપેડી ગામની ઉતાવળી નદીમાં વહાવી દેવામાં આવે.
ભગવાનજી રૈયાણીએ પ્રવીણાબહેન સાથે ૧૯૬૫માં લગ્ન કર્યાં એ પહેલાંની વાત રસપ્રદ છે. આ એવો સમય હતો જ્યારે સ્ત્રીઓ લાજ કાઢતી અને નાતજાત જોઈને જ લગ્ન થતાં. જોકે ભગવાનજીભાઈ પોતાના માટે ભણેલી-ગણેલી છોકરી શોધતા હતા. પોતાના માટે છોકરીઓ જોતાં પણ કોઈ પસંદ પડતું નહોતું. એવામાં ગુજરાતી અખબારમાં મૅરેજ-બ્યુરોની જાહેરખબરમાં તેમનું ધ્યાન પ્રવીણાબહેન માટે લખાયેલા શબ્દો પર પડ્યું. બન્ને જણ મળ્યાં અને એકબીજાને એક જ મુલાકાતમાં ગમી ગયાં. ત્રણ જ મહિનામાં લગ્ન થઈ ગયાં. ભગવાનજીભાઈ કહે છે, ‘પ્રવીણા ભણેશ્રી હતી અને એ જ મને તેનામાં ગમી ગયું હતું. અમારાં લગ્ન થયાં ત્યારે પણ તેણે BA કર્યું હતું અને સ્કૂલમાં શિક્ષિકાની નોકરી કરતી હતી. લગ્ન પછી તેણે માસ્ટર્સ કર્યું, LLB કર્યું અને PhD પણ કર્યું. મારા ગામમાં મેં ઇન્ટરકાસ્ટ મૅરેજ કર્યાં હોય એવો પણ હું પહેલો હતો. મને યાદ છે કે જ્યારે પહેલી વાર હું પ્રવીણાને લઈને ગામમાં ગયો ત્યારે તેણે લાજ નહોતી કાઢી એ જોવા માટે આખું ગામ ભેગું થયું હતું.’
અહીં ઉલ્લેખનીય છે કે પ્રવીણાબહેન અને ભગવાનજીભાઈને શિલ્પા, સંગીતા, શીતલ અને સર્જિતા નામની ચાર દીકરીઓ છે. જે જમાનામાં શ્રીમંતો પણ પોતાનાં સંતાનોને વિદેશ ભણવા નહોતા મોકલતા એ સમયમાં ભગવાનજીભાઈએ પોતાની દીકરીઓને અમેરિકા ભણવા મોકલી. તેમને ક્લાસિકલ ડાન્સની ટ્રેઇનિંગ આપીને આરંગેત્રમ વગેરે પણ કર્યું. આજે દીકરીઓ પોતાના સંસારમાં ખુશ છે.