13 December, 2025 05:40 PM IST | Kolkata | Gujarati Mid-day Correspondent
કલકત્તાના રસ્તા પર મેસીનું પેઇન્ટિંગ કરતો કલાકાર, કલકત્તામાં ભારત-આર્જેન્ટિનાના ઝંડા સાથે રિહર્સલ કરતા યંગસ્ટર્સ.
આર્જેન્ટિનાના ફુટબૉલ-સ્ટાર લીઅનલ મેસીની બહુચર્ચિત GOAT ઇન્ડિયા ટૂર આજથી શરૂ થઈ રહી છે. ૧૩થી ૧૫ ડિસેમ્બર દરમ્યાન કલકત્તા, હૈદરાબાદ, મુંબઈ અને દિલ્હી મેસીના રંગમાં રંગાયેલું જોવા મળશે. ૨૦૧૧ બાદ પહેલી વખત ૩૮ વર્ષનો આ ગ્લોબલ સ્ટાર ભારતની ધરતી પર આવવાનો હોવાથી નવી પેઢીના ફુટબૉલ-ફૅન્સમાં ભારે ઉત્સાહ છે. ૨૦૦૦થી લઈને ૩૦,૦૦૦ સુધીની સ્ટેડિયમની ટિકિટ ચાહકોએ હોંશે-હોંશે ખરીદી છે.
મેસી આજે GOAT ઇન્ડિયા ટૂરના શેડ્યુલ અનુસાર કલકત્તા અને હૈદરાબાદ પહોંચશે. કલકત્તાના સૉલ્ટ લેક સ્ટેડિયમમાં તે મમતા બૅનરજી, સૌરવ ગાંગુલી અને શાહરુખ ખાન સાથે ઇવેન્ટમાં હાજરી આપશે. તે પોતાના ૭૦ ફુટના સ્ટૅચ્યુનું વર્ચ્યુઅલ અનાવરણ કરશે. બપોરે હૈદરાબાદ જવા રવાના થશે અને ત્યાં રાજીવ ગાંધી સ્ટેડિયમ ખાતે તે તેલંગણના મુખ્ય પ્રધાન રેવંત રેડ્ડી સાથે ફ્રેન્ડ્લી ફુટબૉલ મૅચમાં હાજરી આપશે.
૧૪ ડિસેમ્બરે તે વાનખેડે સ્ટેડિયમમાં ક્રિકેટર્સ સહિતના રમતવીરો, બોલીવુડ-સ્ટાર્સ અને બિઝનેસ-લીડર્સને મળશે. ૧૫ ડિસેમ્બરે દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમમાં રાજકીય હસ્તીઓ સાથેની મુલાકાત અને સાંસ્કૃતિક કાર્યક્રમો સાથે આ ટૂર સમાપ્ત થશે.