05 September, 2025 09:09 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
દિલ્હીમાં આયોજિત ગૉલ્ફની એક ઇવેન્ટ દરમ્યાન યુવરાજ સિંહ.
ભારતના ભૂતપૂર્વ ઑલરાઉન્ડર યુવરાજ સિંહે ગૉલ્ફ વિશે મોટું નિવેદન આપ્યું છે. દિલ્હીમાં ગૉલ્ફની એક ઇવેન્ટ દરમ્યાન તેણે ભૂતપૂર્વ કૅપ્ટન કપિલ દેવના નિવેદનને ટેકો આપ્યો હતો જેમાં તેણે કહ્યું હતું કે ક્રિકેટ-કરીઅર દરમ્યાન ગૉલ્ફ રમ્યો હોત તો વધુ ૩૦૦૦ રન બનાવી શક્યો હોત.
યુવી કહે છે, ‘હું કપિલપાજી સાથે સંમત છું. ગૉલ્ફથી મને ઇન્ટરનૅશનલ ક્રિકેટમાં ઓછામાં ઓછા ૩૦૦૦ વધુ રન બનાવવામાં મદદ મળી હોત. હું બધા યુવા ક્રિકેટરોને ગૉલ્ફ રમવાનો પ્રયાસ કરવા કહું છું. કારણ કે ક્યારેક વધુપડતી ક્રિકેટ પ્રૅક્ટિસ તમારા માટે સારી નથી હોતી. મને લાગે છે કે ગૉલ્ફ પ્રેશર દૂર કરવાનો એક શ્રેષ્ઠ માર્ગ છે અને એ મગજ માટે પણ ખૂબ સારું છે. ઑસ્ટ્રેલિયા, સાઉથ આફ્રિકા અને ઇંગ્લૅન્ડના મોટા ભાગના શ્રેષ્ઠ ક્રિકેટરો ખૂબ નાની ઉંમરથી ગૉલ્ફ રમી રહ્યા છે.’
પોતાના શિષ્ય અને ભારતીય ક્રિકેટર શુભમન ગિલ અને અભિષેક શર્મા વિશે વાત કરતાં તેણે કહ્યું હતું કે ‘મેં તેમને ગૉલ્ફ રમવા કહ્યું છે અને હું તેમને રમવા માટે પ્રોત્સાહિત કરું છું. સમય કાઢવો ખૂબ મુશ્કેલ છે, પરંતુ મને લાગે છે કે IPL તેમને માટે સમય પસાર કરવા અને ગૉલ્ફ રમવા માટે સમય છે અને એ તેમના પર નિર્ભર છે. હવે તેઓ રમતના સુપરસ્ટાર છે અને તેમણે નક્કી કરવાનું છે કે તેમને શું સારું બનાવવામાં મદદ કરશે.’