29 November, 2022 12:28 PM IST | Amsterdam | Gujarati Mid-day Correspondent
બેલ્જિયમના બ્રસેલ્સમાં રવિવારે મૉરોક્કો સામેના બેલ્જિયમના શૉકિંગ પરાજયને પગલે કેટલાક તોફાનીઓએ કરેલી ધમાલમાં વાહનો અને કેટલીક જાહેર ચીજોને નુકસાન પહોંચાડવામાં આવ્યું એટલે પોલીસે કાર્યવાહી કરવી પડી હતી. તસવીર એ.એફ.પી.
બ્રસેલ્સથી ગઈ કાલે મળેલા એ.પી.ના સંદેશા મુજબ રવિવારે વર્લ્ડ નંબર-ટૂ બેલ્જિયમને બાવીસમા ક્રમના મૉરોક્કોએ ૨-૦થી હરાવીને અપસેટ સરજ્યો એને પગલે ઉશ્કેરાયેલા કહેવાતા બેલ્જિયમતરફી લોકો અને મૉરોક્કોના ફૅન્સ વચ્ચે બેલ્જિયમનાં અને નેધરલૅન્ડ્સનનાં કેટલાંક શહેરોમાં તોફાન ફાટી નીકળ્યાં હતાં. પોલીસે કુલ ૧૨ જણને અટકમાં લીધા હતા. બ્રસેલ્સમાં પોલીસે તોફાનીઓને વિખેરવા અશ્રુવાયુ છોડવો પડ્યો હતો. બેલ્જિયમના ઍન્ટવર્પ અને લિજમાં પણ તંગદિલી હતી. બ્રસેલ્સના મેયર ફિલિપ ક્લોઝે આડકતરી રીતે બેલ્જિયમતરફી લોકોનાં તોફાનો સંદર્ભે કહ્યું હતું કે ‘તેઓ કંઈ ફૅન્સ નથી, તોફાનીઓ છે અને ખાસ હેતુથી ધમાલ કરી રહ્યા છે. હા, મૉરોક્કોના ફૅન્સ માટે સેલિબ્રેશનનો સમય છે અને તેઓ સેલિબ્રેટ કરી રહ્યા છે.’