30 November, 2022 12:34 PM IST | Mexico City | Gujarati Mid-day Correspondent
બૉક્સર કૅનલો આલ્વારેઝ
શનિવારે ફિફા વર્લ્ડ કપમાં લિયોનેલ મેસીના ગોલની મદદથી તેના સુકાનમાં આર્જેન્ટિનાએ મેક્સિકોને ૨-૦થી હરાવીને બહુમૂલ્ય ત્રણ પૉઇન્ટ મેળવીને પોતાની તાકાતનું પ્રદર્શન કર્યું ત્યાર બાદ ડ્રેસિંગરૂમમાં સાથીખેલાડીઓ વચ્ચે ખુદ મેસી એટલોબધો એક્સાઇટેડ હતો કે તેનાથી સંભવતઃ એક મેક્સિકન ખેલાડીના જર્સીનું અપમાન થયું હતું. મેસી જ્યાં બેઠો હતો ત્યાં તેના પગ પાસે જે જર્સી પડ્યું હતું એવાં જ લીલા રંગનાં જર્સી પહેરીને મેક્સિકોના ખેલાડીઓ આર્જેન્ટિના સામે રમ્યા હતા.
અનેક મેડલ જીતી ચૂકેલા મેક્સિકન બૉક્સર કૅનલો આલ્વારેઝે મીડિયાને કહ્યું કે ‘જોયું બધાએ, મેસીએ કેવો અમારા (મેક્સિકન) શર્ટને પગ માર્યો અને અમારા ફ્લૅગવાળા રંગના આ શર્ટથી જાણે ફરસ સાફ કરી! હું મેસીને શોધી કાઢીશ તો તેને છોડીશ નહીં. તે ભગવાનને પ્રાર્થના કરે એમાં જ તેની ભલાઈ છે. અમે આર્જેન્ટિનાનું માન રાખીએ તો મેસીએ પણ મેક્સિકોનું માન જાળવવું પડે.’