15 December, 2022 12:23 PM IST | Doha | Gujarati Mid-day Correspondent
મંગળવારની સેમી ફાઇનલમાં ઇટલીના રેફરી ડેનિયલ ઑર્સેટોએ ફર્સ્ટ-હાફમાં આર્જેન્ટિનાને એક પેનલ્ટી કિક આપી એ બદલ ક્રોએશિયાના કૅપ્ટન લુકા મૉડ્રિચે તેમની ખૂબ આકરા શબ્દોમાં ટીકા કરી હતી
મંગળવારની સેમી ફાઇનલમાં ઇટલીના રેફરી ડેનિયલ ઑર્સેટોએ ફર્સ્ટ-હાફમાં આર્જેન્ટિનાને એક પેનલ્ટી કિક આપી એ બદલ ક્રોએશિયાના કૅપ્ટન લુકા મૉડ્રિચે તેમની ખૂબ આકરા શબ્દોમાં ટીકા કરી હતી. લિયોનેલ મેસીએ ૩૪મી મિનિટમાં મળેલી એ પેનલ્ટીની મદદથી મૅચનો પ્રથમ ગોલ કરીને આર્જેન્ટિનાને ૧-૦થી સરસાઈ અપાવી હતી. ત્યાર બાદ જુલિયન અલ્વારેઝે બે અદ્ભુત ગોલ કરીને સરસાઈ ૩-૦ની કરી દઈને આર્જેન્ટિનાને જિતાડ્યું હતું.
ગોલકીપરનો સિરિયસ ફાઉલ નહોતો
ગોલપોસ્ટ નજીકના એરિયામાં ક્રોએશિયાનો ગોલકીપર લિવાકોવિચ સામેથી અચાનક દોડી આવેલા આર્જેન્ટિનાના અલ્વારેઝ સાથે ટકરાયો હતો. રેફરી ડેનિયલે તરત યલો કાર્ડ બતાડ્યું હતું અને આર્જેન્ટિનાને પેનલ્ટી કિકની ‘ભેટ’ આપી હતી. જોકે ગોલકીપરનો એ ગંભીર ફાઉલ હતો જ નહીં.
‘પેનલ્ટીથી અમારી સફરનો અંત’
મૉડ્રિચે પરાજય પછી કહ્યું કે ‘આર્જેન્ટિનાની ટીમ ગજબનું રમી અને જીતવાને જ લાયક હતી, પરંતુ સામાન્ય રીતે જે હું બોલતો નથી હોતો એ અત્યારે બોલવું પડી રહ્યું છે. સામાન્ય રીતે હું રેફરીઓ વિશે પણ કોઈ કમેન્ટ નથી કરતો, પણ આર્જેન્ટિનાને પેનલ્ટી કિક આપવાનો રેફરીનો આ નિર્ણય સૌથી ખરાબ કહી શકાય. હી ઇઝ અ ડિઝૅસ્ટર. વાસ્તવમાં એ પેનલ્ટી હોવી જ નહોતી જોઈતી. એ પેનલ્ટીએ જ આ વર્લ્ડ કપમાં અમારી સફરનો અંત લાવી દીધો. હવે અમારે આ હારના આઘાતમાંથી બહાર આવીને શનિવારની ત્રીજા સ્થાન માટેની મૅચ માટેની તૈયારી શરૂ કરી દેવી પડશે.’