વૉશિંગ્ટન સુંદરના પપ્પાએ સિલેક્ટર્સના અન્યાયી વર્તન વિશે નારાજગી વ્યક્ત કરી

30 July, 2025 12:55 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ગુજરાત ટાઇટન્સમાં પણ દીકરાને નિયમિત રમવાની તક આપવાની અપીલ કરી

ઑલરાઉન્ડર વૉશિંગ્ટન સુંદરનો પપ્પા સાથેનો ફાઇલ ફોટો.

ભારતના પચીસ વર્ષના ઑલરાઉન્ડર વૉશિંગ્ટન સુંદરે ૧૨ ટેસ્ટમાં ૩૨ વિકેટ લેવાની સાથે ૬૭૩ રન બનાવ્યા છે. ૨૦૧૭થી વન-ડે અને T20માં એક-એક જ્યારે ટેસ્ટમાં ચાર ફિફ્ટી ફટકારનાર સુંદરે ઇંગ્લૅન્ડ સામે પોતાની પહેલી ઇન્ટરનૅશનલ સેન્ચુરી ફટકારી હતી. ૨૦૨૧માં ટેસ્ટ-ડેબ્યુ કર્યા પછી તે એ વર્ષે ચાર ટેસ્ટ રમ્યો, પણ પછી તેને છેક ઑક્ટોબર ૨૦૨૪માં ટેસ્ટ રમવાની તક મળી હતી.

આ ઑલરાઉન્ડરના પપ્પા મણિ સુંદરે હાલમાં એક ઇન્ટરવ્યુમાં કહ્યું હતું, ‘વૉશિંગ્ટન સતત સારું પ્રદર્શન કરી રહ્યો છે. જોકે લોકો તેના પ્રદર્શનને અવગણે છે અને ભૂલી જાય છે. અન્ય પ્લેયર્સને નિયમિત તક મળે છે, ફક્ત મારા દીકરાને જ નહીં. વૉશિંગ્ટને સતત પાંચમા ક્રમે બૅટિંગ કરવી જોઈએ અને સતત પાંચથી દસ તકો મળવી જોઈએ. તેને ઇંગ્લૅન્ડ સામેની પ્રથમ ટેસ્ટ-મૅચ માટે પસંદ કરવામાં આવ્યો નહોતો. સિલેક્ટર્સે તેના પ્રદર્શન પર નજર રાખવી જોઈએ.’

વૉશિંગ્ટન સુંદરે પોતાના બાળપણનો ક્રિકેટ રમતો ફોટો હાલમાં જ શૅર કર્યો હતો.

સુંદરના પપ્પાએ આગળ કહ્યું, ‘મારા દીકરાને એક કે બે મૅચમાં નિષ્ફળ જતાં ટીમમાંથી બહાર કરી દેવામાં આવે છે આ યોગ્ય નથી. તેની વર્તમાન IPL ટીમ ગુજરાત ટાઇટન્સ પણ તેને નિયમિત તકો આપતી નથી. જુઓ રાજસ્થાન રૉયલ્સે યશસ્વી જાયસવાલને કેટલું સમર્થન આપ્યું છે.’ 

વૉશિંગ્ટન નામ પાછળનું કારણ શું?
મણિ સુંદર પોતે પણ એક ઉત્સાહી ક્રિકેટર હતા જે એક સમયે તામિલનાડુ રાજ્ય ટીમ માટે વિચારણા હેઠળ હતા. યંગ ઑલરાઉન્ડર સુંદરે પણ ચાર-પાંચ વર્ષની ઉંમરે ક્રિકેટ રમવાની શરૂઆત કરી હતી. સુંદરનું નામ પી. ડી. વૉશિંગ્ટનના નામ પરથી રાખવામાં આવ્યું હતું જેઓ એક નિવૃત્ત આર્મી ઑફિસર હતા જેમણે મણિ સુંદરને તેમના રમતના દિવસોમાં આર્થિક રીતે મદદ કરી હતી.

india england washington sundar indian cricket team cricket news sports news sports gujarat titans t20