04 January, 2025 10:58 AM IST | Sydney | Gujarati Mid-day Correspondent
રોહિત શર્મા
ગઈ કાલે સિડનીમાં શરૂ થયેલી બૉર્ડર-ગાવસકર ટ્રોફીની પાંચમી અને છેલ્લી ટેસ્ટમાંથી તે હટી ગયો કે તેને ડ્રૉપ કરવામાં આવ્યો એને પગલે રોહિત હવે આ મૅચ પછી નિવૃત્તિ જાહેર કરશે એવું રવિ શાસ્ત્રીને લાગે છે : સિલેક્ટરોએ પણ રોહિત શર્માને એવું કહી દીધું હોવાની ચર્ચા છે કે આ સિરીઝ તારી છેલ્લી છે
રોહિતની ટેસ્ટ-કરીઅર |
|
ટેસ્ટ |
૬૭ |
રન |
૪૩૦૧ |
ઍવરેજ |
૪૦.૫૭ |
સેન્ચુરી |
૧૨ |
હાફ સેન્ચુરી |
૧૮ |
રોહિત શર્મા અને ગૌતમ ગંભીર વચ્ચે બોલવાનો પણ વ્યવહાર નથી રહ્યો
ભારતીય કૅપ્ટન રોહિત શર્મા અને ટીમના હેડ કોચ ગૌતમ ગંભીર વચ્ચે સંબંધ એટલા વણસી ગયા છે કે તેઓ હવે એકબીજા સાથે બોલતા પણ નથી એવું જાણવા મળ્યું છે. ગઈ કાલે શરૂ થયેલી સિડની ટેસ્ટમાં તો રોહિત શર્મા ન રમ્યો, પણ ટેસ્ટની પૂર્વસંધ્યાએ ટ્રેઇનિંગ દરમ્યાન બન્નેએ એકમેક સાથે બોલવાનું ટાળ્યું હતું. ટ્રેઇનિંગ પૂરી થયા પછી રોહિત અલગ જ ગેટમાંથી ગ્રાઉન્ડની બહાર નીકળીને બસમાં બેસી ગયો હતો.
આ મૅનેજમેન્ટનો કૉલ હતો, એનાથી વધુ હું કંઈ નહીં કહી શકું : રિષભ પંત
ગઈ કાલે પહેલા દિવસની રમત પછીની પ્રેસ કૉન્ફરન્સમાં રિષભ પંતને જ્યારે રોહિત શર્મા વિશે સવાલ પુછાયો ત્યારે તેણે કહ્યું હતું કે ‘એવા કેટલાક નિર્ણયો હોય છે જેમાં તમે સામેલ નથી હોતા. આ મૅનેજમેન્ટનો કૉલ હતો, એનાથી વધુ હું કંઈ નહીં કહી શકું.’
ભારતીય ક્રિકેટના ઇતિહાસમાં આવું પહેલી વાર થયું : નવજોત સિંહ સિધુ
રોહિત શર્મા પાંચમી ટેસ્ટમાંથી ખસી ગયો એના વિશે પ્રતિક્રિયા આપતાં ભૂતપૂર્વ ક્રિકેટર અને કૉમેન્ટેટર નવજોત સિંહ સિધુએ કહ્યું હતું કે આ ખૂબ વિચિત્ર બાબત છે, ભારતીય ક્રિકેટના ઇતિહાસમાં આવું પહેલી વાર થયું છે કે કૅપ્ટન બહાર બેઠો છે.
રોહિત શર્માએ નિઃસ્વાર્થતાનું ઉદાહરણ પૂરું પાડ્યું : પાર્થિવ
રોહિત શર્મા પાંચમી ટેસ્ટમાં ન રમ્યો એના વિશે ભૂતપૂર્વ વિકેટકીપર પાર્થિવ પટેલે કહ્યું હતું કે ‘કોઈને પ્રૂફ જોઈતું હોય કે રોહિત શર્મા સ્વાર્થી નથી અને કઈ હદે તે ટીમને પોતાના કરતાં વધુ મહત્ત્વ આપે છે એ જોવું હોય તો આ ઉત્તમ ઉદાહરણ છે. રોહિતને કોઈએ ડ્રૉપ નથી કર્યો. આ પરિસ્થિતિને એ રીતે વર્ણવી શકાય કે રોહિતે આ મૅચમાં ન રમવાનું પસંદ કર્યું છે. રોહિત શર્માને દાદ દેવી પડે કે તેણે એ વાત સ્વીકારી કે તે આ મૅચ માટે ટીમમાં સ્થાન મેળવવા જેટલું સારું નથી રમી રહ્યો.’