06 November, 2024 08:58 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL)ની આગામી સીઝનના મેગા ઑક્શન સંદર્ભે ગઈ કાલે મોટા સમાચાર આવ્યા હતા. ભારતીય ક્રિકેટ બોર્ડે જાહેરાત કરી છે કે સાઉદી અરેબિયાના જેદ્દાહમાં ૨૪ અને ૨૫ નવેમ્બરે બે દિવસનું મેગા ઑક્શન યોજાશે. ૧૫૭૪ પ્લેયર્સ માટે ૧૦ ફ્રૅન્ચાઇઝી બોલી લગાવશે જેમાં ૧૧૬૫ ભારતીય અને ૪૦૯ વિદેશી પ્લેયર્સ હશે. આ લિસ્ટમાં ૩૨૦ કૅપ્ડ પ્લેયર્સ, ૧૨૨૪ અનકૅપ્ડ પ્લેયર્સ અને અસોસિએટ નેશન્સમાંથી ૩૦ ખેલાડીઓનો સમાવેશ છે. દરેક ફ્રૅન્ચાઇઝી વધુમાં વધુ પચીસ પ્લેયર્સની ટીમ બનાવી શકશે. મહત્ત્વના પ્લેયર્સને રીટેન કર્યા બાદ ૧૦ ટીમ પાસે ૨૦૪ પ્લેયર્સના સ્લૉટ ખાલી છે જેમાંથી ૭૦ સ્લૉટ વિદેશી પ્લેયર્સ માટે નિર્ધારિત છે.
આ લિસ્ટમાં વિદેશથી સૌથી વધુ સાઉથ આફ્રિકાના ૯૧ ક્રિકેટર્સ ભાગ લેશે. ત્યાર બાદ બીજા ક્રમે ઑસ્ટ્રેલિયાના ૭૬ ક્રિકેટર્સ છે. ઇંગ્લૅન્ડના બાવન, ન્યુ ઝીલૅન્ડના ૩૯, વેસ્ટ ઇન્ડીઝના ૩૩ અને અફઘાનિસ્તાનના ૨૯-૨૯ પ્લેયર્સ ભાગ લેશે. બંગલાદેશના ૧૩, નેધરલૅન્ડ્સના ૧૨, અમેરિકાના ૧૦, આયરલૅન્ડના ૯, ઝિમ્બાબ્વેના ૮, કૅનેડાના ૪, સ્કૉટલૅન્ડના બે અને ઇટલી-યુનાઇટેટ આરબ એમિરેટ્સના ૧-૧ પ્લેયર આ મેગા ઑક્શનનો ભાગ બનશે.