11 November, 2024 09:44 AM IST | Gqeberha | Gujarati Mid-day Online Correspondent
દક્ષિણ આફ્રિકાના હેનરિક ક્લાસેનને આઉટ કર્યાની ઉજવણી કરી રહેલા વરુણ ચક્રવર્તી અને સૂર્યકુમાર યાદવ (તસવીર સૌજન્યઃ એએનઆઇ)
ભારત (India) અને દક્ષિણ આફ્રિકા (South Africa) વચ્ચે ૪ મેચની T20 શ્રેણીની બીજી મેચ (India vs South Africa 2nd T20I) ગઈકાલે રવિવાર ૧૦ નવેમ્બરના રોજ ગકેબરહા (Gqeberha)માં રમાઈ હતી. આ મેચ ખૂબ જ રોમાંચક રહી હતી, જેમાં ભારતીય ટીમ (Indian Cricket Team) સામે દક્ષિણ આફ્રિકાનો 3 વિકેટે વિજય થયો હતો. આ મેચમાં ભારતીય સ્પિનર વરુણ ચક્રવર્તી (Varun Chakaravarthy)એ ૫ વિકેટ ઝડપી હતી, તેમ છતાં ભારતીય ટીમ જીત નોંધાવી શકી નહોતી. હવે શ્રેણી ૧-૧થી બરાબર છે. આ મેચમાં હાર મળવા છતાં ભારતીય કૅપ્ટન સૂર્યકુમાર યાદવ (Surya Kumar Yadav) એક કારણસર બહુ ખુશ છે.
હાલમાં ટીમ ઈન્ડિયા દક્ષિણ આફ્રિકાના પ્રવાસે છે. અહીં બંને ટીમો વચ્ચે ચાર મેચની T20 ઈન્ટરનેશનલ સિરીઝ ચાલી રહી છે. શ્રેણીની બીજી મેચ ગઈકાલે સેન્ટ જ્યોર્જ પાર્ક, ગ્કેબરહા ખાતે રમાઈ હતી. અહીં યજમાન ટીમ આફ્રિકા ત્રણ વિકેટથી જીતવામાં સફળ રહી હતી. મેચ દરમિયાન ભારતીય સ્પિનરોનું પ્રદર્શન પ્રશંસનીય રહ્યું હતું, પરંતુ ઝડપી બોલરોએ તેમની મહેનતને બગાડી નાખી હતી. મેચ બાદ કૅપ્ટન સૂર્યકુમાર યાદવે પણ સ્પિનરોના ખૂબ વખાણ કર્યા હતા. ખાસ કરીને તે વરુણ ચક્રવર્તીના પ્રદર્શન ખૂબ જ ખુશ દેખાઈ રહ્યો હતો. મેચ બાદ તેણે ૩૩ વર્ષીય સ્પિનરની પ્રશંસા કરી અને કહ્યું, ‘ટી-20 મેચમાં ૧૨૫ રનનો બચાવ કરતી વખતે આવી સ્થિતિમાં પાંચ વિકેટ લેવી અવિશ્વસનીય છે. તેણે (વરુણ ચક્રવર્તી) તેની રમત પર સખત મહેનત કરી છે અને તે આ પ્લેટફોર્મની રાહ જોઈ રહ્યો હતો. જેનો તે અત્યારે આનંદ માણી રહ્યો છે. મેચમાં તેનું પ્રદર્શન શાનદાર રહ્યું હતું.’
બીજી T20 મેચમાં વિજય ગુમાવ્યા બાદ કૅપ્ટન સૂર્યકુમાર યાદવે આગળ કહ્યું, ‘તમે જે પણ ટોટલ મેળવો છો, તમારે તેનો બચાવ કરવો પડશે. અલબત્ત, ટી20 મેચમાં તમે માત્ર ૧૨૫ કે ૧૪૦ રન બનાવવા નથી માંગતા, પરંતુ મને મારા સાથી ખેલાડીઓની બોલિંગ પર ગર્વ છે. શ્રેણીમાં હજુ બે મેચ બાકી છે. જોહાનિસબર્ગમાં રમાનારી મેચ ખૂબ જ મજેદાર રહેશે.’
ગકેબરહામાં ટોસ હાર્યા બાદ પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી ભારતીય ટીમ ૨૦ ઓવરમાં ૬ વિકેટ ગુમાવીને ૧૨૪ રન બનાવી શકી હતી. છઠ્ઠા સ્થાને બેટિંગ કરતા ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા (Hardik Pandya) ટીમ માટે ટોપ સ્કોરર રહ્યો હતો. તેણે ૮૬.૬૭ના સ્ટ્રાઈક રેટથી ૪૫ બોલમાં ૩૯ રનની અણનમ ઈનિંગ રમી હતી.
ભારતે આપેલા ૧૨૫ રનના ટાર્ગેટનો પીછો કરતા આફ્રિકન ટીમે ૧૯ ઓવરમાં ૭ વિકેટ ગુમાવીને હાંસલ કરી લીધો હતો. મેચ દરમિયાન ભારતીય સ્પિનરો સારા ફોર્મમાં હતા. ટીમ માટે વરુણ ચક્રવર્તીએ ૪ ઓવરમાં માત્ર ૧૭ રન આપીને ૫ વિકેટ લીધી હતી. જે બાદ આશા હતી કે ટીમ ઈન્ડિયા આ મેચ જીતશે. જો કે છેલ્લી ચાર ઓવરમાં ફાસ્ટ બોલરો તરફથી વધુ મદદ ન મળવાને કારણે બ્લુ ટીમને ત્રણ વિકેટથી હારનો સામનો કરવો પડ્યો હતો.