30 September, 2024 10:16 AM IST | Hyderabad | Gujarati Mid-day Correspondent
સૂર્યકુમાર યાદવ
ભારત અને બંગલાદેશ વચ્ચે આયોજિત ત્રણ મૅચની T20 સિરીઝ માટે હાલમાં ભારતીય સ્ક્વૉડની જાહેરાત કરવામાં આવી હતી. આ સ્ક્વૉડમાં સ્ટાર ક્રિકેટર ઋતુરાજ ગાયકવાડ, ઈશાન કિશન અને શ્રેયસ ઐયરને સ્થાન મળ્યું નથી. ન્યુ ઝીલૅન્ડ સામેની ટેસ્ટ-સિરીઝને કારણે શુભમન ગિલ, રિષભ પંત અને યશસ્વી જાયસવાલ જેવા સ્ટાર ખેલાડીઓને આ સિરીઝમાંથી આરામ આપવામાં આવ્યો છે. ટીમમાં સ્થાન મેળવવા માટે સંઘર્ષ કરી રહેલા સંજુ સૅમસનની કરીઅર માટે આ સિરીઝ મહત્ત્વની બની રહેશે. પહેલી મૅચ ૬ ઑક્ટોબરે ગ્વાલિયરમાં, બીજી મૅચ ૯ ઑક્ટોબરે દિલ્હીમાં અને ત્રીજી મૅચ ૧૨ ઑક્ટોબરે હૈદરાબાદમાં રમાશે.
IND vs BAN: મુંબઈકર સૂર્યકુમાર યાદવની કૅપ્ટન્સી હેઠળ આ સીરિઝમાં દિલ્હીના ફાસ્ટ બોલર્સ મયંક યાદવ અને હર્ષિત રાણા તથા આંધ્ર પ્રદેશના બૅટિંગ ઑલરાઉન્ડર નીતીશ કુમાર રેડ્ડીને સ્ક્વૉડમાં સ્થાન મળ્યું છે. IPL 2024 દરમ્યાન પોતાની સ્પીડથી તરખાટ મચાવનાર મયંક યાદવ ઇન્જરીને કારણે ૩૦ એપ્રિલથી ક્રિકેટથી દૂર હતો. તેને પહેલી વાર ભારતીય સ્ક્વૉડમાં સ્થાન મળ્યું છે, જ્યારે IPLમાં તેમના પ્રદર્શનથી પ્રભાવિત કરનાર નીતીશ કુમાર રેડ્ડી અને હર્ષિત રાણાને આ પહેલાં પણ સ્ક્વૉડમાં સ્થાન મળ્યું હતું, પણ જુદાં-જુદાં કારણસર તેમને ડેબ્યુની તક નથી મળી. સૂર્યકુમાર યાદવની કૅપ્ટન્સી હેઠળ આ ત્રણેય યંગસ્ટર્સ ઇન્ટરનૅશનલ ડેબ્યુ કરતા જોવા મળી શકે છે. આ ત્રણેય ક્રિકેટર્સની ઉંમર ઑલમોસ્ટ બાવીસ વર્ષ છે.
ભારતીય સ્ક્વૉડ
સૂર્યકુમાર યાદવ (કૅપ્ટન), અભિષેક શર્મા, સંજુ સૅમસન, રિન્કુ સિંહ, હાર્દિક પંડ્યા, રિયાન પરાગ, નીતીશ કુમાર રેડ્ડી, શિવમ દુબે, વૉશિંગ્ટન સુંદર, રવિ બિશ્નોઈ, વરુણ ચક્રવર્તી, જિતેશ શર્મા, અર્શદીપ સિંહ, હર્ષિત રાણા, મયંક યાદવ.
મયંક યાદવનો T20 રેકૉર્ડ
કુલ મૅચ ૧૪
વિકેટ ૧૯
બેસ્ટ પ્રદર્શન ૩/૧૪
હર્ષિત રાણાનો T20 રેકૉર્ડ
કુલ મૅચ ૨૫
વિકેટ ૨૮
બેસ્ટ પ્રદર્શન ૩/૨૪
નીતીશ કુમાર રેડ્ડીનો T20 રેકૉર્ડ
કુલ મૅચ ૨૦
રન ૩૯૫
વિકેટ ૦૩
ગૌતમ ગંભીરને કારણે ભારતીય ટીમમાં વાપસી થઈ વરુણ ચક્રવર્તીની?
બંગલાદેશ સામેની T20 સિરીઝમાં કર્ણાટકના સ્પિનર વરુણ ચક્રવર્તીને પણ ભારતીય સ્ક્વૉડમાં સ્થાન મળ્યું છે. તેણે ૩૦ વર્ષની ઉંમરે જુલાઈ ૨૦૨૧માં શ્રીલંકા સામેની T20 સિરીઝમાં ઇન્ટરનૅશનલ ડેબ્યુ કર્યું હતું. નવેમ્બર ૨૦૨૧માં T20 વર્લ્ડ કપમાં સ્કૉટલૅન્ડ સામેની મૅચ બાદ તેને ભારતીય સ્ક્વૉડમાં ઈજાને કારણે સ્થાન મળ્યું નહોતું. ઘણી સિરીઝમાં અવગણના બાદ આજે ૩૩ વર્ષની ઉંમરે તેની ટીમમાં ફરી વાપસી થઈ છે. તે ઇન્ટરનૅશનલ ક્રિકેટની ૬ T20 મૅચમાં ૫.૮૬ના ઇકૉનૉમી-રેટ સાથે માત્ર બે વિકેટ લઈ શક્યો છે. સોશ્યલ મીડિયા પર વાત ચાલી રહી છે કે ક્લક્તા નાઇટ રાઇડર્સના તેના જૂના મેન્ટર ગૌતમ ગંભીર હવે ભારતીય હેડ કોચ બન્યા છે એથી તેની ટીમમાં વાપસી થઈ છે. જોકે તે તેના પ્રદર્શનથી ભારતીય ટીમમાં સ્થાન મજબૂત કરવાનો પૂરેપૂરો પ્રયાસ કરતો જોવા મળશે.