06 March, 2021 11:18 AM IST | Ahmedabad | Gujarati Mid-day Correspondent
રોહિત શર્મા
હિટમૅન રોહિત શર્મા પહેલી ઇનિંગ્સમાં ૪૯ રને આઉટ થવા છતાં વર્લ્ડ ટેસ્ટ ચૅમ્પિયનશિપ (ડબ્લ્યુટીસી)માં ઓપનર તરીકે ૧૦૦૦ રન કરનાર પહેલો બૅટ્સમૅન બન્યો હતો. આ યાદીમાં ઑસ્ટ્રેલિયાનો ડેવિડ વૉર્નર અને સાઉથ આફ્રિકાનો ડીન ઍલ્ગર અનુક્રમે ૯૪૮ અને ૮૪૮ રને બીજા અને ત્રીજા ક્રમે છે. આ સાથે આ ચૅમ્પિયનશિપમાં ૧૦૦૦ રન કરનારો તે પહેલો એશિયન પ્લેયર બન્યો છે. ડબ્લ્યુટીસીમાં ૧૦૦૦ રન કરનાર ભારતીય પ્લેયરોમાં અજિંક્ય રહાણે (૧૦૯૫)નો પણ સમાવેશ છે. રોહિત આ ચૅમ્પિયનશિપમાં એકંદરે છઠ્ઠા ક્રમે પહોંચી ગયો છે.
રોહિતને વાગ્યો ઍન્ડરસનનો શૉર્ટ બૉલ
ગઈ કાલે ભારતની પહેલી ઇનિંગ્સમાં ૩૧મી ઓવર નાખવા જેમ્સ ઍન્ડરસન આવ્યો હતો અને તેના એક શૉર્ટપિચ બૉલને હૂક કરવાના પ્રયાસમાં રોહિત શર્માની હેલ્મેટ પર બૉલ વાગ્યો હતો. પ્રોટોકોલ અનુસાર ફિઝિયોથેરપિસ્ટ તરત જ મેદાનમાં દોડી આવ્યા હતા અને રોહિતને તપાસ્યો હતો. સદ્ભાગ્યે રોહિતને ઈજા નહોતી થઈ. રોહિત એ વખતે ૨૬ રને રમી રહ્યો હતો.