સૅમ કૉન્સ્ટૅસને બે ઓવરમાં છ-સાત વાર આઉટ કરી શક્યો હોત : જસપ્રીત બુમરાહ

29 December, 2024 01:26 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

૧૯ વર્ષના ઑસ્ટ્રેલિયન બૅટર સૅમ કૉન્સ્ટૅસે તેની સામે ૩૩ બૉલમાં ૩૪ રન ફટકાર્યા છે જેમાં બે શાનદાર સિક્સર પણ સામેલ હતી

જસપ્રીત બુમરાહ

ટેસ્ટ-ક્રિકેટનો નંબર વન બોલર જસપ્રીત બુમરાહે પોતાની કરીઅરમાં એક ટેસ્ટ-સ્પૅલમાં પહેલી વાર ૯૦ પ્લસ રન આપ્યા છે. તેણે મેલબર્ન ટેસ્ટમાં ઑસ્ટ્રેલિયાની પહેલી ઇનિંગ્સમાં ૨૮.૪ ઓવરમાં ૯૯ રન આપીને ૪ વિકેટ ઝડપી છે. તેણે આ જ ઇનિંગ્સમાં ૧૮ રનની પોતાની ટેસ્ટ-કરીઅરની સૌથી મોંઘી ઓવર પણ ફેંકી છે. 

૧૯ વર્ષના ઑસ્ટ્રેલિયન બૅટર સૅમ કૉન્સ્ટૅસે તેની સામે ૩૩ બૉલમાં ૩૪ રન ફટકાર્યા છે જેમાં બે શાનદાર સિક્સર પણ સામેલ હતી.

તેમ છતાં જસપ્રીત બુમરાહ કહે છે કે ‘હું વસ્તુઓને એ રીતે જોતો નથી. હું સારી બોલિંગ કરી રહ્યો છું અને પરિણામ મારા પક્ષમાં છે, પરંતુ મેં અલગ-અલગ જગ્યાએ સારી બોલિંગ કરી છે. ક્રિકેટમાં એવું થાય છે કે કેટલીયે વાર તમને વિકેટ મળે છે, પરંતુ કેટલીયે વાર સારી બોલિંગ કર્યા પછી પણ તમને વિકેટ નથી મળતી. બધું સમાન રીતે કામ કરે છે. મને નવા પડકારોનો સામનો કરવો ગમે છે. સૅમ કૉન્સ્ટૅસ એક રસપ્રદ બૅટર છે. મને લાગ્યું નહોતું કે હું વિકેટથી દૂર છું. મને લાગતું હતું કે હું તેને પહેલી બે ઓવરમાં છ-સાત વખત આઉટ કરી શક્યો હોત.’

rohit sharma jasprit bumrah indian cricket team india australia border gavaskar trophy test cricket cricket news sports sports news melbourne