રાહુલ, જાડેજા અને પૂંછડિયા બૅટર્સે ગૅબામાં ભારતની લાજ બચાવી

18 December, 2024 09:13 AM IST  |  Brisbane | Gujarati Mid-day Correspondent

વરસાદ અને અંતિમ દિવસ હોવાથી ગૅબા ટેસ્ટમાં આજે કોઈ પણ ટીમની જીતની સંભાવના ઓછી

રવીન્દ્ર જાડેજાએ ૭૭ રન ફટકાર્યા હતા.

ગૅબા ટેસ્ટમાં વરસાદ અને કાંગારૂઓના વર્ચસ વચ્ચે ભારતીય ટીમે ચોથા દિવસે શાનદાર વાપસી કરી હતી. ચોથા દિવસે ૫૧/૪ના સ્કોરથી ઇનિંગ્સ શરૂ કરીને ભારતીય ટીમના પાછલા ક્રમના બૅટર્સે ૭૪.૫ ઓવર સુધીમાં સ્કોર ૨૫૨/૯ સુધી પહોંચાડ્યો છે. ભારતીય ટીમ હજી પણ ઑસ્ટ્રેલિયાથી ૧૯૩ રન પાછળ છે.

પહેલી ઇનિંગ્સમાં ૪૪૫ રન ફટકારનાર ઑસ્ટ્રેલિયા આજે ફરી બૅટિંગ માટે ઊતરશે, પણ વરસાદની આગાહી વચ્ચે આજે અંતિમ દિવસે મૅચનું રિઝલ્ટ આવે એમ લાગતું નથી.

દિવસની શરૂઆતમાં કૅપ્ટન રોહિત શર્મા (૧૦ રન)એ ઓપનિંગ બૅટર કે. એલ. રાહુલ સાથે પાંચમી વિકેટ માટે ૫૮ બૉલમાં ૩૦ રનની પાર્ટનરશિપ કરીને સાથ છોડ્યો હતો. ૧૩૯ બૉલમાં ૮ ચોગ્ગાની મદદથી ૮૪ રનની ધીરજપૂર્વકની ઇનિંગ્સ રમનાર રાહુલે છઠ્ઠી વિકેટ માટે ઑલરાઉન્ડર રવીન્દ્ર જાડેજા સાથે ૧૧૫ બૉલમાં ૬૭ રનની મહત્ત્વપૂર્ણ પાર્ટનરશિપ કરી હતી. જાડેજાએ (૭૭ રન) સાતમી વિકેટ માટે યંગ ઑલરાઉન્ડર નીતીશ કુમાર રેડ્ડી (૧૬ રન) સાથે મળી ૧૦૪ બૉલમાં ૫૩ રનની ભાગીદારી કરીને સ્કોર આગળ વધાર્યો હતો.

નૅથન લાયને રાહુલ અને મિચલ સ્ટાર્કે મોહમ્મદ સિરાજ (૧ રન)ની વિકેટ લીધી હતી, જ્યારે કૅપ્ટન પૅટ કમિન્સે રોહિત, જાડેજા અને નીતીશની વિકેટ લઈને ભારતીય ટીમ પર પ્રેશર બનાવ્યું હતું. મુશ્કેલીના સમયમાં પૂંછડિયા બૅટર્સ જસપ્રીત બુમરાહ (૧૦ રન) અને આકાશ દીપે (૨૭ રન) ભારતીય ટીમની બાજી સંભાળી હતી. તેમણે દસમી વિકેટ માટે ૫૪ બૉલમાં ૩૯ રનની પાર્ટનરશિપ કરી છે જે ગૅબામાં ભારતીય ટીમ માટે દસમી વિકેટની સૌથી મોટી પાર્ટનરશિપ છે. આ પહેલાં આ સ્ટેડિયમમાં ૧૯૯૧માં મનોજ પ્રભાકર અને જવાગલ શ્રીનાથે દસમી વિકેટ માટે ૩૩ રનની મોટી પાર્ટનરશિપ કરી હતી.

દસમા નંબરે આવેલા બુમરાહ અને અગિયારમા નંબરે આવેલા આકાશ દીપની ભારે પ્રશંસા થઈ રહી છે જેઓ ટીમને ૨૪૬ રનના ફૉલો-ઑન સ્કોરથી આગળ લઈ ગયા. બન્ને એકસાથે આવ્યા હતા અને ભારતનો સ્કોર ત્યારે નવ વિકેટે ૨૧૩ રન હતો.

જસપ્રીત બુમરાહ-આકાશ દીપે દસમી વિકેટ માટે ૫૪ બૉલમાં ૩૯ રનની જબરદસ્ત ભાગીદારી કરી હતી, જેને કારણે ભારત ફૉલો-ઑનથી બચી ગયું હતું. ઑસ્ટ્રેલિયા સામે પહેલી વાર ટેસ્ટમાં ભારતના ૧૦મા અને ૧૧મા ક્રમના બૅટરે સિક્સર ફટકારી હતી.

કાંગારૂઓને મોટો ફટકો, BGTમાંથી બહાર થઈ શકે છે હેઝલવુડ 
ઑસ્ટ્રેલિયાનો ૩૩ વર્ષના ઘાતક ફાસ્ટ બોલર જોશ હેઝલવુડને ફરી જમણા પગના સ્નાયુઓમાં દુખાવો શરૂ થયો છે. જેને કારણે તે ગઈ કાલે ચોથા દિવસની રમતમાં ભારત સામે માત્ર એક ઓવર ફેંકી શક્યો હતો. સ્નાયુઓમાં દુખાવો થતાં તેણે કૅપ્ટન પૅટ કમિન્સ, ફિઝિયો નિક જોન્સ અને સાથી પ્લેયર્સ સાથે વાત કરીને મેદાન છોડ્યું હતું. ક્રિકેટ ઑસ્ટ્રેલિયા અનુસાર તે બૉર્ડર-ગાવસકર ટ્રોફી (BGT)માંથી બહાર થઈ શકે છે. ઇન્જરીને કારણે ઍડીલેડમાં પિન્ક બૉલ ટેસ્ટમાંથી આરામ લેનાર હેઝલવુડ ગૅબા ટેસ્ટમાંથી પણ લગભગ બહાર થઈ ગયો છે. તેના સ્થાને ૩૫ વર્ષનો ફાસ્ટ બોલર સ્કૉટ બોલૅન્ડ પ્લેઇંગ ઇલેવનમાં વાપસી કરે એવી અપેક્ષા છે. 

પહેલી ૩૦ ઓવરમાં ડિફેન્સ મજબૂત રાખો, પછી જૂના બૉલ પર રન બનાવો

ગૅબામાં શાનદાર પ્રદર્શનની સફળતાનો મંત્ર આપ્યો રાહુલે

ભારતીય બૅટર કે. એલ. રાહુલે ગૅબા ટેસ્ટની પહેલી ઇનિંગ્સમાં છઠ્ઠી વિકેટ સુધી ભારતીય ટીમ માટે શાનદાર પ્રદર્શન કરી બતાવ્યું હતું. ચોથા દિવસની રમત બાદ તેણે પોતાના પ્રદર્શન વિશે વાત કરતાં કહ્યું હતું કે ‘પહેલી ૩૦ ઓવરમાં તમે માત્ર એક જ વસ્તુ કરી શકો છો, એ છે તમારા ડિફેન્સને મજબૂત બનાવો. પહેલી ૩૦ ઓવર બોલર્સનો સમય છે અને તેમને તેમનો સમય આપો, પછી જેમ-જેમ બૉલ જૂનો થાય એમ એનો લાભ લેવાનો પ્રયાસ કરો. એથી એ મારી યોજના છે અને એ ખૂબ જ સરળ છે અને મને ખાતરી છે કે એ દરેક માટે યોજના છે. વિદેશ-ટૂર પર તમારે ફાસ્ટ બોલર્સ સામે પ્રેશરમાં રન બનાવવા માટે રાહ જોવી પડશે. પહેલી ૨૦-૩૦ ઓવરમાં બોલર્સને માન આપવું પડશે.’

BGT પછી ટેસ્ટ-ક્રિકેટમાંથી રિટાયર થઈ જશે રોહિત શર્મા? 


કે. એલ. રાહુલ માટે ઓપનિંગ પોઝિશન છોડનાર કૅપ્ટન રોહિત શર્મા છઠ્ઠા નંબરે બૅટિંગ કરતાં કંગાળ પ્રદર્શન કરી રહ્યો છે. ગઈ કાલે ૨૭ બૉલમાં બે ચોગ્ગાની મદદથી ૧૦ રન બનાવીને તે પૅટ કમિન્સની ઓવરમાં વિકેટકીપર ઍલેક્સ કૅરીના હાથે કૅચઆઉટ થયો હતો. સોશ્યલ મીડિયા પર તે આઉટ થયા બાદના કેટલાક ફોટો વાઇરલ થયા છે જેમાં તેણે ઉતારેલાં ગ્લવ્ઝ ડગઆઉટ પાસે જ ફેંકી દીધાં હોય એવું જોવા મળી રહ્યું છે. આ ફોટોને કારણે સોશ્યલ મીડિયા પર ચર્ચા શરૂ થઈ છે કે શું બૉર્ડર-ગાવસકર ટ્રોફી (BGT) બાદ ૩૭ વર્ષનો આ ક્રિકેટર T20 બાદ ટેસ્ટ ઇન્ટરનૅશનલમાં પણ રમવાનું છોડી દેશે?

india australia gabba indian cricket team jasprit bumrah ravindra jadeja kl rahul rohit sharma nitish kumar reddy mitchell starc pat cummins cricket news sports news sports