20 February, 2025 09:08 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
અજિંક્ય રહાણે
ભારતીય ટીમ માટે છેલ્લે ૨૦૨૩માં ટેસ્ટ-મૅચ, ૨૦૧૮માં વન-ડે મૅચ અને ૨૦૧૬માં T20 મૅચ રમનાર અજિંક્ય રહાણે માને છે કે તેનામાં હજી પણ વધુ ક્રિકેટ બાકી છે. એક ઇન્ટરવ્યુમાં તેણે ઉલ્લેખ કર્યો કે ઇન્ટરનૅશનલ સ્તર પર રમવા માટે તેની અંદર હજી પણ આગ સળગી રહી છે.
ઑગસ્ટ ૨૦૧૧માં ઇન્ટરનૅશનલ ડેબ્યુ કરનાર અજિંક્ય રહાણે કહે છે, ‘હું હંમેશાં શરમાળ હતો, હવે હું ખૂલ્યો છું. મારું ધ્યાન ક્રિકેટ રમવા અને ઘરે જવા પર રહ્યું છે. કોઈએ મને કહ્યું નહોતું કે આગળ વધવા માટે ચોક્કસ બાબતોની જરૂર પડશે. હવે મને કહેવામાં આવ્યું છે કે મારે મારી મહેનત વિશે વાત કરવી જોઈએ. લોકો કહે છે કે તમારે સમાચારમાં રહેવાની જરૂર છે. મારી પાસે પબ્લિક રિલેશન્સ (PR) ટીમ નથી, મારું એકમાત્ર PR મારું ક્રિકેટ છે. મને હવે સમજાયું છે કે સમાચારમાં રહેવું ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે, નહીંતર લોકો વિચારે છે કે હું ટીમની બહાર છું.’
અજિંક્ય રહાણે આગળ કહે છે, ‘મારા મનમાં હજી પણ ઉત્સાહ અને જુસ્સો છે. હું હાલમાં રણજી ટ્રોફી રમી રહ્યો છું અને મુંબઈ ટીમને મારું સર્વસ્વ આપવાનો પ્રયાસ કરી રહ્યો છું. મારું ધ્યેય સ્પષ્ટ છે - ફરી એક વાર પાછા ફરવાનો. જ્યારે મને થોડાં વર્ષો પહેલાં ટીમમાંથી બહાર કરવામાં આવ્યો હતો ત્યારે મેં રન બનાવ્યા હતા અને વર્લ્ડ ટેસ્ટ ચૅમ્પિયનશિપ ફાઇનલ માટે સિલેક્ટ થયો હતો અને પછી મને ટીમમાંથી બહાર કરવામાં આવ્યો હતો, પણ મારા નિયંત્રણમાં શું છે? રમવું. મને લાગે છે કે હું હજી પણ ભારતીય ટીમ માટે રમી શકું છું. મારામાં હજી પણ ક્રિકેટ બાકી છે.