03 August, 2024 07:00 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ભીમબલી પાસે ભૂસ્ખલનને લીધે રસ્તો ધોવાઈ ગયો હોવાથી યાત્રાળુઓને પહાડ પરથી ગૌરીકુંડ સુધી લાવવામાં આવે છે.
ઉત્તરાખંડના રુદ્રપ્રયાગ જિલ્લામાં આવેલા કેદારનાથ ધામ ચાલીને જવા માટે ગૌરીકુંડથી જે રસ્તો છે એમાં બુધવારે રાતે આભ ફાટવાને લીધે ભીમબલી પાસે ભૂસ્ખલન થયું હોવાથી હજારો યાત્રી કેદારનાથ અને ત્યાંથી નીચે આવવાના રસ્તામાં ફસાઈ ગયા હોવાથી ગઈ કાલે બીજા દિવસે પણ તેમને સુરક્ષિત ગૌરીકુંડ સુધી લાવવાનું કામ ચાલુ હતું.
કેદારનાથમાં ફસાયેલા ઉંમરલાયક અને બીમાર લોકોને આર્મીના હેલિકૉપ્ટરની મદદથી નીચે લાવવામાં આવતા હતા, જ્યારે બાકીના જે લોકો રસ્તા પર અટવાયેલા છે તેમને જે જગ્યાએ રસ્તા ધોવાઈ ગયા છે ત્યાં પહાડ પરથી લાવવાનું કામ સ્ટેટ ડિઝૅસ્ટર રિસ્પૉન્સ ફોર્સ (SDRF)ના જવાનો સ્થાનિક પ્રશાસનની સાથે મળીને કરતા હતા. અંદાજે ૪૦૦૦ જેટલા યાત્રાળુઓ કેદારનાથમાં ફસાયેલા છે. પ્રશાસન તરફથી અટકી પડેલા યાત્રાળુઓને ખાવા-પીવા અને રહેવાની સુવિધા કરી આપવામાં આવી છે. મોસમ ખરાબ હોવાથી ગઈ કાલે પણ કેદારનાથની યાત્રા બંધ રાખવામાં આવી હતી.
ગુજરાતના ૧૭ યાત્રીઓને હેલિકૉપ્ટરથી ઍરલિફ્ટ કરવામાં આવ્યા
કેદારનાથ ધામની યાત્રાએ ગયેલા અરવલ્લી જિલ્લાના ૧૭ ગુજરાતી યાત્રીઓ ઉત્તરાખંડમાં મોટી લિંચોલી નજીક વરસાદ અને લૅન્ડ-સ્લાઇડિંગને કારણે ફસાઈ ગયા હતા. ગુજરાતના મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલને ફસાયેલા યાત્રીઓની જાણ થતાં તેમણે સ્ટેટ ઇમર્જન્સી ઑપરેશન સેન્ટરને આ યાત્રીઓને સહીસલામત સુરક્ષિત સ્થળે પહોંચાડવા સંકલન કરવાની સૂચના આપી હતી. આ સૂચનાના પગલે ઉત્તરાખંડ સરકાર સાથે સંપર્ક કરીને ફસાયેલા યાત્રીઓને રેસ્ક્યુ કરવા રુદ્રપ્રયાગ જિલ્લા કન્ટ્રોલરૂમ સાથે પરામર્શમાં રહીને રેસ્ક્યુ ઑપરેશન હાથ ધરાયું હતું. વાતાવરણ ક્લિયર થતાં ગુજરાતના તમામ ૧૭ યાત્રીઓને હેલિકૉપ્ટર દ્વારા ઍરલિફ્ટ કરીને સહીસલામત સુરક્ષિત સ્થળે પહોંચાડવામાં આવ્યા હતા.