10 April, 2026 07:14 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
રાઘવ ચઢ્ઢાએ શૅર કરેલો સ્ક્રીન-શૉટ.
આમ આદમી પાર્ટી (AAP)ના નેતા અને રાજ્યસભાના સભ્ય રાઘવ ચઢ્ઢા અને તેમની જ પાર્ટીની લીડરશિપ વચ્ચે ચકમક ઝરી રહી છે ત્યારે હવે ચાર્ટર્ડ અકાઉન્ટન્ટમાંથી નેતા બનેલા રાઘવ ચઢ્ઢાનું આગામી પગલું શું હશે એ બાબતે તર્કો થઈ રહ્યા છે. બુધવારે રાઘવ ચઢ્ઢાએ સીધાઠોક નામના ઇન્સ્ટાગ્રામ હૅન્ડલની એક રીલ શૅર કરી હતી જેમાં એ કન્ટેન્ટ ક્રીએટર કહે છે કે તમારે એક નવી જેન-ઝી પાર્ટી બનાવવી જોઈએ અને રાઘવ ચઢ્ઢાએ એ સજેશનને ‘ઇન્ટરેસ્ટિંગ વિચાર’ ગણાવ્યો હતો.
કન્ટેન્ટ ક્રીએટર રિહાન રીલમાં કહે છે, ‘દરેક નવજુવાનની ઇચ્છા છે કે રાઘવ ચઢ્ઢા પોતાની પૉલિટિકલ પાર્ટી બનાવે. ભલે ગમે એટલા મતભેદો ચાલતા હોય, જેન-ઝી પાર્ટી કે અન્ય કોઈ નામથી પોતાની યુવાનોની પૉલિટિકલ પાર્ટી બનાવે. જો તેઓ અન્ય કોઈ પાર્ટીમાં સામેલ થશે તો ચાહે એ કોઈ પણ હોય તો પણ તેમને કદાચ એટલો સપોર્ટ ન મળે જેટલો અત્યારે મળે છે, કદાચ ધિક્કાર પણ મળે. જોકે પોતાની પાર્ટી શરૂ કરવાનો નિર્ણય સારો રહેશે. તમામ યુવાનો તેમને સપોર્ટ કરશે અને તેમને ખૂબ મોટી સફળતા મળશે, થૅન્ક યુ.’
રિહાનની આ પોસ્ટ શૅર કરીને રાઘવ ચઢ્ઢાએ કહ્યું છે, ‘ઇન્ટરેસ્ટિંગ વિચાર છે.’
રાઘવ ચઢ્ઢાના રિસ્પૉન્સ પરથી એવી ચર્ચા શરૂ થઈ છે કે કદાચ રાઘવ ચઢ્ઢા પોતાની યુવાનોની નવી પાર્ટી બનાવવાનું વિચારી રહ્યા છે.