પુરીના જગન્નાથ મંદિરની ના હોવા છતાં અમેરિકામાં ઇસ્કૉનની કસમયની રથયાત્રા

12 November, 2024 12:35 PM IST  |  Bhubaneswar | Gujarati Mid-day Correspondent

ઓડિશા સરકાર અને પુરીના ગજપતિ મહારાજને લેખિતમાં ખાતરી આપવા છતાં પણ ઇસ્કૉન (ઇન્ટરનૅશનલ સોસાયટી ફૉર ક્રિષ્ના કૉન્શિયસનેસ) સંસ્થાએ અમેરિકાના હ્યુસ્ટન શહેરમાં કસમયે ૯ નવેમ્બરે રથયાત્રા કાઢી હતી

પ્રતીકાત્મક તસવીર

ઓડિશા સરકાર અને પુરીના ગજપતિ મહારાજને લેખિતમાં ખાતરી આપવા છતાં પણ ઇસ્કૉન (ઇન્ટરનૅશનલ સોસાયટી ફૉર ક્રિષ્ના કૉન્શિયસનેસ) સંસ્થાએ અમેરિકાના હ્યુસ્ટન શહેરમાં કસમયે ૯ નવેમ્બરે રથયાત્રા કાઢી હતી અને આથી આ સંસ્થા પર પ્રતિબંધ મૂકવાની માગણી કરવામાં આવી છે.

હ્યુસ્ટનમાં ભગવાન જગન્નાથના રથ નંદીઘોષની પ્રતિકૃતિ ઇસ્કૉનના ફેસ્ટિવલ બ્લિસમાં કાઢવામાં આવી હતી અને એમાં ભગવાન જગન્નાથ, ભાઈ બળભદ્ર, બહેન સુભદ્રા અને સુદર્શન ચક્ર રાખવામાં નહોતાં આવ્યાં. આના કારણે ભગવાન જગન્નાથના ભાવિકોમાં રોષની લાગણી ફેલાઈ છે. પુરી ગોવર્ધન પીઠના પ્રવક્તા માતૃપ્રસાદ મિશ્રાએ આ ઘટનાને વખોડી કાઢી હતી અને જણાવ્યું હતું કે ‘આ ધર્મના વિરોધમાં ષડયંત્ર છે. ભારતમાં ઇસ્કૉન સંસ્થા પર પ્રતિબંધ મૂકવામાં આવવો જોઈએ. ઇસ્કૉને અમને લેખિતમાં ખાતરી આપી હતી કે અમે કસમયે રથયાત્રા નહીં કાઢીએ. આમ છતાં તેમણે ધરાર રથયાત્રા કાઢી હતી.’

ઓડિશાના કાયદાપ્રધાન પૃથ્વીરાજ હરિચરણે કહ્યું હતું કે પુરી મંદિર પ્રશાસન આ બાબતે નિર્ણય લેશે અને એને ઓડિશા સરકારનો ટેકો રહેશે.

odisha jagannath puri Rathyatra houston iskcon religion religious places hinduism ntional news international news news united states of america