23 October, 2026 12:04 PM IST | New Delhi | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક ફાઇલ તસવીર
હિમાલય ભલે ઉપરથી શાંત દેખાતો હોય, એની જમીન નીચે કંઈક અત્યંત ભયાનક આકાર લઈ રહ્યું છે. નવા અભ્યાસ મુજબ ભારતીય પ્લેટ અને તિબેટિયન પ્લેટ વચ્ચેની ટક્કરને કારણે ઉત્પન્ન થતી ઊર્જા બહાર નીકળવાને બદલે જમીનની નીચે જ ભેગી થઈ રહી છે. ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ ટેક્નૉલૉજી (IIT)-બૉમ્બે અને યુનિવર્સિટી ઑફ ન્યુ મેક્સિકોના સંશોધકોએ ગ્લોબલ નૅવિગેશન સૅટેલાઇટ સિસ્ટમ (GNSS) અને જપાનના સૅટેલાઇટના આંકડા પરથી મોટો ખુલાસો કર્યો છે.
આ આંકડાઓ દર્શાવે છે કે ઉત્તરાખંડની નીચે આવેલો મુખ્ય હિમાલયન થ્રસ્ટ લગભગ ૧૧૫ કિલોમીટર સુધી સંપૂર્ણપણે બ્લૉક થઈ ગયો છે. બન્ને પ્લેટ્સ દર વર્ષે ૧૮ મિલીમીટરની ઝડપે એકબીજા પર દબાણ વધારી રહી છે, પરંતુ સરકી શકતી નથી. પરિણામે દર ૧૦૦ વર્ષે ૮.૧ની તીવ્રતાના ભૂકંપ જેટલી ભયાનક ઊર્જા જમીન નીચે એકઠી થઈ રહી છે.
જો આ રીતે પ્લેટ્સ ફસાયેલી રહેશે તો જ્યારે એ અચાનક સરકશે ત્યારે મોટો ભૂકંપ આવશે. વૈજ્ઞાનિકોની ચેતવણી મુજબ આ ભૂકંપથી માત્ર ઉત્તરાખંડ જ નહીં; દિલ્હી, લખનઉ અને કાનપુર જેવાં ગીચ વસ્તીવાળાં શહેરોને પણ ભારે નુકસાન પહોંચાડી શકે છે. વાડિયા ઇન્સ્ટિટ્યૂટના ભૂસ્તરશાસ્ત્રી ડૉ. નરેશ કુમાર પણ માને છે કે હિમાલયમાં સાડાસાતથી આઠની તીવ્રતાનો ભૂકંપ આવવો નિશ્ચિત છે એટલે અત્યારથી જ યોગ્ય તૈયારીઓ શરૂ કરવી પડશે.
ગુરુવારે ઉત્તર તિબેટના નાગકુ વિસ્તારમાં ૭.૦ની તીવ્રતાનો શક્તિશાળી ભૂકંપ ત્રાટક્યો હતો. જર્મન રિસર્ચ સેન્ટર ફૉર જિયોસાયન્સિસ (GFZ)ના રિપોર્ટ મુજબ આ ભૂકંપનું કેન્દ્રબિન્દુ જમીનથી ૧૦ કિલોમીટરની ઊંડાઈએ નોંધાયું હતું. ઉલ્લેખનીય છે કે અગાઉ ૨૬ ઑગસ્ટે નેપાલ અને તિબેટની સરહદ પાસે હિમસ્ખલનના કારણે ભયાનક પૂર આવ્યું હતું. આ હોનારતમાં અનેક મકાનો, રસ્તાઓ અને પુલ ધોવાઈ ગયાં હતાં તથા હજારો લોકો લાપતા બન્યા હતા. હાલમાં આ પૂરગ્રસ્ત વિસ્તારોમાં બચાવ અને રાહત-કામગીરી ચાલી રહી છે ત્યારે જ આ નવો ભૂકંપ આવતાં પરિસ્થિતિ વધુ ગંભીર બની છે.