હલવાઈને પગાર ન મળ્યો એટલે ૫૦૦ વર્ષના ઇતિહાસમાં પહેલીવાર બાંકે બિહારીને બાલભોગ અર્પણ ન થયો

17 December, 2025 10:33 AM IST  |  Vrindavan | Gujarati Mid-day Correspondent

શિયાળામાં સવારે લગભગ સાડાઆઠ વાગ્યે બાંકે બિહારીજીને બાલભોગ ચડાવવામાં આવે છે

શ્રી બાંકે બિહારી

વૃંદાવનના વિશ્વપ્રસિદ્ધ બાંકે બિહારી મંદિરના ૫૦૦ વર્ષના ઇતિહાસમાં સોમવારે સવારે પ્રથમ વખત નિયત સમયે ભગવાનને બાલભોગ અર્પણ કરી શકવામાં આવ્યો નહોતો. મંદિરની હાઈ પાવર મૅનેજમેન્ટ કમિટી દ્વારા નિયુક્ત હલવાઈને સમયસર ચુકવણી કરવામાં ન આવી હોવાથી તેણે બાલભોગ તૈયાર કર્યો નહોતો, જેને કારણે બાલભોગ અર્પણ કરવામાં લગભગ દોઢ કલાકનો વિલંબ થયો હતો.

શિયાળામાં સવારે લગભગ સાડાઆઠ વાગ્યે બાંકે બિહારીજીને બાલભોગ ચડાવવામાં આવે છે. એમાં બે પ્રકારની મીઠાઈઓ અને બે નમકીન હોય છે. સોમવારે સવારે ૧૦ વાગ્યાની આસપાસ ભગવાનને આ ભોગ ચડાવવામાં આવ્યો હતો. મંદિરની પરંપરા મુજબ બાલભોગ પછી બપોરે રાજભોગ અને રાત્રે શયનભોગ ચડાવવામાં આવે છે. જોકે રાજભોગ અને શયનભોગ બન્ને યોજવામાં આવ્યા હતા, પરંતુ નિર્ધારિત સમય કરતાં ઘણા મોડા યોજાયા હતા.

મંદિરમાં બાલભોગ તૈયાર કરવા માટે એક હલવાઈને કૉન્ટ્રૅક્ટ આપવામાં આવ્યો છે જેને દર મહિને ૯૦,૦૦૦ રૂપિયા ચૂકવવામાં આવે છે. તેને લાંબા સમયથી ચુકવણી કરવામાં આવી નહોતી.

બપોરે રાજભોગ પણ નિર્ધારિત પ્રક્રિયા મુજબ યોજાયો નહોતો. જોકે આરતી પહેલાં ભોગ ચડાવવામાં આવ્યો હતો, પરંતુ જે વ્યવસ્થા કરવી જોઈતી હતી એ સંપૂર્ણ રીતે થઈ શકી નહોતી. આની અસર મંદિરના પરંપરાગત સમયપત્રક પર પડી હતી.

જાન્યુઆરીથી શ્રદ્ધાળુઓ ઠાકોરજીને ભોગ અર્પણ કરી શકશે

શ્રી બાંકે બિહારી મંદિરની હાઈ પાવર કમિટીની ગઈ કાલે યોજાયેલી બેઠકમાં અનેક મહત્ત્વપૂર્ણ નિર્ણયો લેવામાં આવ્યા હતા. મંદિરમાં ભાવિકો ઘરે બનાવેલો ભોગ ઠાકોરજીને ચડાવી શકશે અને પ્રસાદ તરીકે ઘરે પણ લઈ જઈ શકશે. આ સિસ્ટમ જાન્યુઆરીથી લાગુ કરવામાં આવશે. મંદિરમાં ભોગની વિગતો અને એની ફી નક્કી કરવામાં આવશે. આ વ્યવસ્થાથી ભક્તોને પણ ઘણી ખુશી મળશે. હાલમાં ભોગનો પ્રસાદ ગોસ્વામીઓના ઘરે જાય છે, પરંતુ હવે આગામી દિવસોમાં આ વ્યવસ્થામાં ફેરફાર કરવામાં આવશે.

national news india vrindavan culture news religious places