29 July, 2025 06:58 AM IST | New Delhi | Gujarati Mid-day Correspondent
પ્રિયંકા ચતુર્વેદી
શનિવારે એશિયન ક્રિકેટ કાઉન્સિલ (ACC)એ સપ્ટેમ્બરમાં યુનાઇટેડ આરબ એમિરેટ્સ (UAE)માં આયોજિત T20 એશિયા કપ 2025નું શેડ્યુલ જાહેર કર્યું હતું જેમાં ભારત પોતાના કટ્ટર દુશ્મન પાકિસ્તાન સામે ૧૪ સપ્ટેમ્બરની ગ્રુપ-મૅચ સહિત સુપર-ફોર અને ફાઇનલ સહિત ત્રણ વાર ટકરાશે એવી સંભાવના છે. આ ટુર્નામેન્ટની યજમાની કરનાર બોર્ડ ઑફ કન્ટ્રોલ ફૉર ક્રિકેટ ઇન ઇન્ડિયા (BCCI)એ પાકિસ્તાન સામે રમવા માટે તૈયારી બતાવી એને કારણે દેશભરમાં વિરોધનો સૂર ઊઠ્યો છે. પહલગામના આતંકવાદી હુમલા અને પાકિસ્તાન સામેના ઑપરેશન સિંદૂર બાદ પણ આ હરીફ સામે મૅચ રમવાના નિર્ણયને ક્રિકેટર્સથી લઈને રાજનેતાઓએ શબ્દોનો પ્રહાર કરી વખોડી કાઢ્યો હતો. ચાલો જાણીએ કોણે શું કહ્યું...
શિવસેના (ઉદ્ધવ બાળાસાહેબ ઠાકરે-UBT)નાં રાજ્યસભાનાં સંસદસભ્ય પ્રિયંકા ચતુર્વેદી : અમે બધા ભારતીયો ક્રિકેટના મેદાન પર પાકિસ્તાન સાથેની કોઈ પણ મૅચનો વિરોધ કરીશું, પછી ભલે તમે એને કોઈ પણ દેશમાં રમાડો. ભારતીયો અને સશસ્ત્ર દળોના લોહી પર તમારો નફો ન મેળવો. એક તરફ ઑપરેશન સિંદૂર ચાલુ છે અને બીજી તરફ તમે તમારા લોહીના પૈસા કમાવા માટે ઉતાવળ કરી રહ્યા છો. શું પૈસા રાષ્ટ્રીય ગૌરવથી ઉપર છે? BCCIનું નામ બદલીને ‘બિઝનેસ ક્રિકેટ કન્સોર્ટિયમ ઑફ ઇન્ડિયા’ કરી દો. તેમના ચૅરિટેબલ સંગઠનનો ટૅગ દૂર કરો. તેમની કમાણી પર ટૅક્સ હોવો જોઈએ.
કૉન્ગ્રેસના પ્રવક્તા પવન ખેરા : કારગિલ દિવસે ભારત-પાકિસ્તાન ક્રિકેટ મૅચની જાહેરાત કરવામાં આવી છે. થોડા દિવસ પહેલાં ગૃહપ્રધાન અમિત શાહે કહ્યું હતું કે બૉમ્બ અને વાતો એકસાથે ચાલી ન શકે, પરંતુ ક્રિકેટ ચાલુ રહી શકે છે. કારણ કે એનું સંચાલન તેમના દીકરા (જય શાહ)ના હાથમાં છે. શું બહિષ્કાર-ગૅન્ગ હવે ગૃહપ્રધાનનો બહિષ્કાર કરશે કે મૅચનો આનંદ માણશે?
સનરાઇઝર્સ હૈદરાબાદનો ભૂતપૂર્વ વિકેટકીપર-બૅટર શ્રીવત્સ ગોસ્વામી : ભારતે પાકિસ્તાન સામેની મૅચ ન રમવી જોઈએ અને તેમને ક્વૉલિફાય થવા દેવા જોઈએ. આપણે એશિયા કપ જીતવાની જરૂર નથી. આદર્શ રીતે આવું થવું જોઈએ અને જો ભારત પાકિસ્તાન સામે રમવાનું નક્કી કરે તો એ દેશને નારાજ કરશે. ભારત ફક્ત એટલા માટે ભાગ લઈ રહ્યું છે કારણ કે એ અન્ય દેશોને આર્થિક રીતે મદદ કરે છે.
ભૂતપૂર્વ ભારતીય કૅપ્ટન મોહમ્મદ અઝહરુદ્દીન : જો તમે પાકિસ્તાન સામે દ્વિપક્ષીય મૅચો નથી રમી રહ્યા તો તમારે ઇન્ટરનૅશનલ મૅચો પણ ન રમવી જોઈએ એવું મારું માનવું છે. જોકે સરકાર અને ભારતીય ક્રિકેટ બોર્ડ નિર્ણય લેશે એ પ્રમાણે થશે.
ભૂતપૂર્વ ભારતીય ફાસ્ટ બોલર એસ. શ્રીસાન્ત : મને સ્પોર્ટ્સ ગમે છે, પણ તમારે તમારા દેશને આગળ રાખવો જોઈએ. મારા અંગત મતે પાકિસ્તાનને રમવાની મંજૂરી ન આપવી જોઈએ, આપણે તેમની સામે રમવાથી દૂર રહેવું જોઈએ. દેશભક્તિ પહેલાં આવે છે. બન્ને દેશો વચ્ચે તનાવ વધી રહ્યો છે. અત્યારે પરિસ્થિતિ પ્રેક્ષકોના મનોરંજનની નથી, દેશની છે.
મહારાષ્ટ્ર કૉન્ગ્રેસના નેતા વિજય વડેટ્ટીવાર : જો પાકિસ્તાન આપણું દુશ્મન છે તો પછી આ (પાકિસ્તાન સાથે એશિયા કપ મૅચ) રમત શા માટે? તેઓ વિચારે છે કંઈક અને કરે છે કંઈક બીજું જ. આ તેમનું રાજકારણ છે. વિશ્વમાં પ્રતિનિધિમંડળ મોકલીને તેમણે દેશના લોકોને ગેરમાર્ગે દોર્યા છે.