ઝવેરીબજારમાં દુકાન ભાડા પર લેવા જતાં ભેરવાઈ ગયા

29 June, 2023 10:05 AM IST  |  Mumbai | Mehul Jethva

દુકાનના માલિકે જ ભાડૂતે રાખેલા ૪.૯૦ કરોડ રૂપિયાના દાગીના અને રોકડ પર હાથ સાફ કર્યો : આરોપી ફરાર, પોલીસે તપાસ શરૂ કરી

પ્રતીકાત્મક તસવીર (તસવીર સૌજન્ય : આઇસ્ટૉક)

બૅન્ગલોરના દાગીનાના વેપારીનો મુંબઈની ઝવેરીબજારમાં ગોલ્ડબારનો વ્યવસાય હોવાથી તેણે અહીં એક દુકાન રેન્ટ પર લઈને ભત્રીજાને સંભાળવા માટે આપી હતી. દરમ્યાન જેની પાસેથી દુકાન લીધી હતી તેણે જ દુકાનમાં રાતે પ્રવેશીને ચાર કિલો સોનાનાં બિસ્કિટ અને અઢી કરોડ રૂપિયાની રોકડ એમ કુલ ૪.૯૦ કરોડ રૂપિયાની ચોરી કરી હતી. અંતે સીસીટીવી કૅમેરાનાં ફુટેજ ચેક કર્યા બાદ તમામ માહિતી પ્રકાશમાં આવતાં એલ. ટી. માર્ગ પોલીસે આ ઘટનાની ફરિયાદ નોંધીને આરોપીની શોધ શરૂ કરી હતી.

બૅન્ગલોરના શેષાદ્રિપુરમાં રહેતા અને મેસર્સ પક્ષાલ જ્વેલર્સ નામે વ્યવસાય કરતા ૪૫ વર્ષના વિક્રમ જૈને કરેલી ફરિયાદ અનુસાર તે છેલ્લાં વીસ વર્ષથી ગોલ્ડબારનો વ્યવસાય કરે છે અને મુંબઈની ઝવેરીબજારમાં અવારનવાર હોલસેલ ભાવે ગોલ્ડબારની ખરીદી કરવા માટે આવતા હોય છે. દરમ્યાન ૨૦૧૯માં તેમણે કાલબાદેવીના કૉટન એક્સચેન્જમાં સંજય ગોયલ પાસેથી એક દુકાન ભાડા પર લીધી હતી. એ દુકાનમાં તેમણે જિગર જૈન અને હસમુખ જૈનને નોકરી પર રાખ્યા હતા. તેઓ વિક્રમભાઈએ આપેલી માહિતી પ્રમાણે માલ લઈને એને વેચવાનું કામ કરતા હતા. દરમ્યાન શુક્રવારે દુકાનની તિજોરીમાં એક કિલોના ચાર ગોલ્ડબાર અને અઢી કરોડ રૂપિયાની રોકડ રાખીને તેઓ ઘરે ગયા હતા. બીજા દિવસે શનિવારે સવારે તેઓ દુકાને આવ્યા ત્યારે દુકાનના મૂળ માલિકના આદેશને કારણે બન્નેને એ બિલ્ડિંગમાં પ્રવેશ આપવામાં આવ્યો નહોતો. અંતે માલિક વિક્રમનો સંપર્ક કરતાં તેઓ મુંબઈ આવ્યા હતા અને એલ. ટી. માર્ગ પોલીસ સ્ટેશનની મુલાકાત લીધા બાદ દુકાનની મુલાકાત લીધી હતી ત્યારે દુકાન બંધ હોવાનું જાણવા મળ્યું હતું. પોલીસ સ્ટેશનના અધિકારીઓએ વધુ તપાસ કરતાં દુકાનના મૂળ માલિક સંજય ગોયલ અને તેમની સાથે અન્ય એક યુવાન દુકાનમાં પ્રવેશી તિજોરીમાં રાખેલા અઢી કરોડ રૂપિયા અને ગોલ્ડબાર એક બૅગમાં ભરીને બહાર નીકળતા જોવા મળ્યા હતા. અંતે ૪.૯૦ કરોડ રૂપિયાની માલમતા ચોરી થઈ હોવાનું જાણવા મળતાં ચોરીની ફરિયાદ એલ. ટી. માર્ગ પોલીસ સ્ટેશનમાં નોંધાવવામાં આવી હતી.

એલ. ટી. માર્ગ પોલીસ સ્ટેશનના સિનિયર પોલીસ ઇન્સ્પેક્ટર જ્ઞાનેશ્વર વાઘેએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘પ્રાથમિક માહિતીના આધારે અમે ચોરીની ફરિયાદ નોંધીને તપાસ શરૂ કરી છે. આ કેસમાં ચોરી દુકાનના માલિકે કરી હોવાની પ્રાથમિક માહિતી અમને મળી છે. જોકે તેની ધરપકડ થઈ નથી. તેના મળ્યા બાદ તમામ માહિતી સામે આવશે.’

zaveri bazaar bengaluru Crime News mumbai crime news mumbai mumbai news mehul jethva