૯ મહિના પહેલાં પ્રેગ્નન્ટ હોવાનું જાહેર કર્યું અને પછી પાંચ દિવસનું બાળક તફડાવ્યું

06 January, 2025 01:11 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

બે કસુવાવડ પછી MBA યુવતીએ ગજબ પ્લાન બનાવ્યો, પણ પકડાઈ ગઈ

પ્રતીકાત્મક ફાઈલ તસવીર

પતિ સાથે ધુળેમાં રહેતી, MBA થયેલી અને હાલ શિક્ષિકા તરીકે સર્વિસ કરતી મહિલાને બે વખત કસુવાવડ થઈ જવાથી બાળક મેળવવા તેણે ૯ મહિના પહેલાં જ ગજબનો પેંતરો રચ્યો હતો. તેણે નાશિકની હૉસ્પિટલમાંથી એક મહિલા સાથે ઓળખાણ કરીને અને તેની સાથે મિત્રતા કરીને તેના માત્ર પાંચ જ દિવસના બાળકની ચોરી કરી હતી. જોકે બાળકનાં મમ્મી-પપ્પાએ હૉસ્પિટલ અને પોલીસમાં ફરિયાદ કરતાં પોલીસે બાળક પણ શોધી આપ્યું છે અને બાળક ચોરનાર મહિલાની પણ ધરપકડ કરી છે.

નાશિક ડિસ્ટ્રિક્ટ હૉસ્પિટલમાં સુમન ખાને એક બાળકને જન્મ આપ્યો હતો. સપના મરાઠેએ તેના પર નજર રાખીને તેની સાથે મિત્રતા કરી હતી અને તેમની આસપાસ જ રહ્યા કરતી હતી. શનિવારે બપોરે તેણે બાળકને રમાડું છું એમ કહીને બાળકને પોતાની પાસે લીધું હતું અને તેેને લઈને નાસી ગઈ હતી. થોડી વાર પછી બાળકનાં મમ્મી-પપ્પાએ તેની શોધ કરી, પણ ન મળી આવતાં હૉસ્પિટલ અને પોલીસમાં જાણ કરતાં પોલીસે કેસની ગંભીરતા જોઈને ઝડપી તપાસ ચાલુ કરી હતી. આખરે બાળકને ચોરનાર સપના મરાઠે નાશિક નજીકના દીંડોરીમાંથી મળી આવી હતી. તેણે એ બાળકને એક અન્ય હૉસ્પિટલમાં રાખ્યું હતું. પોલીસે જ્યારે તેની પૂછપરછ કરી ત્યારે હકીકત સામે આવી હતી. તેને બે વખત કસુવવાડ થઈ હતી એટલે તેણે બાળકને ચોરવાનો પ્લાન ૯ મહિના પહેલાં જ બનાવી લીધો હતો. એ પછી તે તેના નજીકના સંબંધીઓને પણ ૯ મહિનાથી નહોતી મળી અને તેમને કહ્યે રાખતી હતી કે તે પ્રેગ્નન્ટ છે. ૯ મહિનાનો સમય પૂરો થતાં તે આ બાળકને ચોરીને પોતાનું જ હોવાનું લોકોને જણાવવાની હતી.

nashik news mumbai mumbai news mumbai police crime news mumbai crime news