04 May, 2026 10:53 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
બૅટરીથી ચાલતી ગાડી અને ‘ધ વાઇલ્ડ રાઇડ’ બસ.
ભાયખલાના રાણીબાગમાં ઉનાળાની રજાઓ દરમ્યાન પ્રવાસીઓની ભીડ વચ્ચે સુવિધાના અભાવ થકી અસંતોષ જોવા મળી રહ્યો છે. ખાસ કરીને બાળકો મોટી સંખ્યામાં ત્યાં જાય છે, પણ તેમને માટે જાહેર કરાયેલી અનેક આધુનિક સુવિધાઓ હજી સુધી શરૂ ન થતાં તેમનામાં નિરાશા ફેલાઈ છે. પ્રવાસીઓમાં સૌથી વધુ ચર્ચા બૅટરીથી ચાલતી ગાડીઓ અને ધ વાઇલ્ડ રાઇડ બસ વિશે થઈ રહી છે.
BMC દ્વારા લગભગ બે વર્ષ પહેલાં રાણીબાગ માટે લાવવામાં આવેલી ૮ સીટની બૅટરી-ઑપરેટેડ ૪ ગાડીઓ આજે પણ ઉપયોગમાં લેવાઈ નથી. આ ગાડીઓ ખાસ કરીને સિનિયર સિટિઝન, દિવ્યાંગ અને નાનાં બાળકોને આખું ઉદ્યાન સરળતાથી જોવા માટે મદદરૂપ થવાની હતી, પરંતુ હકીકતમાં આ વાહનો હજી પાર્કિંગમાં જ ઊભાં છે એને કારણે તેમણે લાંબા અંતર સુધી ચાલતાં ફરવું પડે છે અને મુશ્કેલી વેઠવી પડે છે. આ ઉપરાંત બાળકો માટે આકર્ષણરૂપ ધ વાઇલ્ડ રાઇડ નામની ઇલેક્ટ્રિક ઓપન ડબલ ડેકર બસ પણ હજી શરૂ નથી થઈ. મૉલ જેવી મજા ઉદ્યાનમાં પણ મળે એવા હેતુથી આ યોજના તૈયાર કરવામાં આવી હતી. બસ સંપૂર્ણ રીતે તૈયાર હોવા છતાં એને શરૂ કરવા માટે જરૂરી મંજૂરી અને આયોજનના અભાવે પ્રોજેક્ટ અટવાઈ ગયો છે. પરિણામે વેકેશન દરમ્યાન મોટી આશા સાથે આવતાં બાળકો નિરાશ થઈ જાય છે.
રાણીબાગના ડૉ. સંજય ત્રિપાઠીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘ટિકિટના દર, સમયપત્રક અને સંચાલન વિશે અંતિમ નિર્ણય લેવાવાનો બાકી છે એટલે આ બન્ને સર્વિસ શરૂ નથી થઈ. આ સુવિધા ટૂંક સમયમાં શરૂ કરવામાં આવશે.’