એકનાથ શિંદે રેસમાંથી ખસી ગયા છે તો દિલ્હીમાં અમિત શાહ સાથેની અઢી કલાક ચાલેલી બેઠકમાં શું ચર્ચા થઈ?

30 November, 2024 07:07 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

કૅરટેકર મુખ્ય પ્રધાન એકનાથ શિંદે મુખ્ય પ્રધાનપદની રેસમાંથી ખસી ગયા છે તો દિલ્હીમાં આટલી લાંબી ચર્ચા કયા વિષય પર કરવામાં આવી હતી

એકનાથ શિંદે, અમિત શાહ અને દેવેન્દ્ર ફડણવીસની ફાઇલ તસવીર

મહારાષ્ટ્રમાં આગામી સરકારના ગઠન માટે ગુરુવારે રાત્રે કેન્દ્રીય ગૃહપ્રધાન અને ભારતીય જનતા પાર્ટી (BJP)ના વરિષ્ઠ નેતા અમિત શાહ સાથે એકનાથ શિંદે, દેવેન્દ્ર ફડણવીસ અને અજિત પવારે અઢી કલાક મૅરથૉન બેઠક કરી હતી. આટલી લાંબી બેઠક બાદ આગામી મુખ્ય પ્રધાન કોણ હશે એની જાહેરાત થવાની ગઈ કાલે શક્યતા હતી. હવે મુખ્ય પ્રધાનના નામની જાહેરાત આવતી કાલે થવાની શક્યતા છે અને ગુરુવારે એટલે કે પાંચ ડિસેમ્બરે નવી સરકારની શપથવિધિ થઈ શકે છે.

કૅરટેકર મુખ્ય પ્રધાન એકનાથ શિંદે મુખ્ય પ્રધાનપદની રેસમાંથી ખસી ગયા છે તો દિલ્હીમાં આટલી લાંબી ચર્ચા કયા વિષય પર કરવામાં આવી હતી એવો સવાલ પૂછવામાં આવી રહ્યો છે. સૂત્રોના જણાવ્યા મુજબ ગુરુવાર રાતની બેઠકમાં આગામી સરકારમાં કયા પક્ષને કેટલાં પ્રધાનપદ, કયાં ખાતાં આપવાં અને કયા પક્ષના કયા નેતાને પ્રધાન બનાવવા એ વિશે દેવેન્દ્ર ફડણવીસ, એકનાથ શિંદે અને અજિત પવાર પાસેથી અમિત શાહે વિસ્તારથી માહિતી મેળવી હતી.

આ બેઠકનો એજન્ડા નવી સરકાર, મુખ્ય પ્રધાન, નાયબ મુખ્ય પ્રધાન, શપથવિધિની તારીખ, કોની-કોની શપથવિધિ થશે વગેરે હોવાનું જાણવા મળ્યું હતું. આ ઉપરાંત મહારાષ્ટ્રની મહાનગરપાલિકા, નગરપાલિકા, જિલ્લા અને ગ્રામપંચાયતની ચૂંટણી પેન્ડિંગ હોવાથી એ ક્યારે કરવામાં આવે એની પણ ચર્ચા આ બેઠકમાં કરવામાં આવી હોવાનું કહેવાય છે.

mumbai news mumbai maharashtra maharashtra political crisis amit shah eknath shinde brihanmumbai municipal corporation assembly elections