22 October, 2026 09:32 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ઘટનાસ્થળ
સંજય ગાંધી નૅશનલ પાર્ક (SGNP)ના યેઉર રેન્જ અંતર્ગત આવતા ચેના બીટના જંગલમાં ડુક્કરના ગેરકાયદે શિકાર દરમ્યાન એક અત્યંત ચોંકાવનારી ઘટના સામે આવી છે. અંધારામાં ટૉર્ચના પ્રકાશને પ્રાણીની ચમકતી આંખો સમજીને ચલાવવામાં આવેલા ગોળીબારમાં મીરા-ભાઈંદર મ્યુનિસિપલ કૉર્પોરેશન (MBMC)ના ૬૦ વર્ષના સફાઈ-કર્મચારી વિજય સાપટેનું મૃત્યુ થયું છે, જ્યારે અન્ય બે જણ ગંભીર રીતે ઘાયલ થયા છે. આ કેસમાં પોલીસે બોગસ ડેથ-સર્ટિફિકેટ આપનાર ડૉક્ટર સહિત ૬ લોકોની ધરપકડ કરી છે.
એક પોલીસ-અધિકારીના જણાવ્યા અનુસાર ‘સોમવારે મોડી રાત્રે ૧૨ વાગ્યે ૬ લોકો ચેના ગામ નજીક જંગલમાં શિકાર કરવા ગયા હતા. શિકાર દરમ્યાન આ જૂથ બે અલગ-અલગ ભાગમાં વહેંચાઈ ગયું હતું. અંધારામાં એક જૂથ પાસે રહેલી બૅટરીનો પ્રકાશ બીજા જૂથને દેખાતાં તેણે પ્રાણીની આંખો ચમકતી હોવાની ગેરસમજમાં તાબડતોબ ગોળીબાર કરી દીધો હતો. આ ગોળીબારમાં વિજય સાપટેના છાતીના ભાગે ગોળી વાગતાં તેનું ઘટનાસ્થળે જ મૃત્યુ થયું હતું, જ્યારે કલ્પેશ ઢગળા અને કુણાલ શેલાર નામના બે જણ ગોળી વાગવાથી ગંભીર રીતે ઘાયલ થયા હતા.
ઘટના બાદ આરોપીઓએ પોલીસથી ગુનો છુપાવવા અને કાયદાકીય કાર્યવાહીથી બચવા માટે મોટું ષડ્યંત્ર રચ્યું હતું. તેઓ મૃત્યુ પામેલા વિજય સાપટેને મીરા રોડના એક પ્રાઇવેટ ડૉક્ટર રાજેશ પાલાંડે પાસે લઈ ગયા હતા. ડૉક્ટરે ગોળી વાગવાથી થયેલા મૃત્યુનું સાચું કારણ છુપાવીને હાર્ટ-અટૅકથી મૃત્યુ થયું હોવાનું બોગસ ડેથ-સર્ટિફિકેટ બનાવી આપ્યું હતું. આ સર્ટિફિકેટના આધારે પોલીસને જાણ કર્યા વિના કે પોસ્ટમૉર્ટમ કરાવ્યા વગર જ ઉતાવળે અંતિમ સંસ્કાર પણ કરી દેવામાં આવ્યા હતા. શરૂઆતમાં આરોપીઓએ નદીમાં માછલી પકડતી વખતે વિસ્ફોટ થયો હોવાની ખોટી કહાની ઘડીને પોલીસને ભ્રમિત કરવાનો પણ પ્રયાસ કર્યો હતો.
જોકે ફૉરેસ્ટ વિભાગના અધિકારીઓને શંકા જતાં તેમણે કાશીગાવ પોલીસને ઘટના વિશે સાચી માહિતી આપી હતી જેનાથી સમગ્ર કૌભાંડનો પર્દાફાશ થયો હતો. પોલીસે શંકાસ્પદોની સઘન પૂછપરછ હાથ ધરતાં શિકાર દરમ્યાન થયેલા ગોળીબારની સાચી હકીકત સામે આવી હતી. હાલ પોલીસ અને ફૉરેસ્ટ વિભાગ સંયુક્ત રીતે આ કેસની ઊંડાણપૂર્વક તપાસ કરી રહ્યાં છે. શિકાર માટે વપરાયેલું હથિયાર કોનું હતું, મુખ્ય ગોળીબાર કરનાર કોણ હતો અને ખોટું ડેથ-સર્ટિફિકેટ આપવા પાછળ ડૉક્ટરની શું સંડોવણી હતી એ દિશામાં પોલીસે તપાસ વધુ તેજ કરી છે.