12 March, 2025 09:02 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતાપ સરદેસાઈ
વાકોલા બ્રિજ પર ગુરુવારે રાતે મધરાત બાદ બાંદરા તરફ પૂરપાટ જઈ રહેલી કારના યુવાન ડ્રાઇવર સિદ્ધેશ બેલકરે કાર પરથી કન્ટ્રોલ ગુમાવતાં એણે ડિવાઇડર કુદાવી સામેની લેનમાં ઍક્ટિવા પર જઈ રહેલા વિલે પાર્લેના બે યુવાનો હર્ષ મકવાણા અને માનવ પટેલને ટક્કર મારતાં બન્નેનાં મોત થયાં હતાં. બન્ને યુવાનોનો પરિવાર, સમાજ અને મિત્રો-પાડોશીઓએ આક્ષેપ કર્યા હતા કે એ કારમાં રહેલા ચારે યુવાનોએ ડ્રગ્સનો નશો કર્યો હતો એટલે એ ચારેયને આ અકસ્માત માટે જવાબદાર ગણવા જોઈએ. આ કેસમાં પોલીસે આરોપી સિદ્ધેશ બેલકર સામે ડ્રન્કન ડ્રાઇવિંગનો કેસ લીધો નથી, કારણ કે મેડિકલ-ટેસ્ટમાં તેણે આલ્કોહોલ પીધો નહોતો એવું ડૉક્ટરે જણાવ્યું છે. જોકે તેમણે ડ્રગ્સ લીધું હતું કે નહીં એ ચેક કરવા માટે અત્યારે કોઈ મશીનરી ન હોવાથી એનો કોઈ ઉલ્લેખ મેડિકલ-ટેસ્ટમાં કરવામાં આવ્યો નથી.
અનેક અકસ્માતોમાં ડ્રાઇવરે દારૂ પીધો હોવાનું જણાઈ આવે છે, પણ ડ્રગ્સનો નશો કર્યો છે કે નહીં એની ચકાસણી કરવા કોઈ વ્યવસ્થા નથી. આના અનુસંધાનમાં રાજ્યના પરિવહનપ્રધાન પ્રતાપ સરનાઈકે કહ્યું હતું કે ‘હવે રાજ્યનો પરિવહન વિભાગ ડ્રાઇવરે દારૂ પીધો છે કે નહીં એ તો ચેક કરી જ શકશે, ઉપરાંત તેણે ડ્રગ્સનો નશો કર્યો છે કે નહીં એની ચકાસણી કરી શકે એવાં મશીનો ખરીદશે. આ ઉપરાંત આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ (AI) ટેક્નૉલૉજીના ઉપયોગથી પણ ડ્રાઇવરને અલર્ટ કરવામાં આવશે. જો ડ્રાઇવરે ટ્રાફિકના કોઈ નિયમોનો ભંગ કર્યો હશે અને તેને દંડ થયો હશે તો AI દ્વારા તેને જાણ કરવામાં આવશે. રાજ્યમાં હજી સુધી હાઇવે ઇન્ટેલિજન્ટ ટ્રાફિક મૅનેજમેન્ટ સિસ્ટમ લાગુ કરી શકાઈ નથી એ અફસોસની વાત છે.’
આ કેસ વિધાનસભાના બજેટસત્રમાં પણ ચર્ચાયો હતો. ભારતીય જનતા પાર્ટી (BJP)ના વિલે પાર્લેના વિધાનસભ્ય પરાગ અળવણીએ રજૂઆત કરતાં કહ્યું હતું કે ‘વેસ્ટર્ન એક્સપ્રેસ હાઇવે પર યુવાનો દ્વારા મોડી રાતના રેસ લગાવવામાં આવે છે. એમાં તેઓ કાર અને મોટરસાઇકલ પૂરઝડપે ચલાવે છે એટલે અકસ્માત થાય છે. હાલમાં જ વાકોલા બ્રિજ પર એક કારે બે યુવાનોને અડફેટે લેતાં તેમનાં મોત થયાં હતાં. એથી એ રોકવા પોલીસ-બંદોબસ્ત વધારવામા આવે.’
કાયદા મુજબ કારના બધા પ્રવાસીઓ સામે ગુનો નોંધવો જોઈએ : પરાગ અળવણી
વિધાનસભામાં આ મુદ્દે રજૂઆત કરનાર વિલે પાર્લેના વિધાનસભ્ય પરાગ અળવણીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘વાકોલા બ્રિજ પર અકસ્માત કરનાર ડ્રાઇવરે નશો કર્યો છે એ બાબતની જાણ કારમાં તેની સાથે પ્રવાસ કરી રહેલા તેના અન્ય ૩ મિત્રોને હતી. એથી તેમણે તેને કાર ડ્રાઇવ કરતાં રોકવો જોઈતો હતો, જે તેમણે કર્યું નહોતું. એથી ક્રિમિનલ કાયદાની કલમ 20(B) હેઠળ તેઓ પણ એ અકસ્માત માટે જવાબદાર ગણાવા જોઈએ. એથી અમે માગણી કરી છે કે માત્ર ડ્રાઇવર નહીં પણ બીજા ત્રણ જણ સામે પણ ગુનો નોંધવામાં આવે.’