ધુળેટી રમવા માટે ટૂ-વ્હીલર પર નીકળેલા મામા-ભાણેજે અકસ્માતમાં જીવ ગુમાવ્યા

15 March, 2025 02:51 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

મુંબઈ-અમદાવાદ નૅશનલ હા​ઇવે પર બ્રિજ સાથે ટૂ-વ્હીલર અથડાયું ત્યારે હેલ્મેટ પહેરી નહોતી એટલે માથામાં ગંભીર ઈજા થવાથી ઘટનાસ્થળે જ મૃત્યુ પામ્યા હતા

અકસ્માતમાં જીવ ગુમાવનારા મામા પ્રહલાદ માળી અને ભાણેજ મનોજ જોગારી.

મુંબઈ-અમદાવાદ નૅશનલ હા​ઇવે પર વિરાર-ઈસ્ટમાં આવેલા ભારોળ ગામ પાસે ગઈ કાલે સવારના ૮.૩૦ વાગ્યે એક ટૂ-વ્હીલર બ્રિજ પરની લોખંડની જાળી સાથે અથડાતાં ૨૪ વર્ષના પ્રહલાદ માળી અને ૨૦ વર્ષના મનોજ જોગારીને માથામાં ગંભીર ઈજા થવાથી તેમનાં મૃત્યુ થયાં હોવાની ઘટના બની હતી. વિરારની માંડવી પોલીસના જણાવ્યા મુજબ પ્રહલાદ અને મનોજ મામા-ભાણેજ હતા. તેમણે હેલ્મેટ પહેરી નહોતી એટલે જીવ ગુમાવ્યા હોવાનું પ્રાથમિક તપાસમાં જણાઈ આવ્યું હતું.

માંડવી પોલીસ-સ્ટેશનના એક અધિકારીએ જણાવ્યું હતું કે ‘ધુળેટીમાં રંગે રમવા માટે મામા પ્રહલાદ માળી અને ભાણેજ મનોજ જોગારી સવારના સિરસાટ ગામથી ભારોળ ગામ જવા ટૂ-વ્હીલર પર નીકળ્યા હતા. તેઓ હા​ઇવે પર ભારોળ ગામ નજીક હતા ત્યારે ટૂ-વ્હીલર પરથી નિયંત્રણ જતાં એ બ્રિજની લોખંડની જાળી સાથે અથડાયું હતું. આથી પ્રહલાદ અને મનોજ હા​ઇવે પર પટકાયા હતા. તેમણે હેલ્મેટ નહોતી પહેરી એટલે માથામાં હૅમરેજ થતાં ઘટનાસ્થળે જ દમ છોડી દીધો હતો. મામા-ભાણેજનાં એકસાથે આવી રીતે અચાનક મૃત્યુ થતાં હોળીની ઉજવણી તેમના પરિવાર માટે માતમમાં ફેરવાઈ ગઈ છે. અમે આકસ્મિક મૃત્યુનો કેસ નોંધીને તપાસ શરૂ કરી છે.’

virar holi festivals national highway road accident mumbai police news mumbai mumbai news