13 October, 2026 07:36 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
તુષાર ગાંધી
ગાંધીજીના પ્રપૌત્ર તુષાર ગાંધી વિરુદ્ધ મુંબઈમાં ગામદેવી પોલીસ-સ્ટેશનમાં કૉક્રૉચ જનતા પાર્ટી (CJP)ના સમર્થનમાં ગેરકાયદે આંદોલનમાં ભાગ લેવા બદલ ફર્સ્ટ ઇન્ફર્મેશન રિપોર્ટ (FIR) નોંધવામાં આવ્યો છે. હવે તેમણે નવેમ્બર મહિનાના પહેલા અઠવાડિયામાં મુંબઈમાં આંદોલન કરવાની ચીમકી આપી છે. મંત્રાલયની બહાર આવેલા ગાંધીજીના સ્મારકની નજીક તે આંદોલન કરશે એવી જાહેરાત તેમણે પોતાના સત્તાવાર સોશ્યલ મીડિયા અકાઉન્ટ પર કરી હતી.
તુષાર ગાંધીએ પોસ્ટમાં જણાવ્યા મુજબ સૌપ્રથમ તે ડૉક્ટર બાબાસાહેબ આંબેડકરના આશીર્વાદ લઈને તેમના સ્મારકથી પોતાની માર્ચ શરૂ કરશે અને ત્યાર પછી મંત્રાલય પાસે આવેલા ગાંધીજીના સ્મારક પાસે બેસીને આંદોલન કરશે. તેમણે કહ્યું હતું કે ‘જ્યારે સરકાર વિરુદ્ધ આંદોલન કરવામાં આવે છે ત્યારે એ સરકાર જ્યાં બેઠેલી હોય ત્યાં જ કરવામાં આવે છે. હું જ્યાં આંદોલન કરવાનો છું એ પ્રતિબંધિત એરિયા છે, પણ હું આવા નિયમોમાં માનતો નથી. જેમને પણ એવું લાગતું હોય કે લોકશાહીને બચાવવા લડત ચલાવવી જોઈએ તેમનું આ આંદોલનમાં સ્વાગત છે.’
તુષાર ગાંધીએ પોસ્ટમાં પોલીસ-કાર્યવાહી માટે તૈયાર રહેવાની ચેતવણી આપતાં કહ્યું હતું કે ‘તમારે પોલીસના બળપ્રયોગનો સામનો કરવા માટે તૈયાર રહેવું પડશે. જ્યારે બળવો થાય છે ત્યારે કોઈની પરવાનગી લેવામાં નથી આવતી. હું કોઈ પરવાનગી લેવાનો નથી.’