12 April, 2026 07:37 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ટીચર સ્વીડલ ગોમ્સ.
વિરારમાં મુંબઈ–અમદાવાદ મહામાર્ગ પર શિરસાડ નાકા નજીક ગઈ કાલે સવારે થયેલા અકસ્માતમાં ૪૦ વર્ષની શિક્ષિકા સ્વીડલ ગોમ્સનું મૃત્યુ થયું હતું. આ મામલે માંડવી પોલીસે અકસ્માત કરીને ફરાર થઈ ગયેલા ટ્રક-ડ્રાઇવર સામે હિટ-ઍન્ડ-રનની ફરિયાદ નોંધીને તપાસ હાથ ધરી છે. વસઈના નિર્મલ વિસ્તારમાં રહેતી સ્વીડલ ગોમ્સ ગઈ કાલે સવારે સ્કૂલ જવા માટે શિરસાડ નાકા નજીક રસ્તો ક્રૉસ કરી રહી હતી ત્યારે વિરુદ્ધ દિશામાંથી આવતી ટ્રકે તેને ઉડાડી હતી. અકસ્માત એટલો ગંભીર હતો કે સ્વીડલનું ઘટનાસ્થળે જ મૃત્યુ થયું હતું. આ દુર્ઘટનાની ખબર પડતાં સ્કૂલના વિદ્યાર્થીઓ, શિક્ષકવર્ગ અને વાલીઓમાં શોકની લાગણી પ્રસરી ગઈ હતી. સ્થાનિક લોકોના જણાવ્યા મુજબ આ માર્ગ પર ભારે વાહનોની અવરજવર સતત વધી રહી છે અને ઘણી વાર ટ્રાફિકના નિયમોનું પાલન ન થતાં અકસ્માત વધી રહ્યા છે.
માંડવીના એક સિનિયર પોલીસ-અધિકારીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘ગઈ કાલે સવારે ૭ વાગ્યે શિરસાડ નાકા નજીક અકસ્માત થયો હતો. વિરારના મસ્કરપાડામાં આવેલી જિલ્લા પરિષદની પ્રાથમિક સ્કૂલની શિક્ષક સ્વીડલને વિરુદ્ધ દિશામાં આવતી ટ્રકે અડફેટે લીધી હતી જેમાં સ્વીડલ જમીન પર પડ્યા બાદ ટ્રકનાં ટાયર તેના શરીર પરથી ફરી વળ્યાં હતાં. અકસ્માત બાદ ટ્રકચાલક ઘટનાસ્થળેથી નાસી ગયો છે. તેના મૃતદેહને પોસ્ટમૉર્ટમ માટે લઈ જવાયો છે અને ફરાર ટ્રક-ડ્રાઇવરની શોધખોળ હાથ ધરવામાં આવી છે.’
બાંદરા-વરલી સી-લિન્ક પર શુક્રવારે મધરાત બાદ વરલીથી બાંદરા જતી લેનમાં ૧૮ વર્ષના યુવકે બેદરકારીપૂર્વક કાર ચલાવીને અન્ય કારને ટક્કર મારી દીધી હતી. જોકે આ અકસ્માતમાં કોઈને ઈજા નથી થઈ, પણ આ ઘટનાને લીધે થોડો વખત ટ્રાફિકની મૂવમેન્ટ ધીમી પડી ગઈ હતી.