28 January, 2026 07:41 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ભાંડુપ રેલવે-સ્ટેશન નજીક બેઠેલા ફેરિયાઓ. તેમણે ફરી રસ્તા પર કબજો જમાવી લીધો હોવાનો આરોપ સ્થાનિક નાગરિકોએ કર્યો છે.
રાહદારીઓએ નાછૂટકે જીવના જોખમે રસ્તા પર ચાલવું પડે છે જેને કારણે ટ્રાફિકની સમસ્યા થાય છે અને ઍક્સિડન્ટ થવાનો ડર રહે છે
ભાંડુપ-વેસ્ટમાં રેલવે-સ્ટેશનની બહાર બૃહન્મુંબઈ ઇલેક્ટ્રિક સપ્લાય ઍન્ડ ટ્રાન્સપોર્ટ (BEST)ની બસની થયેલી ગંભીર દુર્ઘટનાના થોડા જ સમયમાં પરિસ્થિતિ ફરીથી જૈસે થે થઈ ગઈ છે. ૨૯ ડિસેમ્બરે થયેલી આ દુર્ઘટનામાં ૪ લોકોએ જીવ ગુમાવ્યો હતો. બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કૉર્પોરેશન (BMC) આ ઘટના ભૂલી ગયું હોય એમ લાગે છે, કારણ કે ફેરિયાઓ અને ગેરકાયદે પાર્કિંગ કરતા લોકોએ ફરી રસ્તા પર કબજો જમાવી લીધો હોવાનો આરોપ સ્થાનિક નાગરિકોએ કર્યો છે. રસ્તા પર ગેરકાયદે પાર્કિંગ થતું હોવાથી રાહદારીઓને નાછૂટકે જીવના જોખમે રોડ પર ચાલવું પડે છે જેને કારણે ટ્રાફિકની સમસ્યા અને અકસ્માતનો ભય રહેલો છે.
ભાંડુપ સ્ટેશનની બહાર ફેરિયાઓ, રિક્ષાચાલકો અને આડેધડ પાર્કિંગ થવાને કારણે રસ્તો અત્યંત સાંકડો થઈ જાય છે જેને કારણે BESTની બસના ચાલકોને બસ ચલાવવામાં ભારે મુશ્કેલી પડે છે. આ જ કારણોસર ૨૯ ડિસેમ્બરે ગોઝારો અકસ્માત થયો હતો એમ જણાવતાં ભાંડુપના સ્ટેશન વિસ્તારમાં રહેતા સુમિત ઠક્કરે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘ભાંડુપમાં થયેલા અકસ્માત બાદ પોલીસ અને BMC હરકતમાં આવી હતી અને સ્ટેશન વિસ્તારને ફેરિયામુક્ત જાહેર કરીને દબાણો હટાવ્યાં હતાં. જોકે આ કાર્યવાહી માત્ર દેખાડા પૂરતી જ સાબિત થઈ છે, કારણ કે હવે ફરીથી ફેરિયાઓએ ત્યાં પોતાનો અડ્ડા જમાવી દીધો છે. BMC અને ફેરિયાઓની મિલીભગત છે. BMCની કાર્યવાહી માત્ર દેખાડા પૂરતી હોય છે. બીજા વૉર્ડમાંથી જ્યારે પણ સ્પેશ્યલ ટીમ કાર્યવાહી માટે આવવાની હોય ત્યારે BMCના અધિકારીઓ ફેરિયાઓને અગાઉથી જાણ કરી દે છે. પરિણામે એ દિવસે ફેરિયાઓ ધંધો બંધ રાખે છે. ફેરિયાઓ પાસેથી ઉઘરાવવામાં આવતી રકમ (હપ્તા) અધિકારીઓ સુધી પહોંચે છે તેથી કોઈ નક્કર પગલાં લેવાતાં નથી. ફેરિયાઓને કારણે રસ્તા પર ચાલવું મુશ્કેલ બની ગયું છે. BMCએ માત્ર દેખાડાની કાર્યવાહી કરવાને બદલે કાયમી ઉકેલ લાવવો જોઈએ, કારણ કે જો આવી જ સ્થિતિ રહી તો ભૂતકાળમાં બનેલી ઘટના ભવિષ્યમાં ફરી બની શકે છે.’