23 January, 2025 01:39 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
માહિમ અને બાંદરા વચ્ચે મીઠી નદી પરનો જૂનો થઈ ગયેલો બ્રિજ સમારકામ કરીને રીસ્ટોર કરવાનો હોવાથી વેસ્ટર્ન રેલવેએ શુક્રવારે અને શનિવારે રાત્રે સ્પેશ્યલ નાઇટ બ્લૉક લીધો છે જેના કારણે ૨૭૭ લોકલ ટ્રેનો કૅન્સલ થશે. કેટલીક ટ્રેનો શૉર્ટ ટર્મિનેટ કરાશે. આને લીધે ગુજરાતથી આવનારી કેટલીક ટ્રેનો બોરીવલી પર જ શૉર્ટ ટર્મિનેટ કરી ત્યાંથી જ પાછી ફરવાની છે. એથી પ્રવાસીઓએ એ સમય દરમ્યાન પ્રવાસ કરતા પહેલાં શેડ્યુલની પૂરતી ખાતરી કરીને પ્રવાસ કરવો એવું વેસ્ટર્ન રેલવે દ્વારા કહેવામાં આવ્યું છે. માહિમ અને બાંદરા વચ્ચે મીઠી નદી પર ૧૮૮૮માં બનાવવામાં આવેલા આ બ્રિજનું સ્ક્રૂનું પાઇલિંગ હોવાથી રેલવેના એન્જિનિયરો બ્લૉક દરમ્યાન એના ૮ પિલરનું કૉન્ક્રીટાઇઝેશન કરવાના છે.
બ્લૉક ક્યારથી ક્યાં સુધી ૨૪ જાન્યુઆરીએ રાતના ૧૧ વાગ્યાથી બીજા દિવસે પચીસમી જાન્યુઆરીએ સવારના ૮.૩૦ વાગ્યા સુધી ચર્ચગેટથી છૂટતી અને ચર્ચગેટ આવતી સ્લો ટ્રેનો જે લાઇન પર દોડે છે એ ટ્રૅક પર બ્લૉક રહેશે, જ્યારે ચર્ચગેટથી બોરીવલી તરફ જતી ફાસ્ટ લેન પર મધરાતના સાડાબારથી સવારના ૬.૩૦ સુધી બ્લૉક રહેશે.
પચીસમી જાન્યુઆરીએ રાતના ૧૧ વાગ્યાથી ૨૬ જાન્યુઆરીએ સવારના ૮.૩૦ સુધી ચર્ચગેટથી છૂટતી અને ચર્ચગેટ આવતી સ્લો ટ્રેનો જે લાઇન પર દોડે છે એ ટ્રૅક પર બ્લૉક રહેશે, જ્યારે બોરીવલીથી ચર્ચગેટ આવતી ફાસ્ટ ટ્રેનની લેન પર રાતના ૧૧થી સવારના ૭.૩૦ સુધી બ્લૉક રહેશે. આ બ્લૉક દરમ્યાન કેટલીક લોકલ ટ્રેનો શૉર્ટ ટર્મિનેટ પણ કરવામાં આવી છે.