ઘરફોડીની અડધી સદી કરનારો આરોપી આખરે પકડાયો

13 February, 2025 07:04 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

કલ્યાણ ક્રાઇમ બ્રાન્ચે ધરપકડ કરીને ચોરાયેલી ૫૪.૨૦ લાખની માલમતા જપ્ત કરી, પોલીસે દાગીના ખરીદનાર સુકેશ કોટિયનની પણ ધરપકડ કરી છે. રીઢો આરોપી લક્ષ્મણ બંધ મકાનને ટાર્ગેટ કરીને ચોરી કરતો હતો.

કલ્યાણ ક્રાઇમ બ્રાન્ચે લક્ષ્મણ શિવશરણની ધરપકડ કરી હતી.

થાણેના અલગ-અલગ વિસ્તારની હાઇફાઇ સોસાયટી તેમ જ કારખાનાંઓમાં પચાસથી વધુ ઘરફોડચોરી કરનાર ૪૭ વર્ષના લક્ષ્મણ શિવશરણને ઝડપી લેવામાં કલ્યાણ ક્રાઇમ બ્રાન્ચને સોમવારે સફળતા મળી હતી. આ મામલે પોલીસે દાગીના ખરીદનાર સુકેશ કોટિયનની પણ ધરપકડ કરી છે. રીઢો આરોપી લક્ષ્મણ બંધ મકાનને ટાર્ગેટ કરીને ચોરી કરતો હતો. પોલીસે તેની પાસેથી ૫૪.૨૦ લાખ રૂપિયાના દાગીના તેમ જ કૅશ રૂપિયા જપ્ત કર્યા છે. 

લક્ષ્મણે થાણેથી બદલાપુર વચ્ચેના તમામ વિસ્તારોમાં ચોરી કરી છે એટલું જ નહીં, એ પહેલાં તેની ૩૨ વખત ધરપકડ થઈ છે. ચોરીના ગુનામાં પકડાયા બાદ જેલમાંથી છૂટ્યા પછી તે ફરી ચોરી કરતો હોવાનું જણાયું હતું એમ જણાવતાં કલ્યાણ ક્રાઇમ બ્રાન્ચના સિનિયર ઇન્સ્પેક્ટર અજિત શિંદેએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘ડોમ્બિવલીના વિષ્ણુનગરમાં જાન્યુઆરીની શરૂઆતમાં એક ખાલી ઘરનો દરવાજો તોડીને આશરે સાડાત્રણ લાખ રૂપિયાની માલમતા ચોરાઈ હતી. એની તપાસ કરતાં રેકૉર્ડ પરના આરોપી લક્ષ્મણનો ચોરીમાં સહભાગ હોવાનું દેખાતાં ભિવંડીથી તેની ધરપકડ કરવામાં આવી હતી. વધુ તપાસમાં તેણે પચાસથી વધુ ખાલી ઘરોને ટાર્ગેટ કરીને ચોરી કરી હોવાની કબૂલાત કરી હતી. એ પછી તેનો રેકૉર્ડ તપાસતાં તેણે ડોમ્બિવલી, કલ્યાણ, થાણે, ઘોડબંદર, બદલાપુર, ઉલ્હાસનગર, ભિવંડી, કળવા સહિત વિવિધ વિસ્તારોમાં ચોરી કરી હોવાનું જાણવા મળ્યું છે. 

આરોપી પાસેથી અમે ૫૪.૨૦ લાખ રૂપિયાની માલમતા જપ્ત કરી વધુ પૂછપરછ હાથ ધરી છે. લક્ષ્મણે ચોરીના દાગીના મીરા રોડમાં સુકેશ કોટિયન નામના જ્વેલરને વેચ્યા હોવાનું જણાતાં અમે તેની પણ ધરપકડ કરી છે. સુકેશ અડધા ભાવે લક્ષ્મણ પાસેથી દાગીના ખરીદતો હતો.’

mumbai news mumbai thane thane crime kalyan kalyan dombivali municipal corporation Crime News mumbai crime news