25 November, 2024 12:14 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
સંજય રાઉત
આવા આરોપો કરવાની સાથે ઉદ્ધવસેનાના આ નેતાએ ભૂતપૂર્વ ચીફ જસ્ટિસ ડી. વાય. ચંદ્રચૂડને પણ ન છોડ્યા: કહે છે કે વિધાનસભ્યોની અપાત્રતાના મુદ્દે નિર્ણય ન આપ્યો હોવાથી ઇતિહાસ તેમને ક્યારેય માફ નહીં કરે અને તેમનું નામ કાળી શાહીથી લખાશે
લોકસભાની ચૂંટણીમાં જે રીતે મહારાષ્ટ્ર અને ઉત્તર પ્રદેશમાં હારનો સામનો કરવો પડ્યો હતો એ જોયા બાદ એમાંથી બોધપાઠ લઈને ભારતીય જનતા પાર્ટી (BJP) અને ખાસ કરીને વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પહેલાં હરિયાણા અને હવે મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણીમાં પાર્ટીને જીત અપાવી.
જ્યારે બીજી બાજુ રોજ સવારે વાણીવિલાસ કરતા ઉદ્ધવ ઠાકરેની શિવસેનાના નેતા સંજય રાઉત શનિવારના કારમા પરાજય પરથી કોઈ પાઠ લેવા ઇચ્છતા ન હોવાનું લાગે છે એટલે જ ચૂંટણી પૂરી થઈ ગઈ હોવા છતાં એનાં રિઝલ્ટને સ્વીકારીને નવી રણનીતિ સાથે મહારાષ્ટ્રના મતદારો સમક્ષ જવાને બદલે હજી રાજ્યના લોકોને ગુજરાત અને ગુજરાતીઓ સામે ભડકાવવાનું તેમણે ચાલુ જ રાખ્યું છે.
ગઈ કાલે તેમણે સવારના ‘બુલેટિન’માં કહ્યું હતું કે ‘આવાં પરિણામની અપેક્ષા કોઈને નહોતી, રાજ્યમાં કોઈ લહેર નહોતી, મહારાષ્ટ્રના લોકો નરેન્દ્ર મોદી અને અમિત શાહને વોટ શું કામ આપે? પૂરો ચૂંટણીપ્રચાર તેમની ખિલાફ કરવામાં આવ્યો છે, કારણ કે મહારાષ્ટ્રને લૂંટવાનું તેમણે કારસ્તાન ઘડ્યું હતું. અહીંથી તેઓ ઉદ્યોગ ગુજરાત લઈ ગયા હોવાથી શું લોકોએ તેમને વોટ આપ્યો હશે? શું રાજ્યના મતદારોએ એવું કહ્યું હશે કે સારું થયું તમે અમારો રોજગાર લઈ ગયા, અમે તમને જ મત આપીશું? અદાણીના પૈસાથી આ ચૂંટણી જીતવામાં આવી છે. આ બધા માટે જો કોઈ જવાબદાર હોય તો તે ભૂતપૂર્વ ચીફ જસ્ટિસ ડી. વાય. ચંદ્રચૂડ છે. તેમણે વિધાનસભ્યોના અપાત્રતાના મુદ્દે સમય પર નિર્ણય ન આપ્યો. આ તેમની જવાબદારી બને છે. ઇતિહાસ ક્યારેય ચંદ્રચૂડસાહેબને માફ નહીં કરે. તેમનું નામ કાળી શાહીથી લખવામાં આવશે. મહારાષ્ટ્ર આ યાદ રાખશે.’
નવાઈની વાત એ છે કે સંજય રાઉત ભૂતપૂર્વ મુખ્ય ન્યાયમૂર્તિ માટે પણ એલફેલ બોલ્યા હતા. આ પહેલાં ચૂંટણી વખતે તેમણે વેપારીઓને ચોર, સ્વાર્થી, લોભી પણ કહ્યા હતા જેનો વેપારી આલમે સખત વિરોધ પણ કર્યો હતો.