દાઉદના ડ્રગ્ઝના વેપલાના મોટા સાથી સલીમ ડોલાને મુંબઈમાં પૂછપરછ માટે લવાશે

29 April, 2026 03:04 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

1966માં મુંબઈના ભાયખલા વિસ્તારમાં જન્મેલો સલીમ ડોલા નાની ઉંમરે જ ગુનાખોરીની દુનિયામાં પ્રવેશી ગયો હતો. છોટા શકીલ સાથેના સંબંધો દ્વારા તે દાઉદ ઈબ્રાહિમની ડી કંપનીમાં સામેલ થયો હતો. શરૂઆતમાં ગુટખા અને ગાંજાની તસ્કરી કરતો ડોલા ડ્રગ્સના વેપલામાં આવ્યો.

સલીમ ડોલા

ભારતીય ગુપ્તચર સંસ્થાઓ અને ડ્રગ્સ વિરોધી એજન્સીઓને મળેલી એક મોટી સફળતામાં અંડરવર્લ્ડ ડોન દાઉદ ઈબ્રાહિમનો નજીકનો સાથી અને આંતરરાષ્ટ્રીય ડ્રગ માફિયા સલીમ ડોલાને તુર્કીથી ડિપોર્ટ કરીને ભારત લાવવામાં આવ્યો છે. ઓપરેશન ગ્લોબલ હન્ટ હેઠળ હાથ ધરાયેલા આ ગુપ્ત અને સંકલિત મિશન બાદ હવે તેને આજે સાંજે 5 વાગ્યા પછી મુંબઈ લાવવામાં આવશે જ્યાં તેની વિગતવાર પૂછપરછ થશે.

સલીમ ડોલાની ધરપકડ અને તેને ભારત લાવવાની સમગ્ર પ્રક્રિયા એક હાઈ પ્રોફાઈલ આંતરરાષ્ટ્રીય ઓપરેશન તરીકે સામે આવી છે. ઈસ્તાંબુલમાં તુર્કીની નેશનલ ઈન્ટેલિજન્સ ઓર્ગેનાઈઝેશન MIT અને સ્થાનિક પોલીસે સંયુક્ત કાર્યવાહી કરીને તેને બેયલિકદુઝુ વિસ્તારમાંથી ઝડપી લીધો હતો. તે ત્યાં નકલી ઓળખ અને બનાવટી દસ્તાવેજોના આધારે છુપાયો હતો અને ઘણા સમયથી વિવિધ દેશોની એજન્સીઓની નજરમાં હતો.

મંગળવારે વહેલી સવારે એક ખાસ વિમાન દ્વારા તેને દિલ્હી લાવવામાં આવ્યો હતો. ઈન્દિરા ગાંધી ઈન્ટરનેશનલ એરપોર્ટ પર ઉતરતાની સાથે જ નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો એ તેની કસ્ટડી સંભાળી હતી અને ત્યાં જ તેની પ્રાથમિક પૂછપરછ કરવામાં આવી હતી. હવે તેને વધુ તપાસ માટે મુંબઈ લઈ જવામાં આવી રહ્યો છે જ્યાં NCB અને મુંબઈ પોલીસ તેની કસ્ટડી મેળવશે.

સલીમ ડોલાની હિસ્ટ્રી જ્યોગ્રોફી

1966માં મુંબઈના ભાયખલા વિસ્તારમાં જન્મેલો સલીમ ડોલા નાની ઉંમરે જ ગુનાખોરીની દુનિયામાં પ્રવેશી ગયો હતો. છોટા શકીલ સાથેના સંબંધો દ્વારા તે દાઉદ ઈબ્રાહિમની ડી કંપનીમાં સામેલ થયો હતો. શરૂઆતમાં ગુટખા અને ગાંજાની તસ્કરી કરતો ડોલા ધીમે ધીમે ડ્રગ્સના મોટા વેપારમાં પ્રવેશ્યો.

1998માં મુંબઈ એરપોર્ટ પર 40 કિલો મૅન્ડ્રેક્સ સાથે તેની પહેલી મોટી ધરપકડ થઈ હતી. તે સમયે કેસ પુરાવાના અભાવે નબળો પડતા તે છૂટી ગયો હતો. પરંતુ આ ઘટના પછી તેણે પોતાના નેટવર્કને વધુ મજબૂત બનાવ્યું અને માત્ર સ્મગલિંગથી આગળ વધી સિંથેટિક ડ્રગ્સના પ્રોડક્શન અને સપ્લાયમાં પ્રવેશ કર્યો.

સમય જતાં તે MDMA અને મેફેડ્રોન જેવા ડ્રગ્સના ઉત્પાદન અને સપ્લાયનો મુખ્ય કડી બની ગયો. મહારાષ્ટ્ર ગુજરાત કર્ણાટક મધ્ય પ્રદેશ અને ઉત્તર પ્રદેશ જેવા રાજ્યોમાં ફેક્ટરીઓ ઉભી કરીને તેણે સમગ્ર સપ્લાય ચેન કંટ્રોલ કરી હતી. અધિકારીઓના અંદાજ મુજબ તેણે લગભગ 5000 કરોડ રૂપિયાનું આંતરરાષ્ટ્રીય ડ્રગ સામ્રાજ્ય ઉભું કર્યું હતું જે મધ્ય પૂર્વ આફ્રિકા અને યુરોપ સુધી ફેલાયેલું હતું.

2018માં ફરી એક વખત તેની ધરપકડ કરવામાં આવી હતી જ્યારે તેની પાસેથી મોટી માત્રામાં સંદિગ્ધ પદાર્થ મળ્યો હતો. જોકે ફોરેન્સિક તપાસમાં તે માત્ર કેમિકલ પ્રિકર્સર નીકળતા તેને જામીન મળી ગયા હતા. જામીન બાદ તે નિયમિત હાજરી આપવાને બદલે દેશ છોડીને પશ્ચિમ એશિયામાં ફરાર થઈ ગયો હતો અને ત્યાંથી પોતાનું નેટવર્ક સંચાલિત કરતો રહ્યો હતો.

ખાસ્સા સમયથી હતો વૉન્ટેડ

છેલ્લા કેટલાક વર્ષોમાં ભારતીય એજન્સીઓએ તેના નેટવર્કને તોડવા માટે સતત કાર્યવાહી કરી હતી. 2024માં તેના વિરુદ્ધ ઇન્ટરપોલનું રેડ કોર્નર નોટિસ જારી કરવામાં આવ્યું હતું. 2025માં તેના પુત્ર તાહિર ડોલા અને અન્ય સાગરીતોને UAEમાંથી પકડીને ભારત લાવવામાં આવ્યા હતા. તેના નજીકના સાથીઓની ધરપકડથી તેના નેટવર્કને નબળું બનાવવામાં આવ્યું હતું.

આ સમગ્ર ઓપરેશનમાં ભારતની એજન્સીઓએ આંતરરાષ્ટ્રીય એજન્સીઓ સાથે સંકલન કરીને મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે. ગૃહમંત્રી અમિત શાહે આ સફળતા પર પ્રતિક્રિયા આપતા જણાવ્યું છે કે ડ્રગ્સના કિંગપિન્સ હવે દુનિયાના કોઈપણ ખૂણે છુપાઈને સુરક્ષિત રહી શકશે નહીં.

હવે સલીમ ડોલાને મુંબઈ લાવવામાં આવ્યા બાદ તેની કસ્ટોડિયલ પૂછપરછ ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે. અધિકારીઓને આશા છે કે તેની પૂછપરછથી આંતરરાષ્ટ્રીય ડ્રગ રૂટ્સ ડી કંપની સાથેના સીધા સંબંધો નાણાકીય નેટવર્ક અને અન્ય મોટા કિંગપિન્સ અંગે મહત્વપૂર્ણ માહિતી મળી શકે છે.

આ કેસ માત્ર એક વ્યક્તિની ધરપકડ નહીં પરંતુ ભારત દ્વારા આંતરરાષ્ટ્રીય સ્તરે ડ્રગ્સ અને સંગઠિત ગુનાખોરી સામે હાથ ધરવામાં આવેલી મજબૂત કાર્યવાહી તરીકે જોવામાં આવી રહ્યો છે.

 

dawood ibrahim Narcotics Control Bureau turkey new delhi mumbai crime news mumbai news amit shah