28 February, 2025 10:54 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
બદલાપુર-વેસ્ટના માંજર્લી વિસ્તારમાં જ્ઞાનપ્રભા આશ્રમમાંથી શનિવારે રાતે આશરે ત્રણ લાખ રૂપિયાની રોકડ અને દસ્તાવેજોની ચોરી થઈ હોવાની ફરિયાદ ગઈ કાલે સવારે બદલાપુર પોલીસ-સ્ટેશનમાં નોંધાઈ હતી. મુખ્ય મહારાજ સાથે આશ્રમનો સ્ટાફ મહાકુંભમાં પ્રયાગરાજ ગયો હતો એનો લાભ લઈ ખાલી પડેલા આશ્રમમાં ચોરી થઈ હતી. ચોરોએ આશ્રમમાં બેસાડેલા ક્લોઝ્ડ સર્કિટ ટેલિવિઝન (CCTV) કૅમેરા સાથે પણ છેડછાડ કરી હોવાનું પોલીસ-તપાસમાં જણાયું છે.
આશ્રમના મુખ્ય મહારાજની રૂમમાં રાખેલા રૂપિયા ચોરવા માટે CCTV કૅમેરા સાથે ચેડાં કરવામાં આવ્યાં હતાં એ જોતાં અમે આશ્રમની આસપાસના CCTV કૅમેરાની મદદથી આરોપી સુધી પહોંચવાની કોશિશ કરી રહ્યા છીએ એમ જણાવતાં બદલાપુર-વેસ્ટ પોલીસ સ્ટેશનના સિનિયર ઇન્સ્પેક્ટર અનિલ થોરવેએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘બદલાપુર સાથે આસપાસના વિસ્તારોમાં જ્ઞાનપ્રભા આશ્રમ પ્રસિદ્ધ છે એટલે અહીં ઘણા ભક્તો આવે છે. ડિસેમ્બરના અંતમાં આશ્રમના મુખ્ય મહારાજ અભેદાનંદગિરિ સાથે બીજા મહારાજ અને તમામ સ્ટાફ પ્રયાગરાજ મહાકુંભમાં ગયો હતો. અમુક મહારાજ શનિવારે પાછા આવતાં અભેદાનંદ મહારાજની રૂમમાં રાખેલા ત્રણ લાખ રૂપિયા અને જરૂરી દસ્તાવેજો ચોરાઈ ગયા હોવાનું જાણવા મળ્યું હતું, આ મામલે અમે વધુ તપાસ કરી રહ્યા છીએ.’