25 November, 2024 12:14 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ઉદ્ધવ ઠાકરે, રાજ ઠાકરે
મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણીમાં રાજ ઠાકરે તેમના પુત્ર અમિત ઠાકરે સહિત મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (MNS)ના એક પણ ઉમેદવારને વિજયી બનાવી શક્યા નથી, પણ તેમણે મુંબઈ સહિત રાજ્યભરમાં સ્વતંત્ર ૧૨૮ ઉમેદવાર ઊભા રાખવાથી ઉદ્ધવ ઠાકરેના ૧૦ ઉમેદવારો તરી ગયા છે. રાજ ઠાકરેના ઉમેદવારોએ મરાઠી મતોનું વિભાજન કરતાં આદિત્ય ઠાકરે, વરુણ સરદેસાઈ અને સુનીલ પ્રભુની બેઠક સેફ બની ગઈ હતી. ઉદ્ધવ ઠાકરેની પાર્ટીને કુલ ૨૦ બેઠક મળી હતી.
વરલી
આ બેઠક પર શિવસેના (UBT)ના આદિત્ય ઠાકરેનો શિવસેનાના મિલિંદ દેવરા સામે ૮૦૦૧ મતથી વિજય થયો હતો. અહીં રાજ ઠાકરેએ MNSના સંદીપ દેશપાંડેને ઉમેદવારી આપતાં તેમને ૧૯,૩૬૭ મત મળ્યા હતા.
માહિમ
આ બેઠક પર શિવસેનાના સદા સરવણકર અને શિવસેના (UBT) વચ્ચે સીધો મુકાબલો હતો, પરંતુ રાજ ઠાકરેએ તેમના પુત્ર અમિત ઠાકરેને મેદાનમાં ઉતારતાં ત્રિપાંખિયો જંગ થયો હતો. એમાં શિવસેના (UBT)ના મહેશ સાવંતનો ૧૩૧૬ મતથી શિવસેનાના સદા સરવણકર સામે વિજય થયો હતો. અમિત ઠાકરેને ૧૭,૧૫૧ મત મળ્યા હતા.
બાંદરા-ઈસ્ટ
આ બેઠક પર નૅશનલિસ્ટ કૉન્ગ્રેસ પાર્ટી (NCP)ના ઝીશાન સિદ્દીકી અને શિવસેના (UBT)ના વરુણ દેસાઈ સામે સીધો મુકાબલો હતો, જેમાં વરુણ સરદેસાઈનો ૧૧,૩૬૫ મતથી વિજય થયો હતો. રાજ ઠાકરેએ અહીં તૃપ્તિ સાવંતને ઉમેદવારી આપી હતી, જેને ૧૬,૦૭૪ મત મળ્યા હતા.
વર્સોવા
આ બેઠક પર BJPએ બે ટર્મનાં વિધાનસભ્ય ડૉ. ભારતી લવેકરને રિપીટ કર્યાં હતાં તો શિવસેના (UBT)એ હારૂન ખાનને ઉમેદવારી આપી હતી, જેમનો ૧૬૦૦ મતથી વિજય થયો હતો. રાજ ઠાકરેએ અહીં સંદીપ દેસાઈને ઉમેદવારી આપી હતી, જેમને ૫૦૩૭ મત મળ્યા હતા.
કાલિના
આ બેઠક પર BJPના અમરજિત સિંહ અને શિવસેના (UBT)ના સંજય પોતનીસ વચ્ચે મુકાબલો હતો, જેમાં સંજય પોતનીસનો ૫૦૦૮ મતથી વિજય થયો હતો. રાજ ઠાકરેએ અહીં બાલકૃષ્ણ હુટગીને ઉમેદવારી આપતાં તેમને ૬૦૬૨ મત મળ્યા હતા.
દિંડોશી
આ બેઠક પર શિવસેના (UBT)ના સિટિંગ વિધાનસભ્ય સુનીલ પ્રભુ અને શિવસેનાના સંજય નિરુપમ વચ્ચે મુકાબલો હતો, જેમાં સુનીલ પ્રભુનો ૬૧૮૨ મતથી વિજય થયો હતો. રાજ ઠાકરેએ અહીં ભાસ્કર પરબને ઉમેદવારી આપતાં તેમને ૨૦,૩૦૯ મત મળ્યા હતા.
જોગેશ્વરી-ઈસ્ટ
આ બેઠક પર શિવસેનાનાં સંસદસભ્ય મનીષા વાયકરનો મુકાબલો શિવસેના (UBT)ના અનંત નર સાથે હતો, જેમાં અનંત નરનો ૧૫૪૧ મતથી વિજય થયો હતો. રાજ ઠાકરેએ અહીં ભાલચંદ્ર અંબુરેને ઉમેદવારી આપતાં તેમને ૧૨,૮૦૫ મત મળ્યા હતા.
વિક્રોલી
આ બેઠક પર શિવસેનાનાં સુવર્ણા રૂપવતે અને શિવસેના (UBT)ના સિટિંગ વિધાનસભ્ય સુનીલ રાઉતનો મુકાબલો હતો, જેમાં સુનીલ રાઉતનો ૧૫,૫૨૬ મતથી વિજય થયો હતો. રાજ ઠાકરેએ અહીં વિશ્વજિત ઢોલમને ઉમેદવારી આપતાં તેમને ૧૬,૮૧૩ મત મળ્યા હતા.
ગુહાગર
કોંકણની આ બેઠક પર શિવસેના (UBT)ના ભાસ્કર જાધવનો મુકાબલો શિવસેનાના રાજેશ બેંડલ સાથે હતો, જેમાં ભાસ્કર જાધવનો ૨૮૩૦ મતથી વિજય થયો હતો. રાજ ઠાકરેએ અહીં પ્રમોદ ગાંધીને ઉમેદવારી આપતાં તેમને ૬૭૧૨ મત મળ્યા હતા.
વણી
આ બેઠક પર શિવસેના (UBT)ના સંજય દેવકર અને BJPના સંજી બોડકુરવારનો મુકાબલો હતો, જેમાં સંજય દેવકરનો ૧૫,૫૬૦ મતથી વિજય થયો હતો. રાજ ઠાકરેએ અહીં રાજુ ઉંબરકરને ઉમેદવારી આપતાં તેમને ૨૧,૯૭૭ મત મળ્યા હતા.