આ કેવી ગુંડાગીરી છે... પહલગામ આતંકવાદી હુમલા પર રાજ ઠાકરેએ આપ્યું કડક નિવેદન

24 April, 2025 07:00 AM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

Raj Thackeray on Pahalgam Terror Attack: જમ્મુ-કાશ્મીરના પહલગામમાં થયેલા આતંકવાદી હુમલા પર મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાના પ્રમુખ રાજ ઠાકરેએ પ્રતિક્રિયા આપી છે. તેમણે પોતાના પક્ષ વતી આ હુમલાની નિંદા કરી છે.

રાજ ઠાકરે (ફાઇલ તસવીર)

જમ્મુ-કાશ્મીરના પહલગામમાં થયેલા આતંકવાદી હુમલા પર મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાના પ્રમુખ રાજ ઠાકરેએ પ્રતિક્રિયા આપી છે. તેમણે પોતાના પક્ષ વતી આ હુમલાની નિંદા કરી છે. રાજ ઠાકરેએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ `X` પોસ્ટ શૅર કરી કહયું હતું કે `મનસે વતી, આ હુમલામાં મૃત્યુ પામેલા લોકોને હું હૃદયપૂર્વક શ્રદ્ધાંજલિ આપું છું. આ ઘટના અત્યંત ગંભીર છે અને આ મુશ્કેલ સમયમાં, મહારાષ્ટ્ર નવનિર્માણ સેના સરકારની સાથે સમર્થનમાં ઉભી છે.

રાજ ઠાકરેએ વધુમાં લખ્યું કે, "કેન્દ્ર સરકારે આ હુમલાખોરોને એવી સજા આપવી જોઈએ કે આવનારી દસ પેઢીઓ પણ આ ઘટનાને યાદ કરીને ધ્રૂજી જાય. 1972માં મ્યુનિક ઓલિમ્પિક દરમિયાન જ્યારે પેલેસ્ટિનિયન આતંકવાદીઓએ ઇઝરાયલી ખેલાડીઓ પર હુમલો કર્યો હતો, ત્યારે ઇઝરાયલે તે આતંકવાદીઓ અને આ હુમલાના માસ્ટરમાઇન્ડ્સને એવી રીતે ખતમ કરી દીધા હતા કે પેલેસ્ટિનિયનો આવા હુમલા કરવાના વિચાર કરવાથી પણ ડરતા હતાં. ભારત અને ઇઝરાયલ વચ્ચે મજબૂત સંબંધો છે. 

આતંકવાદીઓને જડમૂળથી ખતમ કરી નાખવા જોઈએ - રાજ ઠાકરે
મનસેના વડાએ આગળ લખ્યું, "અમને આશા છે કે કેન્દ્ર સરકાર ઇઝરાયલી સરકારના પગલે ચાલશે અને આ આતંકવાદીઓ અને તેમના સમર્થકોને હંમેશા માટે ખતમ કરશે." તમને આગળ લખ્યું કે "આ હુમલા વિશે વાંચતી વખતે, એક ખૂબ જ ચોંકાવનારી વાત સામે આવી. આ હુમલો નજરે જોનાર એક મહિલાએ જણાવ્યું કે ગોળીબાર કરતી વખતે હુમલાખોરો સામે બેઠેલા વ્યક્તિનો ધર્મ પૂછી રહ્યા હતા. આ કેવી ગુંડાગીરી છે?"

આપણે બધા હિન્દુઓ એક થઈને રહીશું
ઠાકરેએ કહ્યું, "જેમ હું મારા ભાષણોમાં વારંવાર કહું છું, જો આ દેશમાં કોઈ હિન્દુઓ પર હુમલો કરશે, તો આપણે બધા હિન્દુઓ તેની સામે એક થઈને લડીશું. આ હુમલાખોરો પાછળ ગમે તેટલા માસ્ટરમાઇન્ડ છુપાયેલા હોય, તેણે આપણી એકતાની શક્તિનો ખ્યાલ હોવો જોઈએ."

જમ્મુ અને કાશ્મીરમાં હવે જમીન કોણ ખરીદશે?
રાજ ઠાકરેએ કહ્યું કે કેન્દ્ર સરકારે કલમ 370 હટાવી દીધી. આ પછી, કાશ્મીરમાં પરિસ્થિતિ અમુક હદ સુધી સામાન્ય થઈ રહી હતી અને પ્રવાસીઓની સંખ્યા પણ વધી રહી હતી. પણ હવે જો આવા હુમલા થવા લાગશે, તો ત્યાં જમીન કોણ ખરીદશે અને વ્યવસાય કોણ શરૂ કરશે? તેથી, કેન્દ્ર સરકારે આ બાબત પર ગંભીરતાથી વિચાર કરવો જોઈએ અને યોગ્ય પગલાં લેવા જોઈએ.

મનસે સરકારના સમર્થનમાં
છેલ્લે તેમણે લખ્યું, "અમને વિશ્વાસ છે કે સરકાર આ સમગ્ર મામલામાં યોગ્ય અને કડક પગલાં લેશે અને આ દેશના તમામ રાજકીય પક્ષો સરકારની સાથે ઉભા રહેશે. સરકારે આતંકવાદીઓને એકવાર એવો ફટકો આપવો જોઈએ જેથી ફરીથી આવા કોઈ હુમલા ન થાય. હું અન્ય પક્ષો વિશે કહી શકતો નથી, પરંતુ મહારાષ્ટ્ર નવનિર્માણ સેના ચોક્કસપણે સરકારની સાથે ઉભી રહેશે."

raj thackeray maharashtra navnirman sena narendra modi jammu and kashmir terror attack social media twitter mumbai news maharashtra news mumbai maharashtra news