મુંબઈ-થાણેમાં ચાર દિવસ કડાકાભડાકા સાથે વરસાદનો વર્તારો

31 May, 2026 08:16 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

આગામી થોડા દિવસોમાં વિદર્ભ અને મરાઠવાડાના કેટલાક જિલ્લાઓમાં વાતાવરણમાં પલટો આવશે

કાંદિવલીના ઠાકુર વિલેજમાં સવારે આકાશમાં કાળાં વાદળાં છવાયાં હતાં. (તસવીર - સતેજ શિંદે)

મુંબઈગરાઓ ગરમ અને ભેજવાળા હવામાનથી બેહાલ થઈ રહ્યા છે ત્યારે હવામાન ખાતાએ આવતા ચાર દિવસ સુધી મુંબઈ, થાણે, પાલઘર અને આસપાસના વિસ્તારોમાં વરસાદની આગાહી કરી છે.

શુક્રવારે મુંબઈમાં રાતનું તાપમાન ૨૯ ડિગ્રી પાર કરી ગયું હતું એટલે રાત્રે પણ બફારો અસહ્ય બન્યો હતો. રાજ્યમાં સૌથી ઓછું તાપમાન મહાબળેશ્વરમાં રહ્યું હતું. ૧૯.૪ ડિગ્રી લઘુતમ તાપમાન સાથે મહાબળેશ્વર રાજ્યનું સૌથી ઠંડું સ્થળ રહ્યું હતું, જ્યાં લોકોને ગરમીથી થોડી રાહત મળી હતી.

આગામી થોડા દિવસોમાં વિદર્ભ અને મરાઠવાડાના કેટલાક જિલ્લાઓમાં વાતાવરણમાં પલટો આવશે. આ વિસ્તારોમાં વીજળીના કડાકા, તીવ્ર ગતિએ ફૂંકાતો પવન (વાવાઝોડું) અને હળવાથી મધ્યમ વરસાદની શક્યતા દર્શાવવામાં આવી છે.

આંધી અને વરસાદને કારણે ઉત્તર પ્રદેશ અને બિહારમાં ૪૮નાં મોત

ઉત્તર પ્રદેશ અને બિહારમાં આંધી અને વરસાદે ગઈ કાલે પણ માઝા મૂકી હતી. વરસાદ અને વીજળી પડવાથી બન્ને રાજ્યોમાં થઈને કુલ ૪૮ લોકોએ જીવ ગુમાવ્યો હતો. અનેક વિસ્તારોમાં ભારે તારાજી સર્જાઈ છે. મોસમ વિભાગે જાહેર કરેલી અલર્ટ મુજબ ગઈ કાલે ઉત્તર પ્રદેશમાં તોફાની પવન સાથે વરસાદ પડ્યો હતો. ઉત્તર પ્રદેશમાં વૃક્ષો પડવાની, દીવાલો ધસી પડવાની અને વીજળી પડવાની અલગ-અલગ ઘટનાઓમાં કુલ ૩૧ જણે જીવ ગુમાવ્યો હતો. સહારનપુરમાં ભારે વરસાદમાં ૧૦થી વધુ ગાડીઓ પાણીમાં ગરકાવ થઈ ગઈ હતી. બિહારમાં વરસાદમાં નાળામાં તણાઈ જવાથી અને વીજળી પડવાથી ૧૭ લોકોનાં મૃત્યુ થયાં હતાં. રાજ્યમાં ભારે તોફાની પવન સાથેના વરસાદને કારણે ફ્લાઇટ્સ પણ પ્રભાવિત થઈ હતી. બન્ને રાજ્યોમાં હજી આજે પણ ૮૦થી ૯૦ કિલોમીટરની ગતિએ તોફાની પવન ફૂંકાવાની મોસમ વિભાગની આગાહી છે.

mumbai news mumbai mumbai rains monsoon news mumbai monsoon indian meteorological department palghar uttar pradesh bihar