14 January, 2025 11:41 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
કલ્યાણના APMC માર્કેટ પરિસરમાંથી જપ્ત કરવામાં આવેલી પ્લાસ્ટિકની થેલીઓ.
કલ્યાણની ઍગ્રિકલ્ચરલ પ્રોડ્યુસ માર્કેટ કમિટી (APMC) માર્કેટમાં વેપારી, દુકાનદાર અને છૂટક સામાન વેચતા લોકો પ્રતિબંધિત કરવામાં આવેલી પ્લાસ્ટિકની થેલીઓનો ઉપયોગ કરી રહ્યા હોવાની ફરિયાદ મળ્યા બાદ કલ્યાણ-ડોમ્બિવલી મહાનગરપાલિકા અને પ્રદૂષણ નિયંત્રણ વિભાગના અધિકારીઓએ ગઈ કાલે કલ્યાણના APMC માર્કેટ પરિસરમાં દરોડા પાડીને ૫૦૦ કિલો પ્લાસ્ટિકની થેલી જપ્ત કરી હતી. માર્કેટના ફૂલ બજારમાં સૌથી વધુ પ્રમાણમાં આવી થેલીઓ મળી હતી. પ્લાસ્ટિકની થેલીઓ જપ્ત કરવાની સાથે જેમની સામે કાર્યવાહી કરવામાં આવી હતી તેમને દંડ પણ કરવામાં આવ્યો હોવાનું કલ્યાણ-ડોમ્બિવલી મહાનગરપાલિકાના ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર (ઘન કચરા વિભાગ) અતુલ પાટીલે કહ્યું હતું. ઉલ્લેખનીય છે કે ૫૦ માઇક્રોનથી પાતળી પ્લાસ્ટિકની થેલીઓના ઉત્પાદન, સંગ્રહ, વેચાણ અને વપરાશ પર રાજ્ય સરકારે પ્રતિબંધ મૂક્યો હોવા છતાં ખુલ્લેઆમ આવી થેલીઓ વપરાય છે.