05 October, 2025 11:28 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ગઈ કાલે મેટ્રો 3ના સ્ટેશનનું ઇન્સ્પેક્શન કરી રહેલાં અશ્વિની ભિડે અને અન્ય અધિકારીઓ
ગોરેગામના આરેથી લઈને કફ પરેડ સુધીનો રૂટ ધરાવતી મેટ્રો 3 ઍક્વાલાઇન તબક્કાવાર ચાલુ કરવામાં આવી છે. હવે એનો અંતિમ અને ત્રીજો તબક્કો આચાર્ય અત્રે ચોકથી કફ પરેડનો પણ તૈયાર થઈ ગયો છે. બુધવારે ૮ ઑક્ટોબરે એનું ઉદ્ઘાટન કરવા ખુદ વડા પ્રધાન નરેન્દ્ર મોદી મુંબઈ આવી રહ્યા છે ત્યારે કોઈ પણ બાબત ચૂકી ન જવાય અને પ્રવાસીઓને પણ કોઈ અગવડ ભોગવવી ન પડે એ માટે મુંબઈ મેટ્રો રેલ કૉર્પોરેશન (MMRC)ના મૅનેજિંગ ડિરેક્ટર અશ્વિની ભિડેએ અન્ય ઉચ્ચ અધિકારીઓ સાથે ગિરગામ, કાલબાદેવી અને વિધાનભવન સ્ટેશનની મુલાકાત લઈને જાતે તપાસ કરી હતી.
હજી ગયા અઠવાડિયે આચાર્ય અત્રે ચોક જઈ રહેલી એક ટ્રેનમાં ટેક્નિકલ ફૉલ્ટ આવતાં ટ્રેન સાંતાક્રુઝ ખાતે જ રોકી દેવાઈ હતી. ટ્રેન ખાલી કરાવાઈ હતી અને ત્યાર બાદ એ BKCની લૂપ લાઇન પર લઈ જવાઈ હતી. એથી ઉદ્ઘાટન વખતે એવું ન બને એ માટે પુષ્કળ કાળજી રાખવામાં આવી રહી છે.
એ ઇન્સ્પેક્શનમાં સ્ટેશનનાં પ્લૅટફૉર્મ, પૅસેન્જર્સની ફૅસિલિટી, ઇન્ટીરિયર ફિનિશિંગ અને લોકોની સેફ્ટી જાળવવાના ઑપરેશનલ પ્રોટોકૉલનું પાલન થઈ રહ્યું છે કે નહીં એની ચકાસણી પણ કરવામાં આવી હતી.
અન્ડરગ્રાઉન્ડ મેટ્રોના પહેલા તબક્કામાં આરેથી બાંદરા-કુર્લા કૉમ્પ્લેક્સ (BKC) સુધી અને બીજા તબક્કામાં BKCથી વરલીના આચાર્ય અત્રે ચોક સુધી મેટ્રો ચાલુ કરવામાં આવી હતી.