10 April, 2026 10:13 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
વાઇરલ વિડીયોમાંથી સ્ક્રીનશૉટ
કલ્યાણ રેલવે-સ્ટેશનના પ્લૅટફૉર્મ-નંબર ૪ પર રેલવે પ્રોટેક્શન ફોર્સ (RPF)ના કર્મચારીએ સમયસૂચકતા વાપરીને એક મુસાફરને એક્સપ્રેસ ટ્રેનની નીચે કચડાતાં બચાવી લીધો હતો. આ સમગ્ર ઘટના સ્ટેશન પર લાગેલા CCTV કૅમેરામાં કેદ થઈ હતી.
સોમવારે સવારે ૯.૩૦ વાગ્યે પુણે-સંત્રગાચી એક્સપ્રેસ કલ્યાણ સ્ટેશનના પ્લૅટફૉર્મ-નંબર ૪ પર આવી ત્યારે એક મુસાફર ચા-નાસ્તો લેવા માટે ઊતર્યો હતો. દરમ્યાન ટ્રેન અચાનક ઊપડવા લાગતાં તેણે દોડીને ટ્રેન પકડવાનો પ્રયાસ કર્યો હતો.
ટ્રેનમાં ચડતી વખતે બૅલૅન્સ ખોરવાતાં મુસાફર ટ્રેન અને પ્લૅટફૉર્મ વચ્ચેની સાંકડી જગ્યામાં પડી ગયો હતો. તેને પડતો જોઈને ત્યાં ફરજ પર હાજર રેલવે પ્રોટેક્શન ફોર્સ (RPF)નો કર્મચારી ગજાનન અંભોરે અને મહારાષ્ટ્ર સિક્યૉરિટી ફોર્સનો જવાન વિશાલ જાધવ તાત્કાલિક તેની મદદે દોડી ગયા હતા. બન્ને જવાનોએ મુસાફરને ખેંચીને બહાર કાઢ્યો હતો. આ CCTV ફુટેજ વાઇરલ થતાં લોકોએ બન્ને જવાનોની પ્રશંસા કરી હતી.