26 January, 2023 09:34 AM IST | Mumbai | Ranjeet Jadhav
બીએમસીની ટ્રી ઑથોરિટી આરે મિલ્ક કૉલોનીમાં વધુ વૃક્ષો કાપવા માગે છે. (ફાઇલ તસવીર : સૈયદ સમીર અબેદી)
કોરોના મહામારીનું કારણ આપીને આરેમાં ૧૭૭ વૃક્ષો કાપવા માટેની દરખાસ્ત પર જાહેર સુનાવણી ન કરવા બદલ પર્યાવરણ ઍક્ટિવિસ્ટોએ બીએમસીની ટીકા કરતાં કહ્યું છે કે શહેરમાં કોવિડ સંબંધી કોઈ પ્રતિબંધો હાલમાં લાગુ નથી. બસ અને ટ્રેન મુસાફરોથી અને રસ્તાઓ વાહનો અને રાહદારીઓથી ભરેલાં છે તો જાહેર સુનાવણી કેમ કરવામાં નથી આવી રહી?
બીએમસીએ કમિશનરની મંજૂરી મેળવવા ૧૬ જાન્યુઆરીએ બીએમસીની વેબસાઇટ પર નોટિસ પ્રકાશિત કરી હતી, જે મુજબ આરે મિલ્ક કૉલોનીમાં ૧૭૭ વૃક્ષો કાપવાના પ્રસ્તાવ સામે વિરોધ કે સૂચનો દર્શાવતી ઈ-મેઇલ મોકલવાની અંતિમ તારીખ ૨૩ જાન્યુઆરીએ સમાપ્ત થઈ હતી. નોટિસમાં પહેલેથી જ સમયમર્યાદા વધારવામાં નહીં આવે એમ જણાવાયું હતું. જોકે શહેરના ઍક્ટિવિસ્ટો અને પર્યાવરણવાદીઓએ સમયમર્યાદા વધારવા તેમ જ આ મુદ્દે ઑનલાઇન કે ઑફલાઇન સુનાવણીની માગણી કરી છે.
પર્યાવરણવાદી ઝોરુ ભાઠેનાએ કહ્યું હતું કે ‘૨૦૧૯માં એમએમઆરડીએના ઑડિટોરિયમમાં જાહેર સુનાવણી રાખવામાં આવી હતી, જેમાં હજારો નાગરિકોએ ભાગ લીધો હતો. તો પછી ૨૦૨૩માં આટલો ફરક કેમ કરવામાં આવ્યો છે? કોરોનાનું કારણ આપીને નાગરિકોના અવાજને દબાવી ન શકાય. એમએમઆરસીએલ પહેલા જ દિવસથી આરે કૉલોનીમાં વૃક્ષોને કાપવા વિશે સાચો આંકડો છુપાવી રહી છે. વાસ્તવમાં અત્યાર સુધીમાં હજારો વૃક્ષો કાપવામાં આવ્યાં છે.’