03 August, 2024 11:39 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ખંડાલા ઘાટમાં લૅન્ડસ્લાઇડ બાદ ટ્રૅક ક્લિયર કરી રહેલા રેલવેના કર્મચારીઓ.
સેન્ટ્રલ રેલવેમાં મુંબઈ-પુણે રૂટ પર ખંડાલા ઘાટમાં ગુરુવારે રાત્રે બે વાગ્યે વરસાદને લીધે લૅન્ડસ્લાઇડ થવાથી ટ્રૅક બ્લૉક થઈ ગયા હતા. એને લીધે રાતના સમયે આ રૂટ બંધ થઈ ગયો હતો. સેન્ટ્રલ રેલવેની માહિતી મુજબ ગુરુવારે મોડી રાત્રે બે વાગ્યે ખંડાલા ઘાટમાં લોનાવલા પાસેની મન્કી હિલ પહેલાંની બૅટરી હિલ ખાતે લૅન્ડસ્લાઇડ થવાને લીધે રેલવે-ટ્રૅક બ્લૉક થઈ ગયા હતા. ઘટનાની જાણ થતાં તાત્કાલિક રેલવેની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી અને ચાર કલાકમાં પથ્થર-માટીને દૂર કરીને ટ્રૅક ક્લિયર કરવામાં આવ્યા હતા. આથી સવારના સમયે ટ્રેનવ્યવહારને કોઈ અસર નહોતી થઈ.
દરદીની મહિલા સંબંધીઓએ પુરુષ ડૉક્ટર પર કર્યો હુમલો
થાણેના કલવામાં આવેલી છત્રપતિ શિવાજી મહારાજ હૉસ્પિટલમાં સારવાર લઈ રહેલા એક દરદીને ત્રણ દિવસથી ખાવા કેમ નથી આપ્યું અને તેને કેમ ICUમાં નથી ખસેડ્યો એવો આક્ષેપ કરીને મંગળવારે બપોરે દરદીની બે મહિલા સંબંધીઓએ હૉસ્પિટલના પુરુષ ડૉક્ટર પર હુમલો કર્યો હતો. એટલું જ નહીં, મહિલા ડૉક્ટરો અને નર્સે તેમને રોકવાની કોશિશ કરી તો તેમની પણ મારઝૂડ કરી હતી. આ સંદર્ભે કલવા પોલીસ-સ્ટેશનમાં ગુનો નોંધવામાં આવ્યો હતો. પુરુષોના વૉર્ડમાં સારવાર લઈ રહેલા દરદીની બે મહિલા સંબંધીઓને પુરુષ ડૉક્ટર માહિતી આપી રહ્યો હતો ત્યારે તે મહિલાઓએ આક્ષેપ કર્યો હતો કે કેમ ત્રણ દિવસથી દરદીને ખાવા નથી આપ્યું અને તેની તબિયત કથળી ગઈ છે તો કેમ તેને ઇન્ટેન્સિવ કૅર યુનિટ (ICU)માં શિફ્ટ કરીને સારવાર નથી અપાઈ રહી?
ભિવંડીમાં ચાલતા ગેરકાયદે ટેલિફોન એક્સચેન્જની આડમાં આતંકવાદી ગતિવિધિની શંકા, એકની ધરપકડ
મહારાષ્ટ્ર ઍન્ટિ-ટેરરિઝમ સ્ક્વૉડ (ATS)એ ભિવંડીમાં ગેરકાયદે ટેલિફોન એક્સચેન્જ ચલાવીને આતકંવાદી ગતિવિધિ કરવાના આરોપસર ગઈ કાલે ૪૦ વર્ષના ઝફર બાબુ ઉસ્માન પટેલ નામના આરોપીની ધરપકડ કરી હતી. પોલીસે આરોપી પાસેથી વિવિધ કંપનીઓનાં ૨૪૬ સિમ કાર્ડ, આઠ રાઉટર અને ૧૯૧ ઍન્ટેના જપ્ત કર્યાં હતાં. ATSના એક અધિકારીએ કહ્યું હતું કે ‘ગેરકાયદે ટેલિફોન એક્સચેન્જમાં ઇન્ટરનૅશનલ કૉલ કરવામાં આવતા હતા. આ ટેલિફોન એક્સચેન્જની આડમાં આતંકવાદીની ગતિવિધિ કરવામાં આવતી હોવાની શંકા છે. દોઢ વર્ષથી આ ગેરકાયદે એક્સચેન્જ ચાલતું હતું જેને લીધે સરકારને ત્રણ કરોડ રૂપિયાનું નુકસાન થયું છે.’ ૩૧ જુલાઈએ ATSને માહિતી મળી હતી કે ભિવંડીમાં ન્યુ ગૌરીપાડાના રોશનબાગમાં ગેરકાયદે ટેલિફોન એક્સચેન્જ ચાલી રહ્યું છે. આથી ગઈ કાલે અહીં દરોડો પાડીને કાર્યવાહી કરવામાં આવી હતી. અહીં વૉઇસ-ઓવર-ઇન્ટરનેટ પ્રોટોકૉલ (VOIP) ઇન્ટરનૅશનલ કૉલ કરવામાં આવતા હતા અને એ સિમ કાર્ડમાંથી લોકલ કોલ હોય એવી રીતે રૂટ કરવામાં આવતા હતા.
ઝાડે બોલાવ્યો ગાડીનો ખુરદો
શિમલામાં ભારે વરસાદને પગલે તૂટી પડેલા વૃક્ષની નીચે દબાઈ ગયેલી કાર.