07 January, 2026 02:24 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
મહારાષ્ટ્રના સિટી ઍન્ડ ઇન્ડસ્ટ્રિયલ ડેવલપમેન્ટ કૉર્પોરેશન (CIDCO) દ્વારા નવી મુંબઈમાં સાંઈ ગાંવ નજીક હેતાવણે પાઇપલાઇનમાં ઇમર્જન્સી મેઇન્ટેનન્સ વર્ક હાથ ધરવામાં આવવાનું છે. એને કારણે આજે ૭ જાન્યુઆરીએ ૭ કલાક માટે નવી મુંબઈના અમુક વિસ્તારોમાં પાણીકાપ જાહેર કરવામાં આવ્યો છે. CIDCOની સૂચના પ્રમાણે સવારે ૯ વાગ્યાથી સાંજે ૪ વાગ્યા સુધી કેટલાક વિસ્તારોમાં પાણીપુરવઠો પ્રભાવિત થશે. ખારઘર, તળોજા, ઉલવે અને દ્રોણાગિરિ નોડ્સ સહિતના વિસ્તારોમાં વૉટર-સપ્લાય ખોરવાશે. સાંજે ૬ વાગ્યા પછી લો પ્રેશરમાં સપ્લાય ફરી શરૂ થશે.
નવા વર્ષની પહેલી અંગારકી (મંગળવારે આવતી ચતુર્થી-તિથિ) ગઈ કાલે જ આવી હોવાથી મુંબઈના પ્રભાદેવીમાં આવેલા સિદ્ધિવિનાયક મંદિરમાં દર્શન કરવા સોમવાર રાતથી જ હજારો ભાવિકોએ લાઇન લગાડી દીધી હતી. આખા દિવસ દરમ્યાન લાખો ભાવિકોએ બાપ્પાનાં દર્શન કર્યાં હતાં. આજથી બાપ્પાની મૂર્તિ પર સિંદૂરલેપન કરવાનું હોવાથી રવિવાર સુધી બાપ્પાનાં દર્શન બંધ રહેશે. ભાવિકો બહાર બાપ્પાની સોનાની મૂર્તિનાં દર્શન કરી શકશે.
ચૂંટણી પહેલાં મુંબઈ પોલીસની ટુકડીએ ગઈ કાલે તળ મુંબઈના ધોબી તળાવ વિસ્તારમાં ફ્લૅગ-માર્ચ કરી હતી. ચૂંટણીપ્રક્રિયા શાંતિથી અને સુરક્ષિત રીતે પાર પડે એ માટે પોલીસ સજાગ છે એવો સંદેશો આ ફ્લૅગ-માર્ચ દ્વારા મુંબઈગરાને પોલીસે પહોંચાડ્યો હતો. તસવીર : અતુલ કાંબળે
દરિયાની થપાટો ખાઈને ખડક બની ગયા છે મશરૂમ જેવા
તાઇવાનના ન્યુ તાઇપેઇ શહેરમાં યેલિયુ જિઓપાર્કમાં ખાસ પ્રકારના ખડકો જોવા મળશે. આ ખડકો જ છે જે દરિયાના ખારા પાણીની જોરદાર થપાટો ખાઈ-ખાઈને એવા વિચિત્ર રીતે ગળાઈ ગયા છે કે વર્ષોના ગળતરને કારણે ખડકો હવે મશરૂમના ટોપ જેવા લાગવા લાગ્યા છે. આ જગ્યા સહેલાણીઓમાં બહુ પ્રિય થઈ રહી છે.